Abtak Media Google News

મતદારોને રિઝવવા પાંચેય વિધાનસભા બેઠકોમાં ગ્રુપ મીટીંગો, સભાઓ, રેલીઓનો ધમધમાટ

જૂનાગઢના સાણા, ચતુર અને ચબરાક મતદારો ઉમેદવારોના ચૂંટણી પ્રચાર દરમિયાન ઉત્સાહ ન બતાવતા ઉમેદવારોને ભર શિયાળે પરસેવો વાળી દીધો છે. હવે ચૂંટણી પ્રચારને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે જુનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભાની બેઠકોના ઉમેદવારો એડી ચોટીનું જોર લગાવી મતદારોને રીઝવવા ગ્રુપ મીટીંગ, સભાઓ, રેલીઓ યોજી રહ્યા છે. અને પ્રચારને પૂરજોશમાં શરૂ રાખ્યો છે.

જુનાગઢ જિલ્લામાં પાંચ વિધાનસભાની બેઠકો આવેલી છે. જેમાં જુનાગઢ, કેશોદ, માંગરોળ, વિસાવદર અને માણાવદર બેઠકનો સમાવેશ થાય છે. ત્યારે મતદારોને રિઝવવા અને પોતાની પાર્ટી અને પોતાનો માહોલ ઊભો કરવા માટે ઉમેદવારો સહિત રાજકીય આગેવાનો રાત દિવસ એક કરી રહ્યા છે. અને સ્ટાર પ્રચારકોને બોલાવી લોકોમાં ઉત્સાહ આવે તે માટેના પ્રયાસો થઈ રહ્યા છે. આ સાથે રાબેતા મુજબ ગ્રુપ, સોસાયટી અને સંગઠનોની મીટીંગો યોજાઈ રહી છે. ભૂંગળા વગાડતી રીક્ષાઓ અને વાહનો શેરી ગલીઓમાં ફરી રહ્યા છે.

રોડ શો અને ડોર સંપર્ક કરવામાં આવી રહ્યો છે. પરંતુ મતદારોમાં ઉત્સાહનો અભાવ જોતા ભર શિયાળે ઉમેદવારો સહિતના પ્રચારકોને પરસેવો વળી રહ્યો છે. આ વખતની ચૂંટણીનો પ્રચાર સરકારી ચોપડે નોંધાયેલા આંકડા પ્રમાણે રાજકીય પક્ષના મુખ્ય 15 ઉમેદવારોએ રૂ. 1.45 લાખનો ખર્ચ કર્યો છે, અને આવતીકાલે મંગળવારના સાંજના પાંચ વાગ્યા સુધી હજુ પ્રચાર પડઘા ચાલુ રહેશે. ગ્રુપ, સભા અને રેલીયો યોજાશે. બાદમાં જાહેર સભાઓ સહિતની ચૂંટણી પ્રચાર પ્રક્રિયા ચૂંટણી પંચની આચારસંહિતા મુજબ બંધ થશે. ત્યારબાદ માત્ર ડોર ટુ ડોર અને ભુંગળા વગરની પ્રચાર પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. પરંતુ આ દરમિયાન મતદારો સુન મુન જણાઈ રહ્યા છે. ત્યારે રાજકીય પક્ષો મૂંઝવણમાં મુકાયા છે. તો બીજી બાજુ રાજકીય પંડિતો પણ મતદારોના અકળ વલણને કારણે   માથું ખંજવાળી રહ્યા છે કે, મતદારો કોને મત આપશે ? અને કોને માત આપશે ? તે સ્પષ્ટ થઈ રહ્યું નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.