Abtak Media Google News

ઓફલાઇન 3,650 અને ઓનલાઇન 3,386 અરજીઓ આવી માત્ર 830 અરજીઓને જ મંજૂરી

અનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા વિધાનસભાની ચૂંટણી પહેલા ઇમ્પેક્ટ ફી યોજના લાવવામાં આવી હતી. દરમિયાન ગત 17 ફેબ્રુઆરીના રોજ આ યોજનાની મુદ્તમાં ચાર માસનો વધારો કરવામાં આવ્યો હતો. આગામી 16 જૂનના રોજ ઇમ્પેક્ટ ફીની અરજી સ્વિકારવાની મુદ્ત પૂર્ણ થઇ રહી છે. આજસુધીમાં 7,036 અરજીઓ આવી છે. જે પૈકી માત્ર 830 અરજીઓ જ મંજૂર કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે 2754 અરજીઓ રદ્ કરવામાં આવી છે. જેમાં ઇમ્પેક્ટ ફીની શરત મુજબ બાંધકામ નિયમિત કરી શકાય તેમ ન હોવાનું કારણ મુખ્ય હોવાનું મનાઇ રહ્યું છે.

રાજ્ય સરકાર દ્વારા ગેરકાયદે બાંધકામોને કાયદેસરતાનું સ્વરૂપ આપવા માટે ઓક્ટોબર માસમાં ઇમ્પેક્ટ ફીનો કાયદો લાવવામાં આવ્યો હતો. જેની મુદ્ત પૂર્ણ થતા ગત 17 ફેબ્રુઆરીના રોજ ચાર મહિના માટે મુદ્તમાં વધારો કરાયો હતો. આગામી 16 જૂનના રોજ મુદ્ત પૂર્ણ થઇ રહી છે. આ યોજના અંતર્ગત શરૂઆતના તબક્કામાં માત્ર ઓનલાઇન અરજીઓ જ સ્વિકારવામાં આવી હતી. જેમાં શહેરના 18 વોર્ડમાંથી 3,386 જેટલી અરજીઓ આવી હતી. જે પૈકી આજની તારીખે 2338 અરજી પેન્ડિંગ છે.

વોર્ડ નં.9માં એકપણ અરજીનો નિકાલ કરવામાં આવ્યો નથી. તમામ 237 અરજીઓ આજની તારીખે પેન્ડિંગ પડી છે. જ્યારે ઓનલાઇન આવેલી 3,386 અરજીઓમાંથી માત્ર 483 અરજીઓને મંજૂરી આપવામાં આવી છે. 383 અરજીઓ ડીસ્પોસ કરાઇ છે. જ્યારે 49 અરજીઓ એટીપી કક્ષાએ પેન્ડિંગ છે. જ્યારે 133 અરજીઓ રિજેક્ટ કરી દેવામાં આવી છે. ઓફલાઇન અરજીઓ સ્વિકારવાનું શરૂ કરાયા બાદ આજસુધીમાં 3,650 અરજીઓ આવી છે. જે પૈકી 1383 અરજીઓની ચકાસણી કરવામાં આવી છે.

357 અરજીઓ મંજૂર કરવામાં આવી છે અને 33 અરજી નામંજૂર કરાઇ છે. આગામી 16 જૂન સુધી ઇમ્પેક્ટ ફીની અરજીઓ સ્વિકારમાં આવશે ત્યારબાદ 120 દિવસની સમય મર્યાદામાં તેનો નિકાલ કરવામાં આવશે. રોડ ફેશીંગમાં બંગલો કે મકાનનું ગેરકાયદે બાંધકામ રેગ્યુલરાઇઝ્ડ કરી શકાય તેમ નથી. આ ઉપરાંત કોમર્શિયલ યુઝમાં પણ 50 ટકા પાર્કિંગ ખૂલ્લુ હોવું જોઇએ. જે નિયમ રાખવામાં આવ્યો છે. જેના કારણે 2754 અરજીઓ રદ્ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. રેસિડેન્સમાં દુકાન અને શોરૂમ બની ગયા છે. જે બાંધકામ નિયમિત કરવા માટે બાંધારૂ બની ગયા છે. ચાર્જ વધુ હોવાના કારણે પણ લોકોમાં ઉદાસીનતા જોવા મળી રહી છે. સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફીની અરજી સ્વિકારવાની મુદ્તમાં વધારો કરવામાં આવે તેવી શક્યતા પણ જણાઇ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.