જામનગરમાં ફાયર એનઓસી મુદ્દે વધુ ચાર ખાનગી હોસ્પિટલના નળ જોડાણ કપાયા

મ્યુ.ની વોટર વર્કસ શાખાએ ૫૪ હોસ્પિટલોમાં ચેકિંગ હાથધર્યું

જામનગર શહેરમાં આવેલી ૬૪ જેટલી ખાનગી હોસ્પિટલો નું સરવે કરાયું હતું, જેમાં ફાયરનું એન.ઓ.સી મેળવવામાં આવ્યું ન હોવાથી ફાયર શાખા દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી. જે દરમિયાન ૧૦ હોસ્પિટલો એ ફાયર નું એન.ઓ.સી મેળવી લીધું છે, પરંતુ બાકીની ૫૫ હોસ્પિટલોમાં ફાયર ની સ્થિતિ શું છે, તે જાણવા માટે આજે ફાયર બ્રિગેડ શાખાની જુદી જુદી પાંચ ટુકડીઓ દોડતી થઇ છે, અને તમામ ૫૪ હોસ્પિટલોમાં ચેકિંગની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ૨૨ હોસ્પિટલો માં મહાનગરપાલિકાના નળજોડાણ અપાયેલા છે, જે પૈકી પાંચ હોસ્પિટલ ના નળ જોડાણ કટ કરાયા હતા. ત્યારબાદ વોટર વર્કસ શાખાએ વધુ ચાર હોસ્પિટલોના નળ જોડાણ કટ કર્યા છે. જામ્યુકોની સમગ્ર કામગીરી ને લઇને ખાનગી હોસ્પિટલના તંત્રમાં ભારે દોડધામ મચી ગઇ છે.  રાજકોટની ખાનગી હોસ્પિટલ માં આગજનીની ઘટના પછી રાજ્યભરની તમામ ખાનગી હોસ્પિટલોમાં ફાયર સેફટી અંગે જરૂરી કાર્યવાહી કરવા માટે ની સૂચના અપાયા પછી જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખા દ્વારા શહેરની જુદી જુદી ખાનગી હોસ્પિટલોમાં સર્વે કરવામાં આવ્યો હતો. જે પૈકી ૬૪ હોસ્પિટલોમાં ફાયર એન.ઓ.સી નો અભાવ જોવા મળ્યો હતો. જેથી તમામ ને ૧૫ દિવસનો સમય આપીને તાકીદ કરવામાં આવી હતી. જે પંદર દિવસનો સમય ગાળો આજે પૂરો થયો છે. જેથી જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખા ની જુદી જુદી પાંચ ટુકડીઓ શહેરની ખાનગી હોસ્પિટલમાં સર્વે કરવા માટે દોડતી થઈ છે. જેને લઇને હોસ્પિટલના તંત્રમાં ભાગદોડ મચી છે.