Abtak Media Google News

આગથી બચાવવા બદલ મુસ્લિમ સમુદાયે હિન્દૂ લોકોનો માન્યો આભાર

થોડા દિવસો પૂર્વે નુપૂર શર્માના સમર્થનમાં સોશ્યલ મીડીયામાં પોસ્ટ શેર કરનાર કનૈયાલાલ નામની દરજીનું માથું વાઢી ઉદયપુરમાં કોમવાદના નામે હત્યા કરી દેવામાં આવી હતી. ત્યારે કોમવાદ ફેલાવનારાઓ માટે બોધપાઠ સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કનૈયાલાલ દરજીની તેની જ દુકાનમાં જ નિર્મમ હત્યા નિપજાવી દેવામાં આવી હતી. ત્યારે કનૈયાલાલની દુકાન પાસે જ મહોરમ દરમિયાન તાજીયાના જુલુસમાં આગ ફાટી નીકળતા હિન્દૂ પરિવારો આગમાં કૂદી પડ્યા હતા અને જુલુસમાં શામેલ લોકોના જીવ બચાવ્યા હતા.

એક મહિના પહેલા બે શખ્સો દ્વારા કનૈયાલાલની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. હત્યાનું કારણ દર્શાવતા આરોપીઓએ સોશ્યલ મીડીયા મારફત જણાવ્યું હતું કે, તેઓ ઇસ્લામના અપમાનનો બદલો લઈ રહ્યા છે. તે જ સ્થળ મોચીવાડામાં મંગળવારે તાજીયાનું જુલુસ નીકળી રહ્યું હતું.

ત્યારે 25 ફુટ ઊંચા તાજીયામાં એકાએક આગ ફાટી નીકળી હતી. જુલુસમાં વ્યસ્ત મુસ્લિમ સમુદાયના લોકોના ધ્યાનમાં આગ આવી ન હતી. પરંતુ આગ આસપાસના હિન્દૂ લોકોના ધ્યાને આવી ગઈ હતી. સ્થાનિકોએ આગ જોતાં જ સમય વેડફયા વિના આગ બુઝાવવાની જવાબદારી પોતાના પર લીધી અને પાણી ફેંકવાનું શરૂ કર્યું.પોલીસે જણાવ્યું કે, આશિષ ચોવડિયા, રાજકુમાર સોલંકી અને તેમના પરિવારના સભ્યો જ્યાં સુધી આગ બુઝાઈ ન જાય ત્યાં સુધી તેમની બાલ્કનીમાંથી સ્ટ્રક્ચર પર પાણી રેડતા રહ્યા.

જિલ્લા કલેક્ટર તારા ચંદ મીનાએ જણાવ્યું હતું કે, માત્ર આ ઘટના ટળી ન હતી પરંતુ તે સાંપ્રદાયિક સૌહાર્દનું ઉદાહરણ પણ બની ગયું હતું. આ ઘટનાએ દરેકનું દિલ જીતી લીધું છે. ત્યાં હાજર વરિષ્ઠ પોલીસ અધિકારી શિપ્રા રાજાવતે જણાવ્યું હતું કે આગ કદાચ શોર્ટ સર્કિટ અથવા અગરબત્તીઓમાંથી નીકળતા તણખાને કારણે લાગી હતી. હિંદુઓએ આગ બુઝાવી દીધા પછી, મુસ્લિમોએ તાળીઓ પાડીને તેમનો આભાર માન્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.