Abtak Media Google News

મનપાની સ્ટેન્ડીંગ કમીટીમાં લેવાયા મહત્વના નિર્ણયો

માર્કેટીંગ યાર્ડનાં રોડ માટે રૂ.૪.૬૦ કરોડ તેમજ એમ્બ્યુલન્સ તથા શબવાહિની માટે રૂ.૪૪ લાખનો ખર્ચ મંજૂર કરાયો

જૂનાગઢ મનપાની ગઇકાલે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં ખરા અર્થમાં કહી શકાય તેવા મહત્વના નિર્ણય લેવાયા હતા, અને જૂનાગઢને ઘણા વખતથી લોકોને મૂંઝવતા પ્રશ્નો અને જે પ્રશ્નો વારંવાર વિપક્ષો અને શાસક પક્ષના સદસ્યો દ્વારા ઉઠાવી રહ્યા હતા તે પ્રશ્નને અગ્રતા આપી તેને મંજૂરી આપી, જૂનાગઢના લોકોનું જૂનાગઢ મનપાના સત્તાધીશોએ દિવાળીના દિવસોમાં દિલ જીતી લીધું હતું.

જૂનાગઢ મનપાની ગઇકાલે મળેલી  સ્થાયી સમિતિની બેઠકમાં નલ સે જલ યોજના અંતર્ગત શહેરના છેવાડાના માનવીના ઘર સુધી પાણી મળી રહે તે માટે ઝીરો ઇંચનુ કનેક્શન જે ગેરકાયદેસર લીધું હોય, તેઓને રૂ. ૫૦૦ ના ટોકન દરેથી રેગ્યુલાઇઝ કરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, આ ઉપરાંત વોર્ડ નં ૬ ની શિવનગર સોસાયટી, સરીતા સોસાયટી અને સહજાનંદ સોસાયટી વિસ્તારમાં ૯૦ એમ.એમ.ના ડાયા મીટરના પાઇપથી પાણી આપવા માટે રૂ ૬.૮૨ લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો.

સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં મહત્વનો નિર્ણય કહી શકાય તેવા જૂનાગઢ મનપાના વોર્ડ નંબર ૧ માં દોલતપરા વિસ્તારમાં આવેલ માર્કેટિંગ યાર્ડ રોડ માટે રૂ. ૪.૬૦ કરોડ ના ખર્ચે સીસી રોડ તથા લાઇટ ફીટ કરવા માટે ખર્ચની મંજૂર આપવામાં આવી હતી આ ઉપરાંત મનપાના તમામ વર્ગના લોકોના આરોગ્યની સુખાકારી અને દિવંગતોની સમશાન યાત્રા માટે એક એમ્બ્યુલન્સ તથા શબવાહિની માટે રૂ ૪૪ લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો.       આજે સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાયેલા મહત્વના નિર્ણયમાં વાલ્મીકિ વાસના ૨૭ વ્યક્તિઓને પુન:સ્થાપિત કરવા નામદાર હાઈકોર્ટના હુકમને માન્યતા આપી પુન:સ્થાપિત કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો, જ્યારે એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓએ ડિગ્રી પ્રાપ્ત કરેલી હોય અને તેમાંના ટ્રેનિંગ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓ ને રૂ. ૧૩ હજાર સુધીના ઇન્વેસ્ટ આપી જૂનાગઢ મહાનગરપાલિકાની રોડ, રસ્તા તથા ગટરની કામગીરી પર દેખરેખ રાખવાની કામગીરી સોંપવામાં આવશે તેવો પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

જુનાગઢ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાકેશ ધુલેશીયા, સદસ્ય શશીકાંત ભીમાણી, ગીરીશભાઈ કોટેચા, પુનિતભાઈ શર્મા, હરેશભાઈ પરસાણા, બાલાભાઈ રાડા, કિરીટભાઈ ભીભા, આધ્યાશક્તિ બેન મજમુદાર તથા સરલાબેન સોઢા સહિતના સદસ્યશ્રીઓએ ઉપસ્થિત રહી, આજે જૂનાગઢના વિકાસના મહત્વના નિર્ણય ઉપર મહોર મારી હતી, મીટીંગ પૂર્વે મનપાના મેયર ધીરુભાઈ ગોહિલના અધ્યક્ષ સ્થાને સંકલનની બેઠક મળી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.