Abtak Media Google News

સવાર પછી સાંજ અને ત્યાર બાદ રાત અને પાછી સવાર! ઇકોનોમીની સાયકલનું ચક્ર પણ કાંઇક આવું જ છે. હવે કદાચ ભારતમાં આઇ.પી.ઓનાં કારોબારનું પણ કદાચ આવું જ ચાલશે. છેલ્લા એક વર્ષમાં આઇ.પી.ઓમાં રોકાણકરીને નાના-મોટા સૌ રોકાણકારો ટૂંકાગાળામાં ધૂમ કમાયા છે. પરંતુ હાલમાં જ રિઝર્વ બેંકે જે ગાઇડલાઇન્સ જાહેર કરી છે તે જોતાં એવું લાગે છે કે હાલમાં પુરપાટ ઢાળમાં દોડી રહેલી આઇ.પી.ઓની ગાડી આગામી નાણાકિય વર્ષમાં કદાચ ગેરેજમાં પાર્ક થઇ જશે.

રિઝર્વ બેંકે એન.બી. એફ.સી એટલે કે નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ માટે અમુક મર્યાદા મુકી છે જે પ્રમાણે હવે આઇ.પી.ઓમાં મુડીરોકાણ કરવા માટે જો કોઇને વ્યાજે નાણા લેવા હોય, ખાસ કરીને હાઇ નેટવર્થ ગ્રુપમાં આવતા હોય એવા રોકાણકારને આ કંપનીઓ વધુમાં વધુ એક કરોડ રૂપિયાથી વધારેનું ધિરાણ કરી નહીં શકે. આ નિયમ 1-અપ્રિલ-22 થી લાગુ પડવાનો છે.  રિઝર્વ બેંકે એવી પણ ભલામણ કરી છે કે જો કોઇ કંપની આ નિયમોમાં વધારે શરતો કે ઓછી રકમની મર્યાદા રાખવા માંગતી હોય તો રાખી શકે છે. સ્વાભાવિક રીતે જ આ નિયમ બાદ ઘણી કંપનીઓ આકરાં વલણ અપનાવશે. હવે જ્યારે રોકાણકારોને મુડીરકાણ માટે નાણા નહી મળે તો તેઓ રોકાણ નહીં કરી શકે.

નોન- બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ માટે આઇ.પી.ઓ માં રોકાણ માટે લોન આપવાનો ટૂંકા ગાળાનો બહુ મોટો બિઝનેસ હોય છે. જેમાં કંપનીઓ છ થી 10 ટકા સુધીના વ્યાજ કમાતી હોય છૈ. વળી જે કંપનીઓના પબ્લિક ઇશ્યુ આવતા હોય તેના શેરની બજારમાં માગનાં આધારે વ્યાજનાં દર અને લોનની રકમ બદલાતા હોય છૈ. આવા સોદામાં ઇશ્યુમાં રોકાણ કરવા ઇચ્છતો રોકાણકાર તેના ખાતામાં એક થી બે કરોડ રૂપિયા જમા રાખે તો પણ તેને ભરણું ભરવા માટે 70 થી 80 કરોડ રૂપિયા જેટલી મોટી રકમ આવી ફાઇનાન્સ કંપનીઓ તરફથી મળતી હોય છૈ. ાવા મુડીરોકાણ બજારમાં જે તે ઇશ્યુની શેર કિંમત કૄત્રિમ તેજીનું પણ કારણ બનતા હોય છૈ. જે થોડા સમય માટે ઉંચા ભાવ દેખાડયા બાદ ઇશ્યુ ભરાઇ જાય અને કંપની સ્ટોક એક્સચેન્જ ઉપર લિસ્ટ થઇ જાય ત્યારબાદ તેની સાચી બજાર વેલ્યુની આસપાસ આવી જતાં હોય છૈ.   ભલે કદાચ આ વ્યવસાયિક રીતે કૌભાંડ ન હોય પણ તે બજારમાં કૄત્રિમ તેજીને હવા ભરવાનું કામ કરતાં હોય છે.

આઇ.પી.ઓનું રજીસ્ટર બોલે છે કે વર્ષ 2021નાં જાન્યુઆરી-21 થી સપ્ટેમ્બર-21 નાં પ્રથમ નવ મહિનામાં 42 આઇ.પી.ઓ આવ્યા છે અને તેમાં અધધધ 670 અબજ રૂપિયાનું મુડીરોકાણ થયું છે. શેરબજારે આ સમયગાળામાં નવી સપાટી વટાવીને રેકોર્ડ સર્જ્યા છે. આ અંધાધૂંધ તેજીમાં પોતાનાં નાવડાં હંકારી લેવા ઓક્ટોબર-21 થી ડિસેમ્બર-21 નાં સમયગાળામાં  બીજી 35 કંપનીઓ આશરે 800 અબજ રૂપિયા બજારમાંથી ભેગા કરવાની વેતરણમાં છે. જો બજારની દિશા આવી જ રહી તો 2021 નું વર્ષ 21 મી સદીનું યાદગાર વર્ષ બની શકે છે. પરંતુ રિઝર્વ બેંકની નવી ગાઇડલાઇન્સ આ યાદગાર વર્ષને ત્યાંજ પુરૂં કરવા માટે પુરતી છે.

દેશમાં આઇ.પી.ઓ નાં ભરણા માટેનું માળખું જોઇએ તો સંસ્થાકિય રોકાણ, હાઇ નેટવર્થ અર્થાત એચ.એન.આઇ અને રિટેલ રોકાણકારો મુડીરોકાણ કરતા હોય છે. સંસ્થાકિય રોકાણ માટે 50 ટકા, રિટેલ માટે 35 ટકા અને એચ.એન.આઇ માટે 15 હિસ્સો હોય છૈ. જો કંપની નુકસાન કરતી હોય તો સંસ્થાકિય રોકાણકારો માટે હિસ્સો 75 ટકા થઇ શકે છે. આ વર્ષનો જ દાખલો લઇએ તો એચ.એન.આઇ સેક્ટરે મોટા પાયે ભરણા ભર્યા છે. અમુક ઇશ્યુઓમાં તો 650 ગણા ભરણા ભરાયા હોવાના દાખલા છે. આવા  ઉદાહરણો રિટેલ રોકાણકારોના ઇશ્યુ પ્રત્યેનાં ઉત્સાહ અને ભરોસામાં વધારો કરતા હોય છૈ. પરંતુ હવે આ ગેમ બંધ થઇ જશે.

આમ તો રિઝર્વ બેંકે બજારમાં પડેલા છીંડા બંધ કરવા અને એન.બી.એફ.સી કંપનીઓની બેડ લોનમાં વધારો થવાની ભીતિને રોકવા માટે આ પગલું લીધું હોવાનું કહેવાય છે. પરંતુ તેનાથી આગામી દિવસોમાં વિપરીત અસર પડી શકે છે. જે કંપનીઓ નાણાકિય વષર્ષ 2022 માં પબ્લિક ઇશ્યુ લાવવાની તૈયારી કરતી હતી તે કદાચ વહેલી મુડીબજારમાં એન્ટ્રી કરે અથવા તો પોતાના ઇશ્યુના પ્લાન અભેરાઇએ ચડાવી દે એવું પણ બની શકે છે.  અમુક જગ્યાઐ હાલમાં એક નામે કામ કરતા એચ.એન.આઇ આગામી દિવસોમાં ચાર, પાંચ કે પચ્ચીસ ડમી ખાતા ઉભા કરાવીને કંપનીઓ પાસેથી લોન લઇ આજ ધંધા માટે પચ્ચીસ ખાતાનાં ઓપરેટર બની શકે છે. સામાપક્ષે નાના રોકાણકારોને લિસ્ટીંગ વખતે મળતા ટૂંકાગાળાનાં રોકાણ ઉપરનાં નફા બંધ થઇ શકે છે.

ગાઇડલાઇન્સની વિગતો એવું કહે છે કે રિઝર્વ બેંકે નોન-બેંકિંગ કંપનીઓને બેઇઝ લેયર, મિડલ લેયર, અપ્પર લેયર તથા ટોપ લેયર એમ ચાર ગ્રુપમાં વિભાજીત કરવાનું નક્કી કર્યુ છૈ. આ ઉપરાંત આવી કંપનીઓને પોતાના નેટવર્થનાં ફંડ ઉભા કરવા પડશે. અલગ-અલગ લેયર માટે ફંડની મર્યાદા નક્કી કરવામાં આવી છે. વળી પ્રથમ કેટેગરીમાં આવતી કંપનીઓને 90 દિવસમાં બેડલોન તથા બાકી જુના લેણાની યાદી તૈયાર કરી લેવાની રહેશે. 2026 નાં અંત સુધીમાં વિવિધ ત્રણ તબક્કામાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે.

અહીમ સમજી શકાય એવો તર્ક એ છે કે લોકડાઉન તથા મંદી અને બેરોજગારીના સમયમાં નાણાની પ્રવાહિતા જળવાઇ રહે તે માટે સરકારે આ મુદ્દે ઢીલું મુકીને સૌને રોકાણ કરવા દીધા હોય પરંતુ હવે જ્યારે 2022 માં ઇકોનોમી મહામારીના સમય પહેલાની ગતિઐ આવી જવાની સંભાવના છે ત્યારે સરકાર આ નવા નિયમથી તેને બ્રેક મારીને લોનનું માળખું સુદ્રઢ કરવા માગતી હોય એવું પણ બની શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.