Abtak Media Google News

રાષ્ટ્રીય શિક્ષણ નીતિને ધ્યાને લઈને જીટીયુ સંચાલિત ધરોહર સેન્ટર ફોર ઇન્ડિયન નોલેજ સિસ્ટમ આયોજિત હિન્દૂ સ્ટડીઝ કોર્ષ બે વર્ષ માટેનો હશે

આજની યુવા પેઢી આપણી પરંપરા અને સંસ્કૃતિથી અવગત થાય અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિના પરીપ્રેક્ષમાં જીટીયુ દ્વારા આ કોર્સ શરૂ કરવામાં આવી રહ્યો છે. આ કોર્સ શરૂ કરનાર જીટીયુ સમગ્ર દેશની ચોથી યુનિવર્સિટી છે.રાષ્ટ્રીય શિક્ષણ નીતિને ધ્યાને લઈને જીટીયુ સંચાલિત ધરોહર સેન્ટર ફોર ઇન્ડિયન નોલેજ સિસ્ટમ દ્વારા આગામી ઑગસ્ટ માસથી 2 વર્ષ માટેનો અનુસ્નાતક કોર્સ એમ.એ. ઈન હિન્દ સ્ટડીઝ શરૂ કરાશે. ટેક્નોલોજી, ઈનોવેશન, સ્ટાર્ટઅપ, સામાજીક દાયિત્વ, આપણી પૌરાણીક વેદ પ્રણાલી અને ભારતીય સંસ્કૃતિથી પણ વિદ્યાર્થીઓ માહિતગાર થાય તે હેતુથી જીટીયુ દ્વારા સમયાંતરે વિવિધ કોર્સ અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેમાં હવે વધુ એક કોર્સ એટલે કે, એમ.એ. ઈન હિન્દુ સ્ટડીઝ શરૂ થવા જઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, એમ.એ. ઈન હિન્દુ સ્ટડીઝ કોર્સ બનારસ હિન્દુ યુનિવર્સિટી અને નાલંદા યુનિવર્સિટીમાં હાલના સમયે કાર્યરત છે. ગુજરાતના વિદ્યાર્થીઓને ત્યાં સુધી લાંબુ ન થવુ પડે તે અર્થે જીટીયુ દ્વારા આ કોર્સનો શુભારંભ કરાશે. અભ્યાસક્રમ દરમિયાન સંસ્કૃતના વિદ્વાન તજજ્ઞો જેવા કે, પ્રો. કમલેસ ચોક્સી, પ્રો. વસંત ભટ્ટ, ડો. મીહિર ઉપાધ્યાય રીસોર્સ પર્સન તરીકે સેવાઓ આપશે. વેસ્ટર્ન થીયરી માટે પ્રો. અતનુ મહોપાત્રા અને ડો. શ્રૃતિ આણેરાવ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે. આ અભ્યાસક્રમ થકી વિદ્યાર્થીઓ ભારત સહિત વૈશ્વિક સ્તરે ભારતીય જ્ઞાન પરંપરાના ઉભરતા ક્ષેત્રમાં રોજગારીની તકો મેળવી શકશે. આ કોર્સ અંગે ધરોહર સેન્ટરના ઓએસડી ડો. શ્રૃતિ આણેરાવે જણાવ્યું કે, વર્ષ 2021 થી ધરોહર સેન્ટર ભારતીય જ્ઞાન પરંપરાનાં અભ્યાસક્રમોની અત્યાર સુધી 20 થી વધુ કોર્સીસની બે બેચ પૂર્ણ કરી ચૂક્યું છે. દેશ – વિદેશોમાંથી વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ સારો પ્રતિસાદ તમામ અભ્યાસક્રમોમાં સાંપડ્યો છે. હવે આગામી ઑગસ્ટ માસથી જીટીયુ ધરોહર સેન્ટર અનુસ્નાતક અભ્યાસક્રમો શરૂ કરવા જઈ રહ્યું છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિને લક્ષ્યમાં રાખીને એમ.એ ઈન. હિન્દુ સ્ટડીઝ વિષયમાં 10 સીટો પર પ્રવેશ પ્રક્રિયા આગામી 15 જુલાઈથી શરૂ થશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.