ડાયમંડ લીગમાં નીરજ ચોપરાએ પોતાનો જ નેશનલ રેકોર્ડ તોડ્યો પણ 90 મીટરના લક્ષ્યથી ચુક્યો !!

24 વર્ષીય નીરજ ચોપરાએ ડાયમંડ લીગમાં તેના 89.94 મીટરના શાનદાર થ્રો સાથે 89.30 મીટરનો પોતાનો જ રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો

ટોક્યો ઓલિમ્પિકમાં પોતાની મહેનત  બતાવીને ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરા એક પછી એક રેકોર્ડ બનાવી રહ્યા છે. તાજેતરમાં યોજાયેલી પાવો નૂરમી એથલેટિક્સ મીટમાં સિલ્વર મેડલ જીતીને રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યા બાદ તેણે ફરી એકવાર 89.94 મીટરનો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે. ઉપરાંત, તેણે ડાયમંડ લીગમાં સિલ્વર મેડલ જીત્યો છે.

24 વર્ષીય નીરજ ચોપરાએ ડાયમંડ લીગમાં તેના 89.94 મીટરના શાનદાર થ્રો સાથે 89.30 મીટરનો પોતાનો જ રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો હતો. તેણે તાજેતરમાં જૂનની શરૂઆતમાં તુર્કુમાં પાવો નુરમી ગેમ્સ દરમિયાન બનાવ્યો હતો. ખાસ વાત એ છે કે આ દરમિયાન પણ નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીત્યો હતો.

હકીકતમાં ગુરુવારે સ્ટોકહોમમાં પ્રતિષ્ઠિત ડાયમંડ લીગ મીટમાં નીરજ ચોપરાએ તેના પ્રથમ પ્રયાસમાં 89.94 મીટર ભાલો ફેંકીને 89.30 મીટરનો પોતાનો રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો હતો. હાલમાં આ ડાયમંડ લીગ મીટમાં તેનો રેકોર્ડ પણ બની ગયો, પરંતુ તે લાંબો સમય ટકી શક્યો નહીં. ગ્રેનાડાના વિશ્વ ચેમ્પિયન એન્ડરસન પીટર્સે તેના ત્રીજા પ્રયાસમાં 90.31 મીટરના થ્રો સાથે નવો મીટ રેકોર્ડ બનાવ્યો હતો.

આ પછી નીરજ ચોપડા તેના પ્રથમ પ્રયાસ પછી તેના કરતા વધુ સારો દેખાવ કરવામાં નિષ્ફળ ગયો અને તેને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. ડાયમંડ લીગ મીટ દરમિયાન નીરજ ચોપરાએ તેના પાંચ પ્રયાસમાં 84.37 મિટર, 87.46 મિટર,  84.77 મિટર, 86.67 અને 86.84 મિટરનું અંતર કાપ્યું. જ્યારે 90.31 મીટર સાથે એન્ડરસન પીટર્સ ચેમ્પિયન બન્યો હતો અને પોતાના પાંચમા પ્રયાસમાં જૂલિયન વેબરે 89.08 મીટર દૂર ભાલો ફેંકી બ્રોન્ઝ મેડલ જીત્યો હતો