રાજકોટમાં દિન દહાડે ત્રણ શખ્સોએ હથિયાર સાથે જવેલર્સ શોરૂમમાં ઘસી ચલાવી લૂંટ, લૂંટનું પગેરૂ મોરબી તરફ

0
29

રાજકોટની રૂ.86 લાખની લૂંટનું પગેરૂ મોરબી તરફ

શિવ જવેલર્સ પાસેથી જ બાઇક ચોરી કરી દિન દહાડે ત્રણ શખ્સોએ ચલાવેલી લૂંટમાં પરપ્રાંતિય શખ્સોની સંડોવણીની શંકા

 

બે પિસ્તોલ જેવા હથિયાર સાથે શો રૂમમાં ઘસી આવેલા ત્રણ લૂંટારાએ રેકી કરી લૂંટને અંજામ આપ્યો

શોરૂમ માલિકને તિજોરીમાં પુરી સોના-ચાંદીના ઘરેણા અને રોકડની લૂંટ ચલાવી બાઇક પર ફરાર: સીસીટીવી ફુટેજની મદદથી ભેદ ઉકેલવા પોલીસની મથામણ

શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલા ચંપકનગરમાં શિવ જવેલર્સ નામની સોના-ચાંદીના ઘરેણાના શો રૂમમાં ગઇકાલે દિન દહાડે ત્રાટકેલા ત્રણ લૂંટારાનું પગેરૂ મોરબી તરફ નીકળતા પોલીસે સીસીટીવી ફુટેજ મેળવી રૂા.86 લાખની લૂંટનો ભેદ ઉકેલવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બે પિસ્તોલ જેવા હથિયાર સાથે ઘસી આવેલા ત્રણ શખ્સોએ શો રૂમ માલિક પર હુમલો કરી ચલાવેલી લૂંટ અને તિજોરીમાં પુરી દેવા સહિતની સમગ્ર ઘટના સીસીટીવી ફુટેજ મળી આવતા પોલીસે ત્રણેય હિન્દી ભાષી લૂંટારાની ભાળ મેળવવા પોલીસની જુદી જુદી ટીમ બનાવી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ચંપકનગરમાં રહેતા અને ઘર પાસે જ શિવ જવેલર્સ નામની પેઢી ધરાવતા મોહનભાઇ વિરમભાઇ ડોડીયાના શો રૂમે ગઇકાલે બપોરે ત્રણેક વાગે એક બાઇક પર આવેલા ત્રણ શખ્સોએ ગ્રાહકના સ્વાંગમાં ચાંદીની વીંટી જોવા માગી હુમલો કરી પિસ્તોલ જેવું હથિયાર બતાવી તિજોરીમાં પુરી શો રૂમના ડીસ્પે રાખેલા સોના-ચાંદીના ઘરેણા અને રોકડ મળી રૂા.86 લાખની મત્તાની દિલ ધડક લૂંટ ચલાવ્યાની બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

મોહનભાઇ ડોડીયા ચાંદીનું કામ કાજ કરતા હતા અને એકાદ વર્ષ પહેલાં જ સોના-ચાંદીના ઘરેણાનો વ્યવસાય શરૂ કર્યો હતો. પિતા-પુત્ર સિધ્ધાર્થ સાથે જ મળી શો રૂમનું સંચાલન કરતા મોહનભાઇ ડોડીયાના પત્ની કાંતાબેન ઘરેથી ટિફિન લાવ્યા હતા. મોહનભાઇ ડોડીયાએ જમી લીધા પત્ની ઘરે જતા રહ્યા બાદ ત્રણેક વાગે શો રૂમ ખાતે તેઓ છાપુ વાચી રહ્યા હતા ત્યારે બાઇક પર આવેલા ત્રણ શખ્સો પૈકી પહેલાં બે શખ્સ દુકાનમાં આવી ચાંદીની વીટી જોવા માગી હતી તે દરમિયાન ત્રીજો શખ્સ પણ દુકાનમાં ઘસી આવ્યો હતો અને પિસ્તોલ બતાવી કાઉન્ટર કુદી મોહનભાઇ ડોડીયા પાસે ઘસી ગયો હતો તે દરમિયાન અન્ય એક શખ્સ પણ ત્યાં પહોચી માર મારી લમણે પિસ્તોલ તાકી હિન્દી ભાષામાં ‘હીલના મત’ કહી તિજોરીમાં પુરી દીધા હતા. ત્યારે ત્રીજા શખ્સે પણ પિસ્તોલ બતાવી ધમકી દીધી હતી.

 

માત્ર પંદર મિનીટમાં જ ડીસ્પેમાંથી સોના-ચાંદીના ઘરેણા અને રૂ.2.50 લાખ રોકડાની લૂંટ ચલાવી ભાગી ગયા હતા.

લૂંટની ઘટના બાદ કાંતાબેન પોતાના પતિ મોહનભાઇ માટે ચા લઇને આવ્યા ત્યારે શો રૂમમાં વેર વિખેર જોયું હતું. તિજોરીમાં પુરી દેવાયેલા મોહનભાઇ ડોડીયાને બહાર કાઢી પોતાના વેવાઇ જગદીશભાઇ રાઠોડ અને પુત્ર સિધ્ધાર્થને જાણ કરતા તેઓ શો રૂમ ખાતે દોડી આવ્યા હતા. લૂંટની ઘટના અંગે પોલીસને જાણ કરાતા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.

ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને બી ડિવિઝન પોલીસની અલગ અલગ ટીમ બનાવી તપાસ કરતા સમગ્ર લૂંટની ઘટનાના સીસીટીવી ફૂટેજ મળી આવ્યા હતા તેમજ શો રૂમ પાસેથી જ બાઇકની ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું. લૂંટ ચલાવી ત્રણેય હિન્દી ભાષી શખ્સો ચોરાઉ બાઇક પર મોરબી તરફ ભાગી ગયાના ફુટેજ મળતા રાજકોટ પોલીસે મોરબી પોલીસને નાકાબંધી કરવા જાણ કરી હતી પરંતુ હજી સુધી લૂંટારાના સગડ મળ્યા નથી. બી ડિવિઝન પી.આઇ. એમ.બી.ઔસુરાએ લૂંટારા પરપ્રાંતિય હોવાની અને લૂંટ પૂર્વે રેકી કરી લૂંટને અંજામ આપ્યાનું શંકા સાથે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here