Abtak Media Google News

ટ્રાફિકનું પાલન નહિ કરો તો પણ હમણાં ચાલશે…. ટ્રાફિક નિયમ ભંગ કરશો તો ચાલશે પણ કોરોના સામે બનાવાયેલા નિયમોનો ભંગ કોઈપણ સંજોગોમાં ચલાવી નહિ લેવાય. જી, હા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તાજેતરમાં ગૃહ વિભાગ સહિતના સંલગ્ન વિભાગોને આદેશ જારી કરી જણાવ્યું છે કે ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહન ચાલકો પાસેથી હવે માત્ર માસ્કનો જ દંડ વસૂલી શકાશે. જો કોઈ વાહનચાલક ટ્રાફિકના નિયમનો ભંગ કરશે તો તેને આ માટે દંડ વસુલવો પડશે નહીં. આ માટે મુખ્યમંત્રી રૂપાણી એ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને સૂચનો પણ કર્યા છે.

કોરોના વાયરસે ચારે તરફ હાહાકાર મચાવી દીધો છે. એક તરફ કેસ વધી રહ્યા છે તો બીજી તરફ મૃત્યુ આંક વધી રહ્યો છે. એમાં પણ ઓક્સિજન, રેમડેસીવીર ઈન્જેકશનની અછત સર્જાતા સરકારની ચિંતા વધી ગઈ છે. આવામાં આદેધડ વાહનોને પાર્કિગ કરતા આરટીઓની ટિમ વાહનોને જપ્ત કરતા વાહનો છોડાવવા માટે આરટીઓ કચેરી ખાતે લોકોની ભીડ જામતી હતી. એક તરફ કોરોના સંક્રમણનો ખતરો વધુ મંડરાઇ રહ્યો હોય તેવામાં આરટીઓ ખાતે આ પ્રકારની લાંબી કતારો વધુ મોટું જોખમ અને સંક્રમણના ફેલાવાને વધુ આમંત્રણ નોતરી શકે છે. આ કારણસર રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લઈ વાહનચાલકોને મોટી રાહત આપી છે.

આ સાથે જ રૂપાણી સરકારે અન્ય બીજા પણ મહત્વના નિર્ણયો લીધા છે. જે મુજબ હવે સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને તેમના સીટીસ્કેનના રિપોર્ટના આધારે જ દાખલ કરી શકાશે. જો RT-PCR રિપોર્ટ નહિ હોય તો પણ ચાલશે અને પોતાના સીટી સ્કેન રિપોર્ટના આધારે હોસ્પિટલમાં સારવાર મેળવી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.