Abtak Media Google News

ફાટક મૂકત ગુજરાતની નેમ સાથે રાજય સરકાર અત્યાર સુધી બ્રિજના 29 પ્રોજેકટ માટે કરી  ચૂકી છે રૂ.830 કરોડની ફાળવણી

ફાટક મૂકત ગુજરાતની નેમ સાથે રાજય સરકાર આગળ વધી રહી છે. જામનગરમાં  બે ઓવરબ્રીજ અને એક અન્ડર બ્રિજ બનાવવા માટે રૂ.100.98 કરોડ ફાળવવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા સૈધ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. સ્વર્ણીમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ નાણાની ફાળવણી કરવામાં આવી છે. રાજય સરકાર દ્વારા અલગ અલગ શહેરોમાં બ્રિજના 29 કામો માટે રૂ.830 કરોડની ફાળવણી કરવામા આવી છે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલે જામનગર મહાનગરમાં બે રેલ્વે ઓવરબ્રીજ અને 1 રેલ્વે અંડરબ્રીજના નિર્માણ કામો માટે કુલ 100.98 કરોડ રૂપિયાની મહાનગરપાલિકાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.  આ અંગેની રાજ્ય ફાળાની રકમ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આપવામાં આવશે. રાજ્યના નગરો-મહાનગરોમાં રેલ્વે ઓવરબ્રીજ-અંડરબ્રીજના નિર્માણ દ્વારા નાગરિકોને વાહન યાતાયાત અને અવર-જવરમાં સરળતા રહે તેમજ સમય અને ઇંધણની પણ બચત થાય તેવો ઉદાત આશય આવા કામોને મંજૂરી આપવા પાછળ રાખવામાં આવેલો છે.

તદઅનુસાર, મુખ્યમંત્રીએ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં આ બે રેલ્વે ઓવરબ્રીજ અને એક રેલ્વે અંડરબ્રીજના જનસુવિધા વૃદ્ધિ કામોની ભેટ જામનગર મહાનગરને આપી છે.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, ફાટકમુકત ગુજરાતની નેમને સાકાર કરતાં રાજ્ય સરકારે અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં રેલ્વે ઓવરબ્રીજ-રેલ્વે અંડરબ્રીજના કુલ ર9 પ્રોજેકટ માટે રૂ. 830 કરોડની રકમની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

ગુજરાતના નગરો-મહાનગરોમાં આવા રેલ્વે ઓવરબ્રીજ-રેલ્વે અંડરબ્રીજના વિવિધ કામો માટે નગરપાલિકાઓ માટે કુલ 78 કરોડ રૂપિયા તેમજ મહાનગરપાલિકાઓ માટે પણ 78 કરોડ રૂપિયા મળી સમગ્રતયા 1પ6 કરોડ રૂપિયાની જોગવાઇ ર0ર1-રરના વર્ષ માટે કરવામાં આવી છે.ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે  તથા રાજયના  શહેરોને  રેલવે ફાટક મૂકત  બનાવવા માટે  સરકાર દ્વારા  અન્ડરબ્રિજ અને ઓવરબ્રિજ ના કામો માટે 3 કરોડ રૂપીયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે. રાજકોટ શહેરમાં પણ હાલ અલગ અલગ  પાંચ સ્થળોએ  બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. બ્રિજના  નિર્માણથી  શહેરીજનોને ટ્રાફિકની  સમસ્યામાંથી મૂકિત મળે છે.

ધ્રાંગધ્રામાં 6 હજાર ઘરોને મળશે ભૂગર્ભ ગટરની સુવિધા ભૂગર્ભ ગટર યોજના માટે રૂા.19.27 કરોડ ફાળવશે રાજ્ય સરકાર

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા નગરમાં નગરપાલિકાના 19.ર7 કરોડ રૂપિયાના ભૂગર્ભ ગટર યોજનાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આ ભૂગર્ભ ગટરના કામોની મંજૂરી ભૂપેન્દ્રભાઇ પટેલે આપી છે. ધ્રાંગધ્રા નગરમાં આ ભૂગર્ભ ગટરના કામો પૂર્ણ થતાં નાગરિક સુવિધામાં વૃદ્ધિ થશે.

ધ્રાંગધ્રા નગરપાલિકાએ આ ભૂગર્ભ ગટર યોજના માટે 80 કિ.મી. કલેકટીંગ સીસ્ટમ સાથેના 19.ર7 કરોડ રૂપિયાના અંદાજો રાજ્ય સરકાર સમક્ષ રજૂ કર્યા હતા તેને મુખ્યમંત્રીએ સૈદ્વાંતિક મંજૂરી આપી છે.

તદઅનુસાર, આ ભૂગર્ભ ગટર યોજનાના ઘટકોમાં સીવર કલેકટીંગ સિસ્ટમ, મેનહોલ, હાઉસ કનેકશન ચેમ્બર તથા પમ્પીંગ સ્ટેશનનો સમાવેશ થવાનો છે.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આકાર પામનારી ધ્રાંગધ્રા નગરની આ ભૂગર્ભ ગટર યોજનાનો લાભ 6 હજાર જેટલા ઘરોને મળશે.

એટલું જ નહિ, નગરપાલિકામાં હાલ જનરેટ થતા પાંચ એમ.એલ.ડી સીવેજમાં આ ભૂગર્ભ ગટર યોજનાના કામો પૂર્ણ થવાથી વધુ 3 એમ.એલ.ડી સીવેજ જનરેટ થશે અને સ્વચ્છતા-સફાઇમાં વધુ વેગ આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.