- દિલ્લી એરપોર્ટ પરથી બે બ્રાઝીલિયન મહિલા અને કેન્યાના શખ્સની ધરપકડ થતાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનું કનેક્શન ખુલવાની શક્યતા
ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓએ ત્રણ વિદેશી નાગરિકો કે જેમાં બે બ્રાઝિલિયન મહિલાઓ અને એક કેન્યાના પુરુષને આશરે 40 કરોડ રૂપિયાના કોકેનની દાણચોરી કરવાના આરોપમાં ધરપકડ કરી હતી. શંકાસ્પદોએ કેપ્સ્યુલ ગળીને ડ્રગ્સ છુપાવ્યા હતા. અધિકારીઓ શંકાસ્પદો અને મોટા ડ્રગ-ટ્રાફિકિંગ નેટવર્ક વચ્ચે સંભવિત કડીઓની તપાસ કરી રહ્યા છે.
ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે, શુક્રવારથી ટર્મિનલ 3 પર 48 કલાકના સમયગાળામાં ધરપકડ કરવામાં આવી હતી. શંકાસ્પદો અલગ અલગ સમયે અલગ અલગ ફ્લાઇટમાં આવ્યા હતા. સંભવત: શોધ ટાળવા માટે એક યુક્તિ તરીકે ત્રણેય અલગ અલગ ફ્લાઇટમાં આવ્યાની આશંકા છે. શુક્રવારે પહેલી ધરપકડમાં સાઓ પાઉલોથી પેરિસ થઈને મુસાફરી કરતી બ્રાઝિલિયન મહિલાનો સમાવેશ થતો હતો. શારીરિક તપાસમાં શંકા ઉભી થઈ હતી જેના કારણે વધુ તપાસ શરૂ થઈ હતી. બાદમાં તેણીએ ડ્રગથી ભરેલા કેપ્સ્યુલ લીધા હોવાની કબૂલાત કરી હતી જે પછી સફદરજંગ હોસ્પિટલમાં મળી આવ્યા હતા.
મહિલા પાસેથી કુલ 802 ગ્રામના વજનની 100 કેપ્સ્યુલ મળી આવ્યા હતા, જે બધામાં કોકેન હતું. જેની કિંમત લગભગ 12.03 કરોડ રૂપિયા છે તેમ જાણવા મળ્યું છે. તે જ દિવસે થોડી કલાકો બાદ એક કેન્યાના પુરુષને પણ પકડી લેવામાં આવ્યો.આ માણસ ઇથોપિયાના આદિસ અબાબાથી આવ્યો હતો. હોસ્પિટલમાં 14.94 કરોડ રૂપિયાના કોકેઇનવાળા 67 કેપ્સ્યુલ્સ જપ્ત કરવામાં આવ્યા હતા.
બાદમાં શનિવારે વહેલી સવારે અધિકારીઓએ 26 વર્ષની બીજી બ્રાઝિલિયન મહિલાની ધરપકડ કરી હતી. તેણીએ કુલ 98 કેપ્સ્યુલ્સનું સેવન કર્યું હતું, જેની કિંમત 12.99 કરોડ રૂપિયા હતી.