Abtak Media Google News

સ્થાનિક તંત્ર ધૃતરાષ્ટ્રની ભુમિકામાં

ઈડરમાં ખનીજ ચોરો અવનવી તરકીબો અજમાવી બેફામ રીતે ખનીજ ચોરી કરી પોતાના ટ્રેક્ટરો મારફતે ગેરકાયદેસર રેતીનું વહન કરવામાં આવી રહ્યું છે ઈડરમાં આવેલા તળાવોમાંથી ગેરકાયદેસર પાસ પરમીટ વગર હજારો ટનની રેતીની ચોરી રોજેરોજ થઈ રહી છે ત્યારે રેત ચોરો દ્વારા પોતાના ટ્રેકટરો મારફતે નદી તો ઠીક પરંતુ તળાવો  માંથી વહેલી સવારથી સાંજ સુધી રેતીનું ગેરકાયદેસર વહન કરવામાં આવી રહ્યું છે અગાઉ પણ ઈડરીયા ગઢ પાછળ આવેલા શામળીયા સોઢ તળાવમાંથી રેતી ચોરીના સમાચારો વારંવાર પ્રકાશિત થયા છે.

ત્યારે આજ લોકોએ રેતી ચોરી માટે નવી ખાણ શોધી કાઢી છે હાલ રાજય સરકાર દ્વારા તળાવો ઊંડા કરવાની કામગીરી ચાલી રહી છે ત્યારે ઈડરના રાણી તળાવમાંથી ગેરકાયદેસર રેત ચોરો દ્વારા હજારો ટન રેતીની ચોરી કરી સરકારને લાખો રૂપિયાનો ચુનો લગાડી  રહ્યા છે કાયદાની ઐસીતૈસી કરી પાસ પરમીટ વગર આ તળાવોમાંથી પોતાના નંબર વગરના ટ્રેક્ટરો દ્વારા રેતીનું વહન કરવામાં આવી રહ્યું છે જ્યારે રેત ચોરો દ્વારા પોતાના મળતીયાઓ મારફતે બાતમીદારો રાખી વોચ રાખવામાં આવે છે.

એક બાતમીદાર મામલતદાર કચેરી આગળ,ભીલોડા ત્રણ રસ્તા પાસે, ગંભીરપુરા પાસે આમ અલગ અલગ જગ્યાએ બાતમીદારો રાખી આખું નેટવર્ક ગોઠવી દેવામાં આવે છે અને ત્યારબાદ પાસ પરમીટ વગરના રેતી ભરેલા ટ્રેક્ટરો પસાર કરવામાં આવે છે જો અધિકારીઓ સરકારી વાહનને બદલે પ્રાઈવેટ વાહન લઈને જાય તો રેતી ચોરી કરતાં લોકોને પકડી લાખ્ખો રૂપિયાની ગેરકાયદેસર રેતીની ચોરી પકડી સરકારી તિજોરીને થતું નુકશાન અટકાવી શકાય છે તેવી માંગ ઉઠવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.