સુરેન્દ્રનગરમાં એક હજારથી વધુ ગૌધનમાં લમ્પી વાઇરસની અસર

પશુ પાલકો સાથે પાંજરાપોળના સંચાલકો એક્ટિવ મોડમાં

અબતક, શબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં દિવસે ને દિવસે લમ્પીનો રોગ એક પછી એક ગામને ભરડામાં લઈ રહ્યો છે. અઠવાડિયા પહેલાં જિલ્લાનાં 20 ગામોનાં ગૌવંશમાં જ લમ્પીનો રોગ જોવા મળ્યો હતો અને અત્યારે 8 તાલુકાનાં 91 ગામોમાં આ રોગ ચિંતાજનક રીતે પ્રસરી ચૂક્યો છે. માત્ર 6 દિવસમાં જ વધુ 71 ગામોનાં આ રોગ ફેલાઈ ચૂક્યો છે. અત્યાર સુધીમાં 1007 ગૌવંશને લમ્પીનો ચેપ લાગ્યો છે જ્યારે 56નાં મૃત્યુ થયાં છે. આ કારણે પશુપાલકોની સાથે પાંજરાપોળના સંચાલકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. અને આથી જ જિલ્લાની અંદાજે 10 જેટલી નાનીમોટી પાંજરાપોળોના સંચાલકોએ અત્યારે નવા પશુ ન સ્વીકારવાનો નિર્ણય લીધો છે.

જિલ્લામાં વર્તમાન સમયે કુલ 8,39,295 પશુ છે, તેમાંથી 3,25,680 ગાય છે. જિલ્લામાં વર્તમાન સમયે ખાસ કરીને ગૌવંશમાં ફેલાયેલા લમ્પી રોગને કારણે પશુપાલનના વ્યવસાયને માઠી અસર થઈ છે. આરોગ્યની ટીમ કામે લાગી છે છતાં રોગ અટકવાનું નામ લેતો નથી. વર્તમાન સમયે જિલ્લાના 8 તાલુકાનાં કુલ 91 ગામમાં લમ્પીએ પગપેસરો કરી દીધો છે. રોગ નવો હોવાને કારણે તેની કોઈ ચોક્કસ દવા શોધાઈ નથી, જેથી ભોગ બનેલાં પશુઓની સારવાર કરવી મુશ્કેલ બની છે.હાલના સમયે પશુપાલન ખાતા પાસે એક માત્ર રસી આપવાનો જ ઉપાય છે. આવા સમયે પાંજરાપોળમાં રહેલા પશુની મુશ્કેલી વધતી હોય છે.

કારણ કે પશુ દુબળું કે બીમાર પડે ત્યારે જ તેને પાંજરાપોળમાં મુકાતું હોય છે. લીંબડીના પશુ ચિકિત્સક ડો. વી. જી. પટેલ અને ચુડાના પશુ ચિકિત્સક ડો. સુનિલ પ્રજાપતિએ જણાવ્યું કે ગેડી, ભોયકા, રાણાગઢ અને લીંબડી શહેરમાં 15 જેટલાં પશુમાં લમ્પીનાં લક્ષણો જોવા મળ્યાં છે. સરકારી, ડેરીઓ અને ખાનગી 4 હજારથી વધુ પશુને વેક્સિનેશન કરી દેવામાં આવ્યું છે. ભૃગુપુર, ચાચકા, ઝીંઝાવદર, ચુડા અને ચોકડી ગામે 10 પશુમાં લમ્પીનાં લક્ષણો દેખાતાં તાલુકામાં ગાય વર્ગના 1900 પશુધનમાંથી 1500 પશુને રસી અપાઈ છે.

જિલ્લામાં જે રીતે પશુઓમાં લમ્પી નામનો રોગ દેખાયો છે તેને કારણે પશુપાલકોની સાથે જિલ્લામાં આવેલી પાંજરાપોળોના સંચાલકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. અને આથી જ સંચાલકોએ પોતાના ખર્ચે પાંજરાપોળમાં રહેલા પશુને રસી આપવાની શરૂ કરી દીધી છે.