Abtak Media Google News

પ્રા.શાળા શિક્ષકનો નંબર અભિગમ

કેશોદ તાલુકાની ભાટ સીમરોલી પ્રાથમિક શાળાના બાળકો ગણિત-વિજ્ઞાન વિષયનો ખૂબ રસપૂર્વક અભ્યાસ કરી રહ્યા છે. સામાન્ય રીતે બાળકોનું ગણિત-વિજ્ઞાનનું પરિણામ નબળું આવતું હોય છે. ભાટ સીમરોલી પ્રાથમિક શાળાના શિક્ષકે આ માટે બાળકોમાં રસ જન્મે તે માટે નવતર અભિગમ અપનાવ્યો છ.

શાળાના શિક્ષક તેજસ મહેતા ૨૦૧૯ થી ભાટ સિમરોલી પ્રાથમિક શાળામાં ફરજ બજાવી રહ્યા છે. તેમણે બાળકોમાં ગણિત-વિજ્ઞાનના અભ્યાસ પ્રત્યે  રસ લે, આત્મ વિશ્વાસ જાગે તેમજ જીજ્ઞાસાવૃતીથી આ વિષય  ભણે એ માટે વિજ્ઞાનપાત્ર પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે.

વિજ્ઞાનપાત્ર પ્રોજેક્ટ હેઠળ બાળકો વેસ્ટ વસ્તુમાંથી પ્રયોગ બનાવે, તેમજ ખાસ દિવસો અને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસે દરેક બાળકોએ  શાળા કક્ષાના વિજ્ઞાન ગણિત પ્રદર્શનમાં ભાગ લેવો વિશેષમાં ક્વીઝ, ચિત્ર, ડિબેટ જેવી પ્રવૃતીઓ પણ ઉમેરવામાં આવી છે, જ્યારે ગણિત વિષય માટે તેમણે ગણિત મોડેલ, ગણિત ગમ્મત પ્રવૃતિ, વ્યવહારમાં ગણિત વગેરે શીખવે છે.

શાળામાં પાણીની ટાંકીનું ઘનફળ જાતે મેળવવું, બાળકો મેદાનનું ક્ષેત્રફળ મેળવે. તેવી પ્રવૃત્તિ સાથે  હવે આ શાળાના વિધાર્થીઓ બાળ વિજ્ઞાન, મહા સભા, સાયન્સ ડ્રામા, રૂલર આઇટી ક્વીઝ વગેરેમાં જિલ્લા કક્ષા સુધી ભાગ લેતા થયા છે.

તેજસભાઈ એ જણાવ્યું હતું કે, મારી આ શિક્ષણની પ્રવૃતીઓથી અન્ય શાળાના બાળકો પણ માહિતગાર થાય છે, એ માટે વંદે ગુજરાત ચેનલ પર વિજ્ઞાન અને ટેકનોલોજીના લેશન, બાયસેગ સ્ટુડિયો દ્વારા રાજ્યના ૧૮૦૦૦ ગામડાઓ સુધી તેમનું અને શાળાનું વિજ્ઞાન શિક્ષણ પહોંચ્યું છે.

તેજસભાઈને રામન સાયન્સ ફાઉડેશન દ્વારા રાજ્યના શ્રેષ્ઠ વિજ્ઞાન શિક્ષકનો એવોર્ડ, રમેશભાઈ ઓઝા દ્વારા ગુરુ ગૌરવ એવોર્ડ મળ્યા છે. તેમજ ૨૦૨૦ નો તાલુકા કક્ષાનો સર્વ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પણ એનાયત થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.