Abtak Media Google News

લોકોના ટોળેટોળા ઉમટ્યાં: મેયર અને કમિશનર સહિતનાઓને રજૂઆત કરાશે

અબતક-રાજકોટ

રાજકોટ મહાપાલિકાની સ્ટેન્ડિંગ બેઠકમાં વોર્ડ નં.12માં મવડી વિસ્તારમાં આવેલ અંકુરનગર 24 ટીપી રોડ, ગોપાલ પાર્કના કપાત 9 મીટરના ટીપી રોડ તથા માધવ પાર્કના કપાત 18 મીટરના ટીપી રોડને 150 ફૂટ રીંગ રોડ સાથે જોડવા માટે જીપીએસમી એક્ટની કલમ 210 હેઠળ લાઇન દોરી નક્કી કરવા દરખાસ્ત કરવામાં આવી હતી અને સ્ટેન્ડિંગ કમિટિએ મંજૂર કરી હતી ત્યારે આજરોજ રાજકોટના અંકુર રોડ પર સ્થાનિકો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો છે. ટીપી રોડ નીકળતો હોવાથી અનેક ઘર કપાતમાં આવતા હોવાથી 200થી વધુ મહિલાઓ અને પુરૂષો ભેગા થયા હતા. ટીપી રોડના કારણે પોતાના ઘર કપાતમાં જતા રહેવાના હોવાથી પોતાનો આશિયાનો બચાવવા માટે સ્થાનિક લોકોએ હલ્લાબોલ કર્યો હતો.

અંકુર રોડ પર ટીપી રોડ નીકળતો150 જેટલા ઘર કપાતમાં આવતા હોવાથી લોકો એકઠા થયાં હતા. જ્યાં સ્થાનિક લોકોએ તંત્ર પર મોટા આક્ષેપ કર્યા હતાં. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે રાજકીય વગ ધરાવતા લોકોની જગ્યા બચાવવા માટે મહાપાલિકાએ રાતોરાત નકશો બદલ્યો છે, પહેલાના નકશામાં આ વિસ્તાર કપાતમાં આવતો ન હતો, પરંતુ અચાનક નકશો બદલીને મોટા માણસોને બચાવવા માટે નાના માણસોના ઘર તોડવામાં આવી રહ્યાં છે. રાજકોટના અંકુર રોડ પર સ્થાનિકોનો હલ્લાબોલ અને વિરોધ દરમિયાન 2 લોકો બેભાન થઇ ગયા હોવાના સમાચાર મળી રહ્યાં છે.

 

પબ્લીક ઓફ લાઇન સ્ટ્રીટ માટે મહાપાલિકાએ ડિમાર્કેશન કે નોટીસપાઠવી નથી: ડો.પ્રદિપ ડવ (મેયર)

‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન મેયર ડો.પ્રદિપ ડવએ જણાવ્યું હતું કે લાઇન ઓફ પબ્લીક સ્ટ્રીટ હેઠળ અંકુર નગરનો જે રોડ છે. તે 80 ફૂટનો રોડ છે. તે 24 મીટર છે તેને ખોલવા માટે ગત સ્ટેન્ડિંગમાં ઠરાવ નક્કી થયેલ મહાપાલિકા દ્વારા સૌ પ્રથમ તો કેટલું કપાત થશે તેની જાહેરાત નથી કરેલ કોઇ ડિમાર્કેશન કરેલ નથી. લાઇન ઓફ પબ્લીક સ્ટ્રીટના નિયમ મુજબ સૌ પ્રથમ તો અમે અરજદારોને વાંધા સૂચનો મંગાવવામાં આવતા હોય, એક મહિનાનો સમય આપવામાં આવતો હોય, માનો કે કોઇ મિલકત કપાતમાં આવતી હોય તો તેનું ડિમાર્કેશન કરીએ તેને નોટીસ આપીએ. આ એકપણ બાબતમાં કોર્પોરેશનએ કાર્યવાહી કરી નથી. બીજી બાબતએ કે માનો કે મિલકત કપાતમાં હોય તો તે લોકોને સાંભળીએ નોટીસ આપીએ. તેનું હિત જોખમાય તે રીતના નિર્ણય મહાપાલિકા લેતા નથી. કોર્પોરેશન દ્વારા પ્રક્રિયા હાથમાં લેવામાં નથી આવી જ્યારે મિલકત કપાતની વાત હશે તે પહેલા તેઓના વાંધા સૂચનો સાંભળીશું અને તેમની સંમતિથી તેઓને આર્થિક વળતર આપવામાં આવતું હોય અન્ય કિસ્સામાં વૈકલ્પિક વ્યવસ્થા મહાપાલિકા દ્વારા કરવામાં આવતી હોય ત્યારબાદ ડિમોલેશન કરવામાં આવતુ હોય, ડિમાર્કેશન થયેલ નથી તેથી કેટલી મિલકતો કપાતમાં આવે તેનો ખ્યાલ ન આવે. લોકોએ જાતે નક્કી કર્યું છે કે અમારી 100 જેટલી મિલકતો કપાત થાય છે. આર.કે. બિલ્ડર્સની મિલકત હોય તો તેના માટે રસ્તો ખોલવાની કોઇ વાત જ નથી આર.કે. બિલ્ડર્સનું બિલ્ડીંગ 150 ફૂટ રીંગ રોડ પર છે. કપાતમાં આવે તો તેનું પાર્કિંગ પણ કપાય છે. પરંતુ હાલ અમારા દ્વારા કોઇ કામગીરી કરવામાં આવી નથી. 150 ફૂટ રીંગ રોડથી લઇ ગોંડલ રોડની કનેક્ટીવીટીની સમસ્યાનું નિરાકરણ આવે લાખો લોકોની સરળતા માટે મવડી રોડની સાથે મહત્વનો રોડ અંકુરનગરનો બને તે માટે પબ્લીક ઓફ લાઇન સ્ટ્રીટ જાહેર કરેલ પરંતુ હાલ મહાપાલિકાએ કોઇ ડિમાર્કેશન કરેલ નથી. નોટીસ પાઠવી પણ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.