Abtak Media Google News

વરસાદ ખેંચાતા જગતાત પર કાળી ચિંતાના વાદળો ઘેરાયા છે.  તો બીજી બાજુ સૌરાષ્ટ્ર-ગુજરાત પર જળ તંગીની ભીતિ તોળાઈ રહી છે. મોટા ભાગના ડેમો, તળાવો અને જળાશયો ખાલી ખમ થવા પર છે. ત્યારે રાજકોટ શહેર પર તોળાઈ રહેલા પાણી તંગીના ખતરાને ટાળવા નર્મદાનું 300 ક્યુસેક પાણી આપવાનો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મહત્વનો નિર્ણય લીધો છે.

રાજકોટ શહેરને પીવાનું પાણી પૂરું પાડતા ન્યારી ડેમમાં સૌની યોજના અન્વયે 300 ક્યુસેક પાણી પહોંચાડવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૂચના આપી છે. તદનુસાર  આજે સવારથી આ પાણી પહોંચાડવા પમ્પિંગ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

સૌની યોજના અંતર્ગત રાજકોટના ન્યારી ડેમમાં  આપનારું આ પાણી મંગળવારે સવાર સુધીમાં  ન્યારી ડેમ માં પહોંચશે તેમ જણાવ્યું છે. ન્યારી ડેમ મારફત આ પાણી રાજકોટ શહેરને આપવાનું શરૂ થવાથી  પશ્ચિમ રાજકોટના લોકો નાગરિકોની પીવાના પાણીની સુવિધામાં વધારો થશે.

ઉલ્લેખનીય છે કે રાજકોટની જળ જરૂરીયાત સંતોષતા મુખ્ય જળાશય એવા આજી ડેમમાં 31મી જુલાઈ સુધી ચાલે તેટલો જ જળ જથ્થો ઉપલબ્ધ છે. સંતોષકારક વરસાદ નહીં પડે અને ડેમના પાણીની આવક નહીં થાય તો ઓગષ્ટના આરંભથી જ શહેરની પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ જાય તેવી દહેશત ઉભી થવા પામી છે.

ત્યારે રાજકોટને સંભવિત જળ કટોકટીમાંથી ઉગારી લેવા માટે વધુ માત્રામાં નર્મદાના નીર ફાળવવાની માંગણી કરતો પત્ર મેયર ડો.પ્રદિપ ડવ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને લખવામાં આવ્યો હતો. આ પત્રમાં શહેરની જળ જરૂરીયાત સંતોષતા તમામ જળાશયોની હાલની પરિસ્થિતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેને ધ્યાનમાં લઈ સીએમ વિજય રૂપાણીએ રાજકોટ શહેરને નર્મદાનીર આપવાનો મહત્વનો નિર્ણય લીધો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.