જેતપુરના મોટા ગુંદાળા ગામે પુત્રે પિતાનું ગળુ દાબી કરી હત્યા

ફળીયામાં રેતીનો ઢગલો કરવા જેવી સામાન્ય બાબતે થયેલા ઝઘડાનો કરૂણ અંજામ

ઉનાળાની શરૂઆત થતા ગરમીનો પારો ઉચકાઇ રહ્યો છે તેમ માનવીના મગજમાં પણ ગરમીનો પારો ઉચડાયો હોય તેમ સામાન્ય બાબતે હત્યાની ઘટના બની રહી છે. જેતપુર તાલુકાના મોટા ગુંદાળા ગામે ફળીયામાં રેતીનો ઢગલો કરવા જેવી સામાન્ય બાબતે પિતા-પુત્ર વચ્ચે થયેલા ઝઘડાના કારણે પુત્રએ પોતાના જ પિતાનું દોરીથી ગળુ દાબી હત્યા કર્યાનું પોલીસમાં નોંધાતા સનસનાટી મચી ગઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જેતપુર નજીક આવેલા મોટા ગુંદાળા ગામે રહેતા મથુરભાઇ કડવાભાઇ અમીપરા નામના 62 વર્ષના પટેલ વૃધ્ધનું દોરીથી ગળુ દાબી પુત્ર રાજેશ ઉર્ફે રાજુ અમીપરાએ હત્યા કર્યાની વિનુભાઇ મથુરભાઇ અમીપરાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

રાજેશ ઉર્ફે રાજુએ ફળીયામાં રેતીનો ઢગલો કરતા તેના પિતા મથુરભાઇ અમીપરાએ ઠપકો દેતા બંને વચ્ચે બોલાચાલી થઇ હતી.

ઉશ્કેરાયેલા રાજેશ ઉર્ફે રાજુ અમીપરાએ પોતાના પિતા મથુરભાઇ અમીપરાના ગળા પર દોરી વીટાળી ટૂંપો દઇ હત્યા કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. પોલીસે પિતાની હત્યાનો પુત્ર સામે ગૂનો નોંધી પી.એસ.આઇ. પી.જે.બાટવા અને રાઇટર ભૂપેન્દ્રભાઇ મોરીએ તપાસ હાથધરી છે.