Abtak Media Google News

જેમને સોફ્ટ ડ્રિન્ક્સ પીવાની આદત હોય તેમને એ અનહેલ્ધી આદત છોડવા માટે ઇન્ફ્યુઝ્ડ વોટર ઘણાં મદદરૂપ થઈ શકે છે. પાણીમાં ફ્રૂટ, વેજિટેબલ, લીલાં પાન કે સૂકો મસાલો કંઈ પણ નાખીને બનતાં આ ફ્લેવરવાળાં પાણી આજકાલ ટ્રેન્ડમાં છે. એને લોકો ડિટોક્સ વોટર પણ કહે છે. એ કઈ રીતે બનાવાય અને પિવાય એ જાણીએ

આજકાલ બજારમાં એક પ્રકારની બોટલ મળે છે જેમાં વચ્ચે ફ્રૂટ કે કાકડી, ફુદીના જેવું કંઈક રાખવાનું અને બહારની બાજુ પાણી ભરવાનું. આ બોટલને ઇન્ફ્યુઝ્ડ વોટર માટેની બોટલ કહેવાય છે. જિમમાં, ગાર્ડનમાં, ઑફિસમાં ડેસ્ક પર તમે આ પ્રકારની બોટલ જોઈ હશે જેમાંથી લોકો પાણી ગટગટાવતા હોય છે. ડાયટમાં પણ નવા-નવા ટ્રેન્ડ આવતા જાય છે અને ઇન્ફ્યુઝ્ડ વોટર આજનો ટ્રેન્ડ છે. જોકે એનાં મૂળ તો આપણા જીરાના કે ધાણાના પાણીમાં જ છે. આ પ્રકારનું પાણી આપણે વર્ષોથી પીતાં આવ્યા છીએ, પરંતુ એનું નવું ફોર્મ એટલે ફ્રૂટ, જાત-જાતનાં બીજ કે બીજું કઈ પણ અંદર નાખીને પાણીને ફ્લેવરફુલ બનાવીને પીવું. આ રીતે પાણી પીવાથી શું ફાયદા થાય? સાદું પાણી પીએ અને આ ઇન્ફ્યુઝ્ડ વોટર પીએ એમાં શું ફરક? શું એનાથી વજન ઓછું થાય? કોનાથી એ પિવાય? આ બધા જ પ્રશ્નોના જવાબ આજે મેળવીએ.

ઇન્ફ્યુઝન એટલે શું?

ઇન્ફ્યુઝનનો અર્થ એ થાય કે જ્યારે એક વસ્તુમાં બીજી વસ્તુ ઉમેરવામાં આવે જેનાથી એ વસ્તુના ગુણોમાં ઉમેરો થાય અથવા એ વસ્તુ વધુ સારી બને તો એને ઇન્ફ્યુઝન કહે છે. હવે જયારે પાણીમાં ઇન્યુઝન કરવામાં આવે તો એનો અર્થ એ થાય કે એ પાણીને વધુ સારું બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, પરંતુ પાણીને વધુ સારું બનાવવાની જરૂરત શું છે?

આ પ્રશ્નનો જવાબ આપતાં ડોકટરકહે છે, પાણી પોતાનામાં સંપૂર્ણ છે અને એને વધુ સારું બનાવવાની જરૂરત નથી, પરંતુ એના રૂપને બદલવાથી એને થોડું સ્વાદિક્ટ બનાવવાથી કે એમાં બીજી વસ્તુ ઉમેરીને એમાં વિટામિન્સ કે મિનરલ્સ ઉમેરવાથી એ વધુ આકર્ષક ચોક્કસ બને છે. જ્યારે આપણે કહીએ છીએ કે દરેક વ્યક્તિને અઢીથી ત્રણ લીટર પાણી પીવું જરૂરી છે ત્યારે એ વસ્તુ જરૂરી નથી કે દરેક વ્યક્તિ એ અનુસરે. ઘણા લોકો એવા છે જે ખબર હોવા છતાં લીટર પાણી પી નથી શકતા. તેમના માટે ઇન્ફ્યુઝ્ડ વોટર ઉપયોગી છે. સાદો પાણીનો ગ્લાસ આપો કે આવી ઇન્ફ્યુઝ્ડ બોટલ આપો તો શું પીવાનું મન વધુ થાય? અને જો આ રીતે પણ લોકો પોતાની પાણીની પૂર્તિ કરતા હોય તો એ સારું જ છે.

ઉપયોગ

ઇન્ફ્યુઝ્ડ પાણીનો સૌથી મોટો ઉપયોગ એ જ છે કે તમારા શરીરમાં પાણીની કમીને એ પૂરી કરે છે, પરંતુ એની સાથે-સાથે એ ડિટોક્સિફિકેશનનું પણ કામ કરે છે. એના ફાયદા સમજાવતાં કેજલ શેઠ કહે છે, ઇન્ફ્યુઝ્ડ વોટર વ્યક્તિના શરીરમાંથી ટોક્સિનને સાફ કરવા માટે ઉપયોગી છે. પાચનને એ બળ આપે છે, ઇમ્યુન સિસ્ટમને તાકાત આપે છે, ઍન્ટિઑક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે જેને લીધે સ્કિન અને વાળ માટે પણ એ ઉપયોગી છે. સ્નાયુના ખેંચાણને કે સ્નાયુને ટાઇટ થતાં રોકે છે. સ્ટ્રેસને દૂર કરે છે.

