Abtak Media Google News

૩ ઈજનેર અને ૨૫ કર્મચારીઓની ટીમે રાઉન્ડ ધ કલોક કામગીરી કરી ફરજ નિષ્ઠાનો પરચો આપ્યો

ભાવનગરમાં તાજેતરમાં સર્જાયેલી આકાશી આફત દરમિયાન વીજકર્મીઓએ ચાર ફુટ ઉંડા પાણીમાં સતત આઠ કલાક કામગીરી કરીને વીજ પુરવઠો પૂર્વવત કરાવ્યો હતો. કુલ ૩ ઈજનેર અને ૨૫ કર્મચારીઓની ટીમે આ દરમિયાન રાઉન્ડ ધ કલોક કામગીરી કરીને પોતાની ફરજ નિષ્ઠાનો પરચો આપ્યો હતો.  ભાવનગર તાલુકામાં પડેલ ભારે વરસાદને કારણે અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. પીજીવીસીએલ સ્ટાફ દ્વારા સતત ૮ કલાક ૪ ફુટ ઉંડા પાણીમાં રહી વીજ પુરવઠો કાર્યરત કરવામાં આવ્યો હતો. અનેક ગામોમાં અંધારપટ છવાયો હતો આથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો.

પીજીવીસીએલની ટીમ દ્વારા યુદ્ધનાં ધોરણે કામગીરી હાથ ધરી સતત ૮ કલાક સુધી ૪ ફુટ સુધીનાં ઉંડા પાણીમાં ઉભા રહી સમગ્ર વિસ્તારમાં ફરીથી વુજ પુરવઠો પુન: શરૂ કરાયો હતો. આ સંદર્ભે પીજીવીસીએલનાં નાયબ કાર્યપાલક ઈજનેર એમ.એમ.પરમારે જણાવ્યું હતું કે, લુધણરા ફીડર ભારે વરસાદને કારણે બંધ થયું હતું. તેની હેઠળનાં ગામો લુણધરા, માલપરા, મીઠાપુર તેમજ દાત્રેજીયામાં લાઈનો તેમજ થાંભલાઓને વ્યાપક નુકસાન થયું હતું. અધિક્ષક ઈજનેર પી.આર.ભાડજા દ્વારા આ ગામોમાં ત્વરીત વીજ પુરવઠો કાર્યરત કરવાની સુચના મળતાં ૩ ઈજનેર અને ૨૫ કર્મચારીની ટીમ ૩ કિમી સુધી પાણીમાં ચાલતા જઈ સવારે ૯ થી સાંજના ૭ વાગ્યા સુધી ૪ ફુટ સુધીનાં ઉંડા પાણીમાં ભોજન-પાણી લીધા વિના સતત કામે વળગી રહી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.