જામનગરમાં કોરોના બેકાબુ બનતા તંત્ર દોડ્યું, સંક્રમણથી બચવા જિલ્લા કલેક્ટરે જાણો શું કહ્યું….

તબિયતમાં જરાય શંકા લાગે તો ટેસ્ટ કરાવી લેજો: શહેરમાં રોજના 4 હજાર ટેસ્ટ કરાશે: રવિશંકર

બીજી લહેરમાં પહેલાની સરખામણીએ લોકો ઓછા ગંભીર

જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ જે ઝડપે વધી રહ્યું છે તે ચિંતાજનક હોવાનું જણાવી જામનગરના જિલ્લા કલેકટર રવિશંકર શ્રીવાસ્તવે રાજય સરકારની સુચના મુજબ દરરોજ 4,000 જેટલા કોરોના ટેસ્ટ કરવાની જાહેરાત કરી છે. તબિયતમાં જરાક પણ શંકા જણાઇ તો લોકોને કોઇ પણ જાતના સંકોચ કે ડર વગર કોરોના ટેસ્ટ કરાવવા અને જરૂરી સારવાર મેળવવા અપીલ કરી છે. જિલ્લા કલેકટર રવિશંકરે જણાવ્યું હતું કે, જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક રીતે વકરી રહી છે. કોરોનાની પ્રથમ લહેરની શરૂઆત વખતે લોકોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્તપણે પાલન કર્યુ હતું. હાલની સ્થિતિમાં આવી જ સાવચેતી રાખવી જાહેર હિતમાં જરૂરી છે. લોકોના સહકાર વગર તંત્ર કોરોનાને નિયંત્રીત કરવામાં સફળ થઇ શકે નહી.

આથી લોકોને અપીલ છે કે, તબિયતમાં કોઇ શંકા જણાય તો વિના સંકોચે અને કોઇ પણ પ્રકારનો ભય રાખ્યા વગર નજીકના આરોગ્ય કેન્દ્રમાં અથવા જી.જી. હોસ્પિટલ પાસેની સરકારી લેબોરેટરીમાં કોરોનાનો ટેસ્ટ કરાવવો હિતાવહ છે. સમયસરની સારવારથી પોતાની તથા પરિવારજનોની કે સંપર્કમાં આવતા અન્ય લોકોની જીંદગી બચાવી શકાય છે. કલેકટરે વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાની સ્થિતિ ચિંતાજનક માત્રામાં વધતા કેસને કારણે વધુને વધુ ખરાબ થઇ રહી છે. આજ સવારની સ્થિતિએ જામનગરની ગુરૂ ગોવિંદસિંહ કોવિડ હોસ્પિટલમાં 246 દર્દીઓ હાલ કોરોનાની સારવાર લઇ રહ્યા છે. હોસ્પિટલમાં દાખલ દર્દીની સંખ્યા પણ કેસના વધારાની સાથે સતત વધી રહી છે. આરોગ્ય તંત્ર તેમનાથી બનતા પ્રયાસો કરી રહ્યું છે. પરંતુ પ્રથમ લહેર વખતની સરખામણીએ હાલની બીજી લહેર દરમ્યાન લોકોમાં પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જેવી તકેદારી બાબતે ગંભીરતા ઓછી જોવા મળે છે. સાવધાની ઘટે એટલે મુશીબત આવે તે નક્કી છે. હવેથી દરરોજ 4,000 જેટલા ટેસ્ટ કરવાનું તંત્રએ નક્કી કર્યુ છે અને તે પ્રમાણેની કામગીરી થાય તે માટે જામનગર શહેર અને જિલ્લાના આરોગ્ય તંત્રને રાજય સરકારના આદેશને પગલે સુચના આપવામાં આવી છે. જિલ્લા કલેકટર રવિશંકરે જામનગર શહેર અને જિલ્લામાં વસતા 45 કે તેથી વધુ વયના લોકોને કોરોના પ્રતિરોધક વેકસીન લેવા માટે પણ અપીલ કરી છે. તેમજ જેઓએ અગાઉ વેકસીનનો પ્રથમ ડોઝ લીધો છે અને એક માસનો સમય વિતી ગયો છે તેઓને વેકસીનનો બીજો ડોઝ લઇને વધુ સલામત થવા અપીલ કરી છે.