પડવલા જીઆઈડીસીમાં પ્રેમલગ્ન કરનાર યુવકને ત્રણ શખ્સોએ મોતને ઘાટ ઉતારી મૃતકની પત્નીનું કર્યું અપહરણ

  • કારમાં ઘસી આવેલા મૃતકની પત્નીના સબંધી મનાતા ત્રણ શખ્સોએ ધોકાથી માર મારી ઢીમ ઢાળી દીધું
  • ત્રણ સામે ખૂનનો ગુનો નોંધી શાપર પોલીસ અને એલસીબીની ટીમોએ શોધખોળ હાથધરી

શાપરમાં આવેલ પડવલા જીઆઇડીસીમાં હત્યાનો અને અપહરણ નો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.જેમાં મૂળ યુપીનો અને હાલ રાજકોટમાં રહેતા પરિવારને યુવાન મળવા માટે આવ્યો હતો જ્યાં તેના પત્નીના સંબંધી માનતા ત્રણ અજાણ્યાં શખસો કારમાં ઘસી આવ્યા હતા અને યુવાનને આડેધડ ધોકા વડે માર મારી મોતને ઘાટ ઉતાર્યો હતો જ્યારે ત્રણેય શખસોએ તેની પત્નીનું અપહરણ કરી ગયા હતા.આ બાનવની જાણ શાપર પોલીસને થતાં પોલીસે ત્રણ સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે.

આ અંગે બનાવની મળતી માહિતી મુજબ મુળ યુપીનાં હમીરપુર જીલ્લાનાં લાહરા ગામનો પીયુષ ઉર્ફે લાલો અરૂણ ગોયલ (ઉ.વ.22) એ ગત. 2019ની સાલમાં શાપરમાં ચાની હોટલ ધરાવતો ત્યારે શાપરની શાંતીધામ સોસાયટીમાં ઝુંપડામાં રહેતી કુંવર ઉર્ફે અલઈ સાથે પ્રેમ સંબંધ બંધાતા તેને ભગાડી ગયો હતો. ત્યારે કુંવરના પરિવારજનોએ ફરિયાદ નોંધાવતા પોલીસે તેના વિરૂધ્ધ અપહરણ, રેપ, પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.કુંવરને ભગાડી ગયા બાદ તેણે તેની સાથે લગ્ન કરી લીધા હતાં. એક સંતાનની પણ પ્રાપ્તિ થઈ હતી. તે પકડાયા બાદ નવ મહિના સુધી જેલમાં રહ્યો હતો. જેલમાંથી છુટયા બાદ કુંવર ઉર્ફે અલઈએ તેની સાથે જવાની ઈચ્છા વ્યક્ત કરતા તેને લઈ તે પોતાના વતન જતો રહ્યો હતો.

ગત સોમવારના જ તેની પત્ની અને સંતાન સાથે પડવલા જીઆઈડીસીમાં મજુરી કરતાં અને ખોડીયાર ટચુબવેલ નામના કારખાનાના મકાનમાં રહેતા માતા પિતા અને બહેનને મળવા આવ્યો હતો. ત્યારે અલ્ટો કારમાં ત્રણ આરોપીઓ શીનો બાલા, રાધેવ માલાણી અને વીહળ માલાણી ધસી આવ્યા હતાં. આવીને આ ત્રણેય આરોપીઓએ પીયુષ ઉર્ફે લાલાને માથા સહીતનાં ભાગે ધોકાના આડેધડ ઘા ઝીંકી દીધા હતાં. ત્યારબાદ તેની પત્ની કુંવર ઉર્ફે અલઈનું અપહરણ કરી ભાગી ગયા હતાં. ગંભીર રીતે ઘવાયેલા પીયુષ ઉર્ફે લાલાને રાજકોટની સીવીલમાં હોસ્પિટમાં ખસેડાતા તબીબોએ મૃત જાહેર કર્યો હતો. જાણ થતાં શાપર પીએસઆઈ ગોહીલ સ્ટાફનાં માણસો સાથે સ્થળ પર અને સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતાં. રાત્રે પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી. ઉપરાંત અપહરણ કરી ગયા છે તે કુંવર ઉર્ફે અલઈને મુક્ત કરાવવા માટે શાપર પોલીસ ઉપરાંત એલસીબીની ટીમોએ પણ શોધખોળ હાથધરી છે.