Abtak Media Google News

રાજકોટ શહેરને કતારમુક્ત અને ફાટક મુક્ત બનાવવા માટે અનેક ઓવરબ્રિજ અને અંડર બ્રિજ બનાવવાની દરખાસ્તો મંજુર કરવામાં આવી છે. જેમાંથી અમુક પ્રોજેકટ તૈયાર થઈ ચૂક્યા છે તો અમુકનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. તે પૈકી એક આમ્રપાલી અંડરબ્રિજનો પ્રોજેકટ હતો. રૈયