શિક્ષણમાં કલા શિક્ષણનું મહત્વ: સંગીત, ચિત્ર અને સ્પોર્ટ્સ જેવી વિવિધ કલા છાત્રોને ટ્રેસ મુક્ત રાખે અને તેનો વિકાસ કરે

  • આજના યુગમાં શિક્ષણના પ્રવાહમાં વિજ્ઞાન, વાણિજ્ય અને આર્ટ્સ ક્રમ છે: કલા પ્રથમ હોવી જોઇએ તેનો ક્રમ આજે છેલ્લો છે: શાળામાં ચિત્ર-સંગીતના શિક્ષકો જ હોતા નથી
  • જોયફૂલ લર્નીંગમાં તરંગ-ઉલ્લાસમય અભ્યાસક્રમ સાથે વિવિધ કલાને જોડવી અતી જરૂરી: કલા શિક્ષણના સથવારે છાત્રોમાં શિક્ષણ પ્રત્યે રસ-રૂચિ વધે છે

આપણી પ્રાચિન શિક્ષણ વ્યવસ્થામાં કુલ 64થી વધુ વિષયોનું જ્ઞાન છાત્રોને અપાતું હતું. પુર્વ સ્વાતંત્ર્ય કાળ, વૈદિક કાળના અંત તથા મધ્યકાળ દરમ્યાન મિશનરી અને ધાર્મિક સમુહ ભારતીય પ્રજા માટે મૂળભૂત શિક્ષણ ભારતમાં લાવ્યા. 1813માં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ઘોષણા પત્રમાં જણાવાયું કે પ્રત્યેક વર્ષ સાહિત્યના પુન:જીવન માટે ભારતના દેશી વિદ્વાનોને પ્રોત્સાહન આપવું. 1934માં લોર્ડ મેકોલે ભારત આવ્યાને માત્ર 4 વર્ષ રહ્યા હતા પણ ટુંકા ગાળામાં શિક્ષણ પરત્વેના કાર્યોથી ભારતીયોના ભાગ્યને હમેંશા માટે પ્રભાવિત કરી દીધુ હતું. આપણી દેશી શિક્ષણ પધ્ધતિના વિષયમાં વિચારમાં જ 100 વર્ષ લાગી ગયા. 1937માં મહાત્મા ગાંધીજીએ વર્ધામાં બુનિયાદી શિક્ષણનો પ્રસ્તાવ રાખ્યો હતો. આપણે આજે 200 વર્ષે પણ મેકોલેને પ્રભાવને નાબૂદ કરી શક્યા નથી. આજની શિક્ષણ પધ્ધતિ કોઇને કોઇ સ્વરૂપે મેકોલેના પ્રભાવમાં જોવા મળે છે.

આઝાદી બાદ આપણી શિક્ષણ પધ્ધતિમાં વર્ષો બાદ થોડા બદલાવ આવ્યાને 1986માં નવી શિક્ષણ નીતિ આવી. નેશનલ એજ્યુકેશન પોલિસી-2020ના પ્રવર્તમાન ફેરફારનો અમલ પણ ધીમેધીમે થવા લાગ્યો છે. ધો.5 સુધી માતૃભાષામાં શિક્ષણ આપવાની વાત પણ હવે લાગૂ પડી જશે. આજથી પાંચ દાયકા પહેલા બહુ જ ઓછી ખાનગી શાળાઓ હતી જે વધીને આજે સરકારી શાળા કરતાં દશ ગણી વધી ગયેલ જોવા મળે છે. આજે વાલીઓને ખાનગી શાળાનો મોહ છૂટતો નથી, પોતાનું બાળક અંગ્રેજીમાં ભણીને રાતોરાત હોંશિયાર બને તેવું સૌ ઇચ્છી રહ્યા છે.

આજથી પાંચ દાયકા પહેલા શિક્ષણની બોલબાલા હતી. આજની જેમ એડમીશન, ડોનેશન, ફિ કે ટ્યુશન ક્લાસ જેવી કોઇ સીસ્ટમ ન હતી. માત્ર ભણવાનુંએ પણ તણાવમુક્ત, માસ્તરો ન આવડે તો શિક્ષા પણ કરતાં હતા પણ ક્યારેય મા-બાપ ફરિયાદ ન કરતાં ટુંકમાં ભણતર સાથે ગણતર હતું. ત્યારનાં શિક્ષણમાં કલા શિક્ષણ હતું. આજે એ ક્યાંય જોવા મળતું નથી.

હાલના યુગમાં તો આર્ટ્સ (કલા)ની કોઇ વેલ્યુ નથી. જૂના યુગમાં કલા-વાણિજ્ય અને વિજ્ઞાન એમ ત્રણ પ્રવાહ હતા જે આજે વિજ્ઞાન-વાણિજ્ય અને કલા થઇ ગયા છે. એ શાળાઓમાં વિવિધ પ્રવૃત્તિ દ્વારા ઘણું શીખવા મળી જતું ને હા તોફાન કે ધીંગા મસ્તી પણ શિક્ષણનો ભાગ બની જતો હતો. કલા શિક્ષણનું મહત્વ હોવાથી બાળકોનો સંર્વાગી વિકાસ ઝડપી થતો અને વર્ગમાં લગભગ 99 ટકા બાળકોને બધુ જ આવડતું હતું. એક પ્રવાસ જીવનને સ્વર્ગ બનાવી દેતા હતા. ઉદ્યોગની પરીક્ષામાં ઘર બનાવતા, સંગીતના તાસમાં બાળ ગીતો ગાતાને ચિત્રના સમયે તો ભાત ભાતના ચિત્રો સાહેબ દોરાવતા અને સૌ છાત્રો સમુહમાં ચિત્રો દોરતા. આજનાા સિનિયરોને બધાને પોપટ, માછલી, ચોકલેટ, મોર, રંગોળી, જોકર વિગેરે દોરતા આવડે છે તેનું કારણ એ શિક્ષણ પધ્ધતિ હતી. માસ્તર દરેક છાત્રોને વ્યક્તિગત શિખડાવતા હતા. ગણિતના દાખલા તો કડકડાટ મોઢે આવડી જતા હતા.

બાળકને ચિત્ર કે વસ્તુ જોઇને બોલવાનું કહો છો ત્યારે તેની વિચારવાની શક્તિ, શબ્દ ગોઠવણ, અનુભવો જેવી તમામ કલાઓ સાથે તેની મૌખિક અભિવ્યક્તિ ખીલે છે, જે આખરે એક કલા જ છે.

આજના યુગમાં જોયફૂલ લર્નીંગ, તરંગ-ઉલ્લાસમય શિક્ષણ કે પ્રવૃત્તિ સાથેના શિક્ષણની વાત કરીએ છે તે તો એ જમાનામાં પુરી નિષ્ઠાથી અપાતું હતું કદાચએ કારણે એ સમયે ભણેલા આજે ખૂબ જ આગળ છે. શિક્ષણ કલા શિક્ષણ વગર અધુરૂ ગણાય છે. નવી શિક્ષણ નીતિ-2020માં સ્કીલ બેઇઝ એજ્યુકેશન સાથે વિવિધ કલાને શિક્ષણ સાથે સાંકડીને નવા રંગ-રૂપ સાથે અમલ થશે, ત્યારે છાત્રો વિવિધ કલાના રંગે ભણતા-ભણતા રંગાઇ જશે.

આજના શિક્ષણ સંકુલોએ પ્રારંભથી જ શિક્ષણ સાથે વિવિધ કલાનો સમન્વય કરીને વિદ્યાર્થીઓને શિક્ષણ આપવું જોઇએ. શિક્ષક પણ કલારસિક હોવો જોઇએ. ચિત્ર પધ્ધતિની જેમ કવિતા ગાન પણ એક ગાયન કલા છે, જેમાં બાળકોને સુર, લય, તાલ, આરોહ, અવરોહ, રાગ, ભાવ જેવી ઘણી કલાઓનું સિંચન થાય છે. શિક્ષણ કલા વગર ક્યારેય રસમય ન બની શકે બાળકને શિક્ષા આપવીએ પણ એક કલા છે. સહ અભ્યાસિક પ્રવૃત્તિના મૂળમાં કલા છૂપાયેલી છે. બોડી લેંગ્વેંજ વાક ચાર્તુયની કલા છે. છાત્ર ખોટુ બોલે અને સાચા જેવો અભિનય કરે ત્યારે તેનામાં કલાના ગુણો ખીલે છે.

  • શિક્ષણમાં જ્યારે ‘કલા’ ભળે ત્યારે કલામય શિક્ષણ બને અને જીવનકલા નિખરી ઉછે છે
  • કલા શિક્ષણ બાળકના ભવિષ્ય અને સમાજ સુખાકારી માટે આવશ્યક

બાળકના સંર્વાગી વિકાસ માટે શિક્ષણમાં કલા શિક્ષણ અતી મહત્વનું છે. સંગીત-ચિત્ર-રમતગમત કે તેના જેવી વિવિધ આનુસાંગીક પ્રવૃત્તિને આપણે કલા શિક્ષણ કહીએ છીએ પણ ના….કલાનું વિશાળ વિશ્ર્વ છે, બાળક જેટલું પી શકે તેટલો તેનો સંર્વાગી વિકાસ થાય છે. કલા શબ્દ એટલો વિશાળ છે કે તેની વ્યાખ્યા કરવી શક્ય જ નથી. ભારતીય પરંપરા અનુસાર કલા એવી બધી પ્રક્રિયાને કહેવાય જેમાં કૌશલ્યોનો વિકાસ થતો હોય.

લાઇફ સ્કિલનું શિક્ષણમાં બહુ જ મહત્વ છે. છાત્રોમાં વિવિધ સ્કિલ ડેવલપ ધીમે ધીમે વિકસે છે અને હસ્તગત કર્યા બાદ તેનામાં પરિવર્તન જોવા મળે છે, વિકાસ થાય છે. કલા શિક્ષણ તમારી બધી કલ્પનાઓ કામે લાગતા મગજનો વિકાસ થાય છે.