ભાગવા માટે ના પાડતા પ્રેમીએ પતિની નજર સામે જ પત્નીને પતાવી દીધી, અરેરાટી

પ્રેમીકાને ભગાડી જવા માટે પ્રેમી આવ્યો હતો પરંતુ પ્રેમીકાએ સાથે આવવાની ના પાડતા ડખ્ખો થયો : પ્રેમી અને જમાઇ સામે નોંધાતો ગુનો

મોરબી જિલ્લાના માળીયા મીયાળા તાલુકાના ખાખરેચી ગામે ખેત મજૂરી કરતા આદિવાસી પરિણીત યુવતીને પરપુરૂષ સાથે આડા સંબંધ હોય અને બે દિવસ પહેલા પ્રેમી અને તેનો ભાઇ યુવતીને ભગાડી જવા માટે આવ્યા હતા પરંતુ યુવતીએ સાથે આવવાની ના પાડતા રોષે ભરાયેલાં પ્રેમીએ પ્રેમીકાને કોસના ઘા ઝીંકી હત્યા કરી હતી આ અંગે પોલીસે ખૂનનો ગુંનો નોંધી બંને આરોપીની ધરપકડ કરી હતી.

આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ માળીયા મીયાળાના ખાખરેચી ગામે રહેતા મૂળ છોટાઉદેપુરના વતની રણજીત બામેટીયાભાઇ વસાવા (ઉ.વ.50) એ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ઝીંઝુવાડા ગામે રહેતા ભુપત અપાભાઇ ઠાકોર અને તેના ભાઇ બીજલ અપાભાઇ ઠાકોરનું નામ આપ્યું છે.પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરીયાદીની પત્ની શારદાને પોતાના જમાઇ બીજલ ઠાકોરના ભાઇ ભુપત ઠાકોર સાથે આડા સંબંધ હોય ગત તા.13/8ના રોજ ભુપત ઠાકોર અને બીજલ ઠાકોર શારદાને ભગાડી જવા માટે ખાખરેચી ગામની સીમમાં આવેલ વાડીમાં આવ્યા હતાં.

આ વખતે શારદાએ પ્રેમી ભૂપત સાથે જવાની ના પાડતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેના કારણે ઉશ્કેરાયેલ પ્રેમી અને તેના ભાઇએ શારદાને માથામાં કોસના ઘા ઝીંકી દઇ નાસી છૂટ્યા હતાં.આ ઘટના બાદ પતિ રણજીત વસાવાએ પત્ની શારદાને માથામાં ચા ની ભૂકી લગાવી ખાટલા પર સુવડાવ્યા બાદ વાડી માલિકને જાણ કરી મોડીરાત્રે જેતપર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી હતી જ્યાં તેનું સારવાર મળે તે પહેલાં જ મૃત્યુ નિપજ્યું હતું.

આ બનાવ અંગે પોલીસે ખૂનનો ગુનો નોંધી બંને આરોપીઓને ઝડપી લઇ વિશેષ તપાસ પી.એસ.આઇ. એન.એચ. ચુડાસમા સહિતનો સ્ટાફ ચલાવી રહ્યાં છે.