અહીં ઉભું રહેવું હોય તો કમિશન આપવું પડશે કહી કાર ચાલક પર હુમલો

પોપટપરાના યુવાન ગ્રીનલેન્ડ ચોકડીએ વાહન લઇ ચા પીવા માટે ઉભો હતો:રિક્ષાચાકોએ મુસાફર લઇ જાય તેવી શંકા રાખી માર માર્યો

શહેરના પોપટપરા વિસ્તારમાં રહેતો યુવાન ગ્રીનલેન્ડ ચોકડી પાસે ઉભો હતો.ત્યારે છ અજાણ્યા શખ્સોએ તેને પાઇપ વડે મારમાર્યો હતો.તેમજ યુવાનનો મોબાઇલ પણ તોડી નાખ્યો હતો.યુવાન અહીં ઉભો હોઈ તે પેસેન્જર ભરતો હોવાની શંકા રાખી તેના પર હુમલો કરવામાં આવ્યો હતો.આ મામલે યુવાને પગલાં લેવા પોલીસ કમિશનર સમક્ષ લેખિતમાં ફરિયાદ અરજી કરી છે.જાણવા મળતી વિગતો મુજબ,પોપટપરામાં શેરી ન.૧/૧૬ ના ખૂણે રહેતા અફઝલ મુસ્તાકમીયા બુખારી દ્વારા પોલીસ કમિશનર સમક્ષ કરવામાં આવેલી લેખિત ફરિયાદ અરજીમાં જણાવ્યા મુજબ, યુવાન અખબારની ગાડી ચલાવે છે.તા ૩૦/૧૨ ના વહેલી સવારે તે પોતાની ઇકો લઇ ગ્રીનલેન્ડ ચોકડી પાસે ચા નાસ્તા માટે ઉભો હતો.દરમિયાન અહીં ઉભેલા છ જેટલા અજાણ્યા રીક્ષાચાલકોએ કહ્યું હતું કે,અહીંથી પેસેન્જર ભરવા હોઈ તો કમિશન આપવું પડશે.પરંતુ યુવાને કહ્યું હતું કે,હું અહીં પેસેન્જર ભરવા માટે નથી ઉભો તેમછતાં આ શખ્સોએ ઝઘડો કરી પાઇપ વડે હુમલો કર્યો હતો.મારમાર્યા બાદ અહીં કયારેય વાહન ઉભું રાખતો નહીં તેમ કહી ધમકી આપી હતી.યુવાન પોલીસને ફોન કરવા જતાં તેનો ફોન ઝટી લઇ તોડી નાખ્યો હતો.આ બાબતે યુવાને પોલીસ કમિશનર કચેરીએ લેખિતમાં ફરિયાદ અરજી કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરી છે.