ઈમ્યુન પાવર, વીટામીનના બાટલા જેવા લીંબુ-સંતરા, નાળીયેરના ઉંચા દામથી પ્રજા પરેશાન

0
95

જૂનાગઢ મહાનગર સહિત જિલ્લામાં કોરોનાના દર્દમાં રામબાણ સમાન વિટામિન સીથી ભરપૂર એવા લીંબુ, સંતરા, કીવી અને ડ્રેગન, અનાનસ ના ભાવો આસમાને પહોંચાડી દેવામાં આવ્યા છે, તો લીલા નાળિયેર 60 થી 100 રૂપિયા એ વ્હેચાતા દર્દીઓ માટે આવા મોંઘા ફળ ખાવા દોયલા બની રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા કોરોના ગ્રસ્ત દર્દીઓને ઉપયોગી એવા ફળ સસ્તા ભાવે મળે તે માટે ભાવ બંધણું કરવામાં આવે તેવી લોકોમાંથી પ્રચંડ માંગ ઉઠવા પામી છે.

કોરોના ગ્રસ્ત દર્દીઓના દર્દ માટે રામબાણ ઈલાજ સમાન વિટામિન સી યુક્ત ફળો ખાવાની તબીબો દ્વારા સલાહ આપવામાં આવે છે. આ સિવાય કોરોનાને દૂર રાખવા લોકોને લીંબુ, સંતરા, મોસંબી, પાઈનેપલ ખાવાની સલાહ આપી રહ્યા છે ત્યારે જૂનાગઢ શહેર અને જિલ્લામાં મોકાનો લાભ લઈ લોકોને ફળના વેપારીઓ દ્વારા વિટામીન સી યુક્ત ફળના ભાવ આસમાને પહોંચાડી દેવામાં આવ્યા છે, જેના કારણે સામાન્ય દર્દી કે તેમના પરિવારજનો આવા મોંઘાદાટ ફળો લઈ શકતા નથી.

જો જૂનાગઢ શહેરની વાત કરીએ તો જૂનાગઢ શહેરમાં 40 થી 80 ના ભાવે વહેચાતા લીંબુ હવે 140 થી 180 રૂપિયે કિલોના ભાવે વેચાઇ રહ્યા છે તો 30 થી લઈને 50 ના ભાવે વહેચાયેલા સંતરા અને મોસંબી હવે 150 થી 200 રૂપિયા કિલો માર્કેટમાં વેચાય છે. જ્યાર કીવી 5 નં સો રૂપિયા હતા તેને બદલે 3 નંગના રૂપિયા 100 કરી દેવામાં આવ્યા છે, જ્યારે  નાના ડ્રેગન ફ્રુટ ના 120 થી 140 રૂપિયા અને અનાનસ જે રૂ. 20 થી 30 માં મળતું હતું તેના રૂ. 60 થી 100 માર્કેટમાં પડાવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત નાની સાઈઝના નાળિયેર રૂપિયા 60 થી લઈને 100 રૂપિયા સુધીના દર્દી અને દર્દીના સગાઓ મને-કમને ખરીદી રહ્યા છે.

એક તરફ કોરોના મહામારી ભયંકર રીતે જૂનાગઢ જિલ્લામાં ફાટી નીકળી છે અને દર્દીઓને પૂરતી સારવાર મળે તે માટે ખાટલા ખાલી નથી, અને મોંઘા ભાવની દવા અને સારવારમાં ઉધાર કરી કે નાની એવી બચતની રકમ માંથી વાપરી જીવ બચાવવા પ્રયત્નો કરી રહ્યા છે, ત્યારે બીજી બાજુ દર્દીઓને જરૂરી વિટામિન્સ પૂરા પાડતા ફળોના ભાવો આસમાને પહોંચી જતા કોરોના ગ્રસ્ત દર્દીઓ અને પરિવારજનો આ બાબતે પણ ચિંતિત બની રહ્યા છે. કારણ કે દર્દીને પૂરતા પ્રમાણમાં વિટામીન સી આપવા જરૂરી હોય છે, ત્યારે આર્થિક પરિસ્થિતિ ન હોવા છતાં પણ આવા મોંઘા ભાવના ફળો ખરીદવા પડી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા જૂનાગઢ શહેર સહિત જીલ્લામાં ફળોના ભાવ નક્કી કરવામાં આવે તેવી પ્રચંડ માંગ ઉઠવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here