ઘરેલું હિંસા અને છૂટાછેડા કેસમાં પત્નીને મુસાફરી ખર્ચ પણ ચૂકવવો પડશે..!!

અબતક, અમદાવાદ

ગુજરાત હાઈકોર્ટે એક પુરુષને તેની પત્નીને 1500 રૂપિયા મુસાફરી અને ભોજન ભથ્થું ચૂકવવાનો આદેશ આપ્યો છે. પતિએ છૂટાછેડા માટે ઉના કોર્ટમાં અરજી કરી હતી પરંતુ પત્ની પોરબંદર રહેતી હોય ત્યારે દરેક સુનાવણી સમયે પત્નીએ 200 કીમી મુસાફરી કરીને કોર્ટમાં હાજર રહેવું પડતું હતું.

પત્ની તેની પુત્રી સાથે પોરબંદરમાં રહેતી હોય તેણે કેસ પોરબંદર ટ્રાન્સફર કરવાની અરજી કરી હતી. તેના ચુકાદામાં હાઇકોર્ટે આ નિર્ણય કર્યો છે. હાઇકોર્ટે કહ્યું છે કે, ન્યાયક્ષેત્ર બદલી શકાય નહીં પરંતુ પતિએ દરેક સુનાવણીની મુદ્દતે પત્નીને મુસાફરી અને ભોજન ભથ્થા પેટે રૂ. 1500 આપવા પડશે.

વૈવાહિક વિવાદ બાદ પત્ની ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાંથી પોરબંદર શિફ્ટ થઈ હતી. 2019 માં  પતિએ ઉના કોર્ટનો સંપર્ક કરી છૂટાછેડા માટે દાવો દાખલ કર્યો. મહિલાએ કોર્ટ કાર્યવાહીમાં હાજરી આપવા માટે પોરબંદરથી ઉના 200 કિમીનો પ્રવાસ ખેડવો પડે છે.

જાન્યુઆરી 2020 માં તેણીએ હાઇકોર્ટમાં અરજી કરી અને પોરબંદરની કોર્ટમાં દાવાની કાર્યવાહીને ખસેડવાની વિનંતી કરી હતી. તેણીને તેની સગીર પુત્રી સાથે લાંબા અંતરની મુસાફરીની મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે. જ્યારે પતિએ આ કેસ પોરબંદર કોર્ટમાં ટ્રાન્સફર કરવાનો વિરોધ કર્યો હતો અને સુનાવણી માટે ઉના આવવું પડે ત્યારે તેઓ તેમની પત્ની અને પુત્રી માટે મુસાફરીનો ખર્ચ ઉઠાવશે તેવી દરખાસ્ત કરી હતી. કોર્ટે આ દરખાસ્ત સ્વીકારી અને તેમને તેમની પત્નીને તેમની મુસાફરીના ખર્ચ અને પત્ની અને પુત્રીના ભોજનની માટે 1500 રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો. હાઇકોર્ટે કેસ ટ્રાન્સફર કરવા માટે મહિલાની અરજી નામંજૂર કરી હતી.