Abtak Media Google News

ઉતરાખંડને સતત ચાર દિવસથી ધમરોડતા ભારે વરસાદે પોરો ખાધો

કેદારનાથમાં થાળે પડતું જનજીવન, ચારાધામ યાત્રા ફરી શરૂ કરાઇ: યુઘ્ધના ધોરણે માર્ગોની મરામત

આજ સવારે થયા સૂર્યનારાયણના દર્શન, હેલીકોપ્ટર, ડોલી, ઘોડા વગેરે સેવાઓ પૂર્વવત: ચારધામની યાત્રાએ ગયેલા શહેરની કણસાગરા કોલેજના પ્રો. યશવંત ગોસ્વામીએ ‘અબતક’ને આપી ટેલીફોનીક માહિતી

ઉતરાખંડમાં છેલ્લા ચાર દિવસથી પડી રહેલ ભારે વરસાદ અને હિમવર્ષાએ ત્યાંની સરકાર યાત્રાળુઓ અનેતેના પરિવારજનોના જીવ તાળવે ચોંટાડી દીધા હતા. ગ્રુપમાં ગયેલા અનેક લોકો વિખુટા પડયા જયારે અનેક પરિવારો નોખા પડયા બાદ વાતાવરણ સુધરતા ભેગા પણ થયા અને ભારે વરસાદથી ઉતરાખંડમાં ભારે તારાજી પણ સર્જાઇ અને અનેક મોત થયા પરંતુ હાલ વાતાવરણથાળે પડી રહ્યું છે.

રાજકોટની કણસાગરા કોલેજના પ્રોફેસર અને છેલ્લા વીસ વર્ષથી ચારધામ યાત્રા કરતા યશવંતભાઇ ગૌસ્વામી કે જેઓ ર7 વ્યકિતઓના ગ્રુપ સાથે ચારધામ યાત્રાએ ગયા હતા દરમિયાન કેદારનાથ પહોચતા જ ભારે વરસાદે તારાજી સર્જતા યાત્રાધામ કેદારનાથ માં ફસાયા હતા. આજે સવારે ‘અબતક’  સાથેની ટેલીફોનિક વાતચીતમાં ઉતરાખંડમાં ભારે વરસાદ અંગે માહિતી આપતા યશવંત ગૌસ્વામીએ જણાવ્યું હતું કે, ઉતરાખંડમાં સતત ચાર દિવસ અનરાધાર વરસાદ અને સાથે બરફ વર્ષા પડતા ચારધામ યાત્રાળુઓ કેદારનાથમાં ફસાયા હતા.

કાતીલ ઠંડી અને બહાર પડી રહેલો અનરાધાર વરસાદથી યાત્રાળુઓ તથા તેમના પરિવારજનોના જીવ તાળવે ચોટીં ગયા હતા. ગૌસ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે વરસાદનો કહેર અને યાત્રાળુઓનો ભરાવો જેનો લાભ લઇ હોટલોમાં પણ પાંચ ગણો ચાર્જ વસુલવામાં આવતો તેમજ 100 રૂપિયાની વસ્તુના ભાવ એક હજાર વસુલતા અને અને જે ચુકવવા તે યાત્રાળુઓની મજબુરી હતી. ઉતરાખંડ કેદારનાથમાં સતત પ0 થી 55 કલાક પડેલા ભારે વરસાદમાં પણ એન.ડી. આર.એફ. ની ટીમ સતત ર4 કલાક ખડે પગે રહી યાત્રાળુઓને સહાય ભુત થઇ હતી.

જો કે ગૌસ્વામીએ ‘અબતક’ ને કહ્યું કે હાલ પરિસ્થિતિ ધીરે ધીરે થાળે પડી રહી છે. અને ઇશ્ર્વરે પણ કૃપા કરી છે. કારણ કે આજ સવારથી જ સૂર્યનારાયણના દર્શન થયા છે અને બિસ્માર થયેલા માર્ગોનું પણ યુઘ્ધના ધોરણે મરામત ચાલી રહ્યું છે. ઉપરાંત ફરી રાબેતા મુજબ હેલીકોપ્ટર, ડોલી, ઘોડા વગેરેની સેવા પૂર્વવત થઇ છે. અને ફરી ચારધામ  યાત્રા પણ શરુ કરવામાં આવી છે. અને રાજકોટ તેમજ સૌરાષ્ટ્ર ગુજરાતના બધા યાત્રાળુઓ ક્ષેમકુશળ છે અને ફરી ચારધામ યાત્રાની આગેકુચ ચાલુ  થઇ હોવાનું પણ જાણવા મળ્યું છે. અને અમો પણ સવારે હેલીપેડ દ્વારા ચોથા દિવસે કેદારનાથથી સીતાપુર હેલી પેડ ખાતે આવી અને હરિદ્વાર જવા રવાના થયા હોવાનું ‘અબતક’ ને જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.