રાજકોટમાં ઇન્સ્ટાગ્રામમાં ફેક આઈડી બનાવી દંપતીનીને બિભસ્ત મેસેજ મોકલતો શખ્સ ઝડપાયો

 

યુવાન બાદ તેની પત્નીને વીડિયો કોલ કરી પંજવણી કરતો

અબતક,રાજકોટ

રાજકોટમાં સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવી દંપતીને વિડીયો કોલ કરી બિભસ્ત મેસેજ મોકલતા  ઢોલરા ગામના સાગર મુકેશ ચાંડપા નામના શખ્સની સાયબર પોલીસે ઝડપી લઇ ધરપકડ કરી છે.

બનાવની મળતી વિગતો મુજબ મોટામવા વિસ્તારમાં રહેતા ચિરાગ છગનભાઇ વઘેરા નામના યુવાને નોંધાવેલી ફરિયાદ મુજબ, તે અને તેની પત્ની મોબાઇલ પર સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે.

દરમિયાન ગત તા.4-10ના રોજ ઇન્સ્ટાગ્રામમાં કોઈ આઈડી પર પોતાને હાય, હેલ્લોનો મેસેજ આવ્યો હતો. જોકે તે અજાણ્યો શખ્સ હોવાથી તેને કોઇ પ્રતિક્રિયા આપી ન હતી.

બાદમાં તે એકાઉન્ટમાંથી વીડિયો કોલ કરીને તેમજ બીભત્સ મેસેજ આવવાનું શરૂ થયું હતું. ઉપરાંત બીજા દિવસથી તેની પત્નીને પણ તે એકાઉન્ટમાંથી બીભત્સ મેસેજ અને વીડિયો કોલ આવવાનું શરૂ થયું હતું.

જે અંગે પત્નીએ પોતાને વાત કરી હતી. એક મહિના સુધી ઇન્સ્ટાગ્રામના ફેક એકાઉન્ટમાંથી અભદ્ર મેસેજ તેમજ વીડિયો કોલથી અજાણ્યા શખ્સે પજવણી કરી હતી. અરજીને પગલે પીએસઆઇ એન.બી.ડોડિયા સહિતના સ્ટાફે ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મને ફેક એકાઉન્ટની તમામ વિગતો આપી રિપોર્ટ આપવા જણાવ્યું હતું.

રિપોર્ટમાં ફેક આઇડી બનાવનારના આઇપી મળી ગયા હતા. જેના આધારે મોબાઇલ નંબર મળતા તે નંબરનો ઉપયોગ ઢોલરા ગામે રહેતો સાગર મુકેશ ચાંડપા કરતો હોવાની માહિતી મળી હતી. બાદમાં સાગર ચાંડપાને બોલાવી પૂછપરછ કરતા તેને ઇન્સ્ટાગ્રામમાં ખોટું એકાઉન્ટ બનાવી પજવણી કર્યાનું કબુલ્યું હતું.