જૂનું ફરીથી આવ્યું

આપણે ત્યાં જીરાનું પાણી, ધાણાનું પાણી, અજમાનું પાણી વર્ષોથી પિવાય છે, જેને રાત આખી પલાળીને સવારે પાણી પી જવાનું હોય છે. આ જ રીતમાં ઉમેરો કરીને આ નવું ઇન્ફ્યુઝ્ડ સ્વરૂપ આવ્યું છે, જેમાં મહત્વની વાત એ છે કે જે પણ પદાર્થ તમે પાણીમાં નાખો છો એ પદાર્થના ગુણો પાણી સ્વીકારે છે. આમ ફક્ત પાણી પીશો તો પાણીનો જ ફાયદો થશે, પરંતુ ઇન્ફ્યુઝ્ડ વોટર પીઓ તો એ પદાર્થ અને પાણી બન્નેના ફાયદા થશે. જે વ્યક્તિઓ ફળો ખાતી નથી એમના માટે પણ એ અત્યંત ફાયદાકારક સાબિત થાય છે. આ રીતે એમને આદત પડે છે.

કોણ વાપરી શકે?

કોઈ પણ વ્યક્તિ એ પી શકે છે. બાળકોથી માંડીને વૃદ્ધ લોકો સુધી દરેક આ પ્રકારનું પાણી પી શકે છે. ખાસ કરીને કોને એ ફાયદો કરે છે? આ પ્રશ્નનો જવાબ આપતાં કેજલ શેઠ કહે છે, આ પ્રકારનું પાણી પીવાનો ફાયદો દરેકને થાય છે. ખાસ તો જેમને શુગરી ડ્રિન્ક પીવાની આદત હોય એ છોડવા માટે એ ઉપયોગી છે એટલું જ નહીં, આલ્કોહોલ છોડવામાં કે ઓછું પીવા માટે પણ એ ઉપયોગી છે. એક વખત જો એ ભાવવા માંડે તો વ્યક્તિ કોલા ડ્રિન્ક્સ, સોફ્ટ ડ્રિન્ક્સ, શરબત, ઠંડાં પીણાં બધા જ પ્રકારના અનહેલ્ધી ઑપ્શન છોડીને આ જ પીવા લાગે છે. આમ એ ખોટી આદતો છોડવા માટે અત્યંત ઉપયોગી છે. ખાસ કરીને જેમને પીણાં ગમતાં હોય અને તેમને કંઈ ને કંઈ પીતાં રહેવું ગમે તેઓ માટે આ બેસ્ટ છે.

ઍપલ-સિનેમન વોટર

૧ ગ્લાસ પાણીમાં ૧ ઍપલને છોલીને ટુકડા કરીને નાખવું અને એમાં ૧ ચમચી તજનો પાઉડર નાખવો. એને બે કલાક રાખી મૂકો અને પછી પી શકો છો. પાણી પિવાઈ જાય પછી ઍપલ ખાઈ જવાનું. એને વેડફવાની જરૂર નથી.

આ પ્રકારનું પાણી સ્ત્રીઓ અને છોકરીઓ માટે ઘણું જ ઉપયોગી છે. એને સવારે પીવું જોઈએ. વેઇટલોસમાં એ મોટો ફાળો આપે છે. ઘણાં સારાં પરિણામો એનાથી મેળવી શકાય છે.

સાઇટ્રસ મેજિક

૧ ગ્લાસ પાણીમાં ૨-૩ બ્લુબેરી અને ૧ નાનું સંતરું નાખો. એમાં ૨-૩ ફુદીનાનાં પાન ઉમેરો. ૨-૩ કલાક રાખો અને પછી પીવો. બ્લુબેરી અને સંતરું પછી ખાઈ શકાય છે.

આ પ્રકારનું પાણી કોઈ પણ વ્યક્તિ લઈ શકે છે. એ ખૂબ જ વધારે ફ્રેશનેસ આપે છે અને સ્ટ્રેસને દૂર કરે છે. એને બપોરના સમયમાં પી શકાય છે.

સબ્ઝા અને ફુદીનાનું પાણી

ફક્ત ફળો જ નહીં, બીજ પણ નાખીને પાણી બનાવી શકાય છે જેમાં સબ્ઝા એટલે કે તકમરિયાંનાં બીજ ઘણાં જ ઉપયોગી થાય છે. ૧ ગ્લાસ પાણીમાં બે ચમચી સબ્ઝાનાં બીજ, ૨-૩ ફુદીનાનાં પાન નાખીને ૨-૩ કલાક રાખી મૂકો અને પછી એ લઈ શકાય છે. ફુદીનાનાં પાન અંતે ચાવી જવાં.

આ પાણી વેઇટલોસ માટે ઘણું ઉપયોગી છે, કારણ કે એનાથી પેટ ભરેલું લાગે છે. બીજું એ કે એનાથી વાળ ઘણા સારા થાય છે.

કાકડી કૂલર

૧ ગ્લાસ પાણીમાં ૧ નાનકડી કાકડીની સ્લાઇસ અને અડધા લીંબુની ચીરી નાખીને ૨-૩ કલાક રાખી મૂકો અને પછી પીઓ. અંતમાં કાકડી ખાઈ શકાય.

સ્કિન અને વાળ માટે એ ઉપયોગી છે એટલું જ નહીં, વોટર રિટેન્શનને એ અટકાવે છે એટલે કે જો શરીરમાં પાણી ભરાય રહેવાની સમસ્યા હોય તો એનાથી દૂર થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.