સોરઠની તમામ નદીઓમાં ઘોડાપુર, બાંટવા ખારો ડેમના ૮ દરવાજા ખોલાયા

અબતક,દર્શન જોશી,જુનાગઢ

જૂનાગઢ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ગઈકાલે બુધવારે શ્રીકાર વરસાદ થયો છે,ખેડૂત પુત્રોમાં હરખની હેલી વ્યાપી જવા પામી છે. તો આમ જનતામાં સારો વરસાદ થઇ જતાં રાહતનો શ્વાસ લેવાઈ રહ્યો છે. જો કે ૧૬ કલાક દરમિયાન સોરઠ પંથકમાં મેઘાએ હેત વરસાવી દેતા, સોરઠની મોટાભાગની નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા, બાંટવાનો ખારો ડેમ ભરાઈ જતા ૮ દરવાજા ખોલવા પડ્યા હતા, તો જૂનાગઢ શહેર અને જિલ્લાના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

જુનાગઢ શહેર સહિત સોરઠ પંથકમાં ગઈકાલે વહેલી સવારના ૬ વાગ્યાથી જ મેઘરાજાએ મુકામ કરી લીધું હતું અને રાત્રિના ૧૦ વાગ્યા સુધીમાં કેશોદમાં ૪.૫ ઇંચ જૂનાગઢમાં ૪ ઇંચ, ભેસાણમાં ૪ ઇંચ, મેંદરડામાં ૩ ઇંચ, માંગરોળમાં ૭ ઇંચ, માણાવદરમાં ૭.૫ ઇંચ, માળીયા હાટીનામાં ૫.૫ ઇંચ, વંથલીમાં ૬.૫ ઇંચ અને વિસાવદરમાં ૫ ઇંચ વરસાદ નોંધાયો છે.

જૂનાગઢ શહેરમાં ગઈકાલે ૪ ઇંચ જેટલો વરસાદ વરસી પડતા શહેરના મુખ્ય માર્ગો, સોસાયટી વિસ્તારો અને નીચાણવાળા વિસ્તારો ઉપર પાણી ભરાયા હતા, તથા ગિરનાર અને દાતારના ડુંગર તથા જંગલ વિસ્તારમાં પણ ભારે વરસાદ થવાના કારણે વિલીંગ્ડન ડેમમાં નવા નીર આવી જતા ડેમ હવે પુરેપુરો ભરાઈ જવાની તૈયારીમાં છે, જ્યારે શહેરનો દામોદર કુંડ બે કાંઠે થઇ જવા પામ્યો હતો અને જૂનાગઢ શહેરમાંથી પસાર થતી કાળવા, લોલ તથા સોનરખ નદીમાં ભારે પૂર આવ્યા હતા.આ ઉપરાંત જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા તળાવમાં પણ નવા નીર આવ્યા છે.

જ્યારે બાટવાનો ખારો ડેમ ભરાઈ જતા ૮ દરવાજા ખોલાયા હતા, અને કોડવાવ, ભાલગામ, સમેગા, એકલેરા સહિતના ગામોને એલર્ટ કરાયા હતા, તો માળીયા હાટીનાની મેઘલ નદી ભારે વરસાદના કારણે બીજી વખત ગાંડીતૂર બની હતી,

દરમિયાન ગત રાત્રીના ૧૦ વાગ્યા બાદ વરસાદે ધમાકેદાર બેટિંગ કરી, અમુક વિસ્તારોમાં છૂટા છવાયા ઝાપટા શરૂ કર્યા છે, સમગ્ર સોરઠમાં વાદળછાયું વાતાવરણ યથાવત છે, તો જૂનાગઢ કૃષિ યુનિ. હવામાન વિભાગના ધીમંત વઘાસિયા ના જણાવ્યા અનુસાર હજુ શુક્રવાર સુધી ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.