Abtak Media Google News

નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ ગત માર્ચ માસ દરમિયાન પૂર્ણ થતાં ફરી એકવાર રાજકોટ જીએસટી વિભાગ સક્રિય બન્યું છે અને કરચોરો સામે તવાઈ ઉતારવાનું શરૂ  કર્યું છે અને ઠેર-ઠેર સૌરાષ્ટ્ર-કચ્છમાં જુદા જુદા વેપારી એકમો ઉપર દરોડા પાડી કરચોરી ઝડપવાનું અભિયાન શરૂ કરેલ છે. આ અભિયાનના ભાગરૂપે રાજકોટ જીએસટી વિભાગના ડિવિઝન ૧૦ અને ૧૧ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠેર-ઠેર દરોડાનો દૌર શરૂ કરવામાં આવેલ છે.

આ અંગેની રાજકોટ જીએસટી વિભાગના સૂત્રોમાંથી મળતી વધુ વિગતો મુજબ રાજકોટ જીએસટી વિભાગના ડિવિઝન ૧૦ અને ૧૧ દ્વારા ગઈકાલથી સૌરાષ્ટ્ર-કચ્છમાં દરોડાનો દૌર શરૂ કરવામાં આવેલ છે. અને આ દરોડા દરમિયાન લાખો રૂપિયાની કરચોરી પણ ઝડપી લેવામાં આવેલ છે. મળતી વધુ વિગતો મુજબ રાજકોટ જીએસટી વિભાગના ડિવિઝન ૧૧ની તપાસ ટીમો ગઈકાલે ભાટીયા, અંજાર, માંડવી અને ગાંધીધામમાં ત્રાટકી હતી.

ડિવિઝન ૧૧ની તપાસ ટીમોએ ઉપરોકત સ્થળોએ સ્ટીલ, સ્ક્રેપ (ભંગાર), આઈડ્રોલીક સહિતની ૬ વેપારી પેઢીઓ ઉપર દરોડા પાડયા હતા અને કરચોરી અંગે તપાસનો ધમધમાટ હાથ ધર્યો હતો. ગઈકાલે સવારથી શરૂ કરાયેલી આ તપાસોનો દૌર મોડી રાત સુધી ચાલ્યો હતો. આ તપાસ દરમિયાન ડિવિઝન ૧૧ની ટીમોએ રૂ.૩૨.૪૩ લાખથી વધુની કરચોરી ઝડપી લીધી હતી.

પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ ઉપરોકત ૬ પેઢીઓ પૈકી ગાંધીધામની સુંદરમ્ ટ્રેડર્સમાંથી રૂ.૨૪.૬૬ લાખ અને સાંઈનાથ હાઈડ્રોલીક-ભાટીયામાંથી રૂ.૭.૭૭ લાખની કરચોરી ઝડપી લેવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય ચાર પેઢીઓમાંથી કંઈ વાંધાજનક મળી આવ્યું ન હતું. ડિવિઝન ૧૧ની ટીમોએ ભાટીયામાં ૧, અંજારમાં ૨, માંડવીમાં ૧ અને ગાંધીધામમાં ૨ વેપારી પેઢીઓ ઉપર દરોડા પાડયા હતા.

દરમિયાન વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ રાજકોટ વેટ વિભાગની ડિવિઝન ૧૦ની તપાસ ટીમો પણ આજે સવારથી મોરબી ખાતે ત્રાટકી છે અને કરચોરી અંગે તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે. આ અંગેની જીએસટી વિભાગના સુત્રોમાંથી મળતી વધુ વિગતો મુજબ રાજકોટ જીએસટી વિભાગની ડિવિઝન ૧૦ની તપાસ ટીમો આજરોજ સવારથી મોરબી ખાતે સીરામીકના ચાર ધંધાર્થીઓને ત્યાં ત્રાટકી છે અને કરચોરી અંગે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવેલ છે. આ તપાસના અંતે પણ જીએસટી તંત્રને લાખો રૂપિયાની કરચોરી હાથ લાગે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.