ઇમ્પેક્ટ ફીની માત્ર મુદ્ત જ વધી, કોઇ રાહત નહિં: અરજીઓ સ્વીકારવાનું શરૂ

કોમર્શિયલ મિલકતોમાં 50 ટકા પાર્કિંગ ખૂલ્લું હોવું જોઇએ સહિતની જોગવાઇઓ યથાવત: નોટિફિકેશન મળતાની સાથે જ કોર્પોરેશન દ્વારા અરજીઓ લેવાનું શરૂ કરી દેવાયું

રાજ્યમાં અનઅધિકૃત બાંધકામોને નિયમીત કરતા ઇમ્પેક્ટ ફીના કાયદાની મુદ્ત રાજ્ય સરકાર દ્વારા વધારવામાં આવી છે. પરંતુ તેમાં નિયમોમાં કે ચાર્જમાં કોઇ જ રાહત આપવામાં આવી નથી. દરમિયાન ગત શુક્રવારે નવું નોટિફિકેશન મળતાંની સાથે જ આજથી અરજીઓ સ્વિકારવાનું શરૂ કરી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજ્ય સરકાર દ્વારા એક વટહુકમ લાવવામાં આવ્યો હતો. જેમાં અનઅધિકૃત બાંધકામોને ઇમ્પેક્ટ ફી વસૂલી નિયમીત કરવામાં આવતા હતાં. આ વટહુકમની મુદ્ત ગત 17મી ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થઇ જવા પામી છે. જો કે, નવી સરકારના ગઠબંધન બાદ ઇમ્પેક્ટ ફીના વટહુકમને વિધેયકનું સ્વરૂપ આપી દેવામાં આવ્યું હતું. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા ઇમ્પેક્ટના કાયદાની મુદ્ત ચાર મહિના માટે વધારવા માટેનું સુધારા વિધેયક પસાર કરવામાં આવ્યું હતું. જો કે, માત્ર મુદ્તમાં જ વધારો કરાયો છે. અન્ય કોઇ રાહત આપવામાં આવી નથી. કોમર્શિયલ મિલકતોમાં 50 ટકા પાર્કિંગ ખૂલ્લુ હોય તો જ અનઅધિકૃત બાંધકામ નિયમીત કરી શકાતું હતું. આ જોગવાઇના કારણે ઇમ્પેક્ટ ફીના કાયદાને ધાર્યો પ્રતિસાદ મળ્યો ન હતો. દરમિયાન એવું માનવામાં આવતું હતું કે સુધારા વિધેયકમાં કેટલીક રાહત આપવામાં આવશે. પરંતુ સરકારે એકપણ પ્રકારની રાહત આપી નથી. માત્ર મુદ્તમાં 120 દિવસ એટલે કે ચાર મહિનાનો વધારો કર્યો છે.

હવે આગામી 17મી જૂન સુધી ઇમ્પેક્ટ ફી હેઠળ અરજી કરી શકાશે. ગત શુક્રવારે સુધારાનું નોટિફિકેશન મળતાંની સાથે જ આજથી ઇમ્પેક્ટ ફીની અરજીઓ સ્વિકારવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. અગાઉ પ્રથમ રાઉન્ડ 6,500 જેટલી અરજીઓ મળી હતી. જેનો હજુ સુધી નિકાલ કરવામાં આવ્યો નથી. હાલ સ્કૂટીની ચાલી રહી છે. ટૂંક સમયમાં અરજીઓ મંજૂર કરવા સહિતની કામગીરી શરૂ કરી દેવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા શહેરમાં આવેલ અનધિકૃત બાંધકામને નિયમિત કરવા માટે આ અગાઉ વટહુકમ જાહેર કરવામાં આવેલ અને તેની મૂદત  તા.17/02/2023નાં રોજ પૂર્ણ થઇ હતી. જોકે શહેરીજનોના લાભાર્થે રાજ્ય સરકાર દ્વારા આ મૂદત તા.17/02/2023થી વધુ ચાર માસ માટે લંબાવવામાં આવેલ છે. શહેરીજનોના હિતાર્થે અગાઉ થયેલ બાંધકામને નિયત રકમ ભરપાઈ કરી નિયમિત કરવાના ઉમદા નિર્ણયને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવકારવામાં આવેલ છે તેમ મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા અને ટાઉન પ્લાનિંગ સમિતિ ચેરમેન નરેન્દ્રભાઈ ડવએ જણાવ્યું હતું. સદર કાયદા, તેના નિયમો, અરજીના નમુનાઓ, ફી ધોરણ અંગેની વધુ માહિતી રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ https://www.rmc.gov.in પરથી મેળવવા અનુરોધ કરાય છે.