રાજકોટમાં ફાઈનાન્સ કંપની સાથે દંપતીએ આચરી 45.54 લાખની છેતરપીંડી

બોગસ ડોક્યુમેન્ટના આધારે લોન લઈ ઠગાઈ કરનાર બંટી-બબલી વિરુધ્ધ નોંધાતો ગુનો

અબતક રાજકોટ

રાજકોટમાં આવેલી એયુ સ્મોલ ફાઈનાન્સ બેંક લીમીટેડમાંથી બંટી-બબલીએ બોગસ ડોક્યુમેન્ટના આધારે લોન લઈ રૂા.45,54,701ની છેતરપીંડી આચરી હોવાની ફાયનાન્સના અધિકારીએ દંપત્તિ વિરુધ્ધ પોલીસ દફતરે ફરિયાદ નોંધાવી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં 150 ફુટ રીંગરોડ પર બાલાજી હોલ પાસે રહેતા અને એયુ સ્મોલ ફાયનાન્સ બેંક લીમીટેડમાં ઓથોરાઈઝ્ડ અધિકારી અજયભાઈ રમેશભાઈ સોલંકીએ રાજકોટમાં કોઠારીયા રોડ, ગોકુલ પાર્કમાં રહેતા રામસિંગ ભીમજીભાઈ કટારીયા અને તેની પત્ની આશાબેન રામસિંગભાઈ કટારીયા વિરુધ્ધ તાલુકા પોલીસ મથકમાં એ મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આરોપીઓએ સને 2016માં કોઠારીયા ગામના રેવન્યુ સર્વે નં.91 પૈકીની બીનખેડાણ રહેણાંક હેતુ માટેની જમીનના પ્લોટ નં.72 અને 73ની કુલ 260 ચોરસ વાર જમીન વેચાણ દસ્તાવેજથી ખરીદ કરી હતી અને તેમાં પ્લોટ નં.73માં કુલ પાંચ દૂકાનો અને પાછળ મકાન બનાવ્યું હતું. તે મિલકત સને 2013માં પોતાના મમ્મી સંતોકબેન ભીમજીભાઈ કટારીયાને વેચાણ દસ્તાવેજથી વેચાણ કરી આપી હતી અને આરોપીઓને અમૃત ક્રેડીટ કો.ઓ. સોસાયટીમાંથી મોટી રકમની લોન લેવી હોય જેથી અમૃત કો.ઓ. સોસાયટીમાંથી આરોપી સભ્ય બન્યા હતા અને પ્લોટ નં.73 ઉપર જે દૂકાનો અને મકાન પોતાના મમ્મીને વેચી નાખ્યા હોવા છતાં તે હકીકત છૂપાવી સને 2016નો વેચાણ દસ્તાવેજ અને 2017માં અમૃત કો.ઓ.સોસાયટીમાં સિક્યુરીટી પેટે ગીરો મૂકેલ હતી અને લોન એગ્રીમેન્ટમાં આરોપીઓએ સહી કરી રૂા.25 લાખની લોન મેળવી લીધી હતી. બાદમાં આરોપીઓએ વધુ લોન મેળવવા માટે એયુ સ્મોલ ફાયનાન્સ બેંક લી.નો સંપર્ક કર્યો હતો. તેઓની પાસે પણ ઉપરોકત હકીકત છૂપાવી 42 લાખની લોન  એગ્રીમેન્ટમાં દંપત્તિએ સહીઓ કરી આપી બેંક વેલ્યુઅર મિલકત જોવા આવેલ ત્યારે વેંચી નાંખેલી મિલકત પણ પોતાની હોવાનું જણાવી તેમજ ત્રણ દૂકાન જે આરોપીના મમ્મીના નામે હોવા છતાં પોતે માલિક છે તે અંગેના ભાડા કરાર કરી બેંકમાં રજૂ કરી રૂા.42 લાખની લોન મેળવી હતી અને તેમાંથી અમૃત ક્રેડીટ કો.ઓ. સોસાયટીમાં રૂા.23 લાખની લોન ભરપાઈ કરી વધારાની લોન રૂા.18,39,941 મેળવી લીધા હતા અને પોતાના અંગત ઉપયોગમાં વાપરી બેંકના કૂલ આઠ ચડત હપ્તા સહિત રૂા.45,54,701 નહીં ભરી એયુ સ્મોલ ફાયનાન્સ બેંક લીમીટેડ સાથે છેતરપીંડી આચર્યાની ફરિયાદના આધારે તાલુકા પોલીસ મથકના પીએસઆઈ પી.એમ. રાઠવા સહિતના સ્ટાફે વધુ  તપાસ હાથ ધરી છે.