Abtak Media Google News

હવે બંને ટીમ વચ્ચે બીજી ટી-20 બે ઓક્ટોબરે ગુવાહાટીમાં રમાશે

અર્શદીપ સિંહ અને દીપક ચહરની ઝંઝાવાતી બોલિંગ બાદ સૂર્યકુમાર યાદવ અને લોકેશ રાહુલની લાજવાબ બેટિંગની મદદથી ભારતે બુધવારે તિરુવનંતપુરમ ખાતે રમાયેલી પ્રથમ ટી20 ક્રિકેટ મેચમાં સાઉથ આફ્રિકા સામે આઠ વિકેટે શાનદાર વિજય નોંધાવ્યો હતો. આ સાથે જ રોહિત શર્માની આગેવાનીવાળી ટીમે ત્રણ મેચની સીરિઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. ભારતે ટોસ જીતીને સાઉથ આફ્રિકાને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. અર્શદીપ અને ચહરની ઘાતક બોલિંગ સામે ટેમ્બા બાવુમાની ટીમ ઘૂંટણીયે પડી ગઈ હતી. એક સમયે સાઉથ આફ્રિકાએ 9 રનમાં પોતાની અડધી ટીમ ગુમાવી દીધી હતી. પરંતુ કેશવ મહારાજની મહત્વની ઈનિંગ્સની મદદથી પ્રવાસી ટીમે નિર્ધારીત 20 ઓવરમાં આઠ વિકેટે 106 રનનો સ્કોર નોંધાવ્યો હતો. જેના જવાબમાં ભારતે 16.4 ઓવરમાં બે વિકેટે 110 રન નોંધાવીને મેચ જીતી લીધી હતી. અર્શદીપે ત્રણ અને ચહરે બે વિકેટ ઝડપી હતી. જ્યારે લોકેશ રાહુલ અને સૂર્યકુમાર યાદવે અણનમ અડધી સદી ફટકારી હતી. હવે બંને ટીમ વચ્ચે બીજી ટી20 2 ઓક્ટોબરે ગુવાહાટીમાં રમાશે.

107 રનના આસાન લક્ષ્યાંકને પાર પાડવા મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત નિરાશાજનક રહી હતી. સુકાની ઓપનર રોહિત શર્મા ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. જ્યારે વિરાટ કોહલી ત્રણ રન નોંધાવીને આઉટ થયો હતો. ટીમે 17 રનમાં બે મહત્વની વિકેટો ગુમાવી દીધી હતી. જોકે, બાદમાં લોકેશ રાહુલ અને સૂર્યકુમાર યાદવની જોડીએ શાનદાર બેટિંગ કરીને ટીમને વિજય અપાવ્યો હતો. આ બંનેએ લાજવાબ બેટિંગ કરતા અણનમ અડધી સદી ફટકારી હતી. આ બંનેએ 93 રનની અતૂટ ભાગીદારી નોંધાવી હતી. સૂર્યકુમાર યાદવે 33 બોલમાં પાંચ ચોગ્ગા અને ત્રણ સિક્સરની મદદથી અણનમ 50 અને લોકેશ રાહુલે 56 બોલમાં બે ચોગ્ગા અને ચાર સિક્સરની મદદથી અણનમ 51 રનની ઈનિંગ્સ રમી હતી. સાઉથ આફ્રિકા માટે કાગિસો રબાડા અને એનરિચ નોર્ટજેએ એક-એક વિકેટ ઝડપી હતી. ભારત માટે અર્શદીપે ત્રણ, ચહર અને હર્ષલ પટેલે બે-બે તથા અક્ષર પટેલે એક વિકેટ ઝડપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.