જામનગરમાં કોંગીના કોર્પોરેટરોએ ભારે કરી: વિચિત્ર રીતે મનપા સામે કર્યો વિરોધ

મનપા બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર પશુઓને લવાતા અફરાતફરી

શહેરમાં થોડા દિવસ પહેલા જ રખડતા પશુના આતંકનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. તેમ છતા શહેરમાં રખડતા પશુઓની સમસ્યા યથાવત રહી હોય કોંગ્રેસની મહિલા કોર્પેોરેટરો રસ્તા પરથી પશુઓને પકડી મનપા કચેરી પર પહોંચી હતી અને નવતર વિરોધ નોંધાવ્યો હતો. મનપા કચેરીની અંદર પશુઓ લઈ મહિલા કોર્પોરેટર ઘૂસી જતા ભારે અફરાતફરી મચી હતી. કર્મચારીઓએ મહામહેનત પશુઓને દૂર કર્યા હતા.

કોંગ્રેસના મહિલા કોર્પોરેટર જેનબબેન ખફી, રચનાબેન નંદાણીયા અને શહેર પ્રમુખ રંજનબેન ગજેરાએ કહ્યું હતું કે, શહેરીજનો રખડતા ઢોરની સમસ્યાથી ત્રસ્ત છે. ત્યારે મનપા શાસકો અને અધિકારીઓ પણ સમસ્યાનો અનુભવ કરે તે માટે અમે રસ્તા પરથી પશુને પકડી મનપા કચેરીમાં લાવવાનો નિર્ણય કર્યો હતો.

કોંગ્રેસની મહિલા કોર્પોરેટરો અચાનક પશુઓ સાથે મનપાની મુખ્ય બિલ્ડિંગની અંદર ઘૂસી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેમ રસ્તા પર પશુઓેને ઘાસચારો નાખવામા આવી રહ્યો છે તેવી જ રીતે કચેરીની અંદર પણ પશુઓને ઘાસચારો નાખવામા આવ્યો હતો. અંતે મનપાના કર્મચારીઓએ મહામહેનતે કોર્પોરેટરોના હાથમાંથી પશુઓને છોડાવી કચેરીમાં દૂર કર્યા હતા.