જમીન પર દબાણ કરનારાઓ સામે કલેકટર એક્શન મોડમાં, 4 અરજીઓને માન્ય રાખી FIR નોંધવાનો નિર્ણય

રાજકોટ જિલ્લામાં ગેરકાયદે રીતે જમીન ઉપર દબાણ કરનારાઓ સામે એક્શન લેવા માટે આજે જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં લેન્ડ ગ્રેબિંગની બેઠક મળી હતી. આ બેઠકમાં પ્રાંત અધિકારીઓની પણ ઉપસ્થિતિ રહી હતી. બેઠકમાં જિલ્લા કલેકટર દ્વારા પ્રાંત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી કે સરકારી જમીન ઉપર જેટલા દબાણો થયા છે તેના ઠોસ પુરાવા એકત્ર કરવામાં આવે. જેથી દબાણકર્તાઓ સામે કડક કાર્યવાહી શરૂ થઈ શકે.

ઉલ્લેખનીય છે કે ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી જમીન ઉપર બેફામ દબાણો ખડકાયેલા છે. આ ઉપરાંત હાઇવે ટચ સરકારી ખરાબાઓમાં પણ દબાણો પુરજોશમાં થઈ રહ્યા છે. સામાન્ય રીતે શહેરી વિસ્તારમાં તો સરકારી દબાણો ઉપર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે.પણ ગ્રામ્ય વિસ્તારોમાં કાર્યવાહીનો અભાવ આજ સુધી વર્તાઈ રહ્યો છે. બેઠકમાં જિલ્લા કલેકટર દ્વારા લેન્ડ ગ્રેબિંગ અંગેના મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે જે નીચે મુજબ છે:

આજની મીટિંગમાં લેન્ડ ગ્રેબિંગ અંગેના ૪૦ કેસોની સમીક્ષા કરવામાં આવી હતી. ૩ કેસ પૂર્તતા માટે પેન્ડિંગ રાખવામાં આવ્યા હતા. જયારે ૩૩ કેસ તપાસીને ડ્રોપ કરવામાં આવ્યા હતા. જમીન પચાવવા અંગે ૪ કેસમાં જવાબદાર આરોપીઓ સામે એફ.આઈ.આર. કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો, તેમ વહીવટી તંત્રની યાદીમાં જણાવાયું છે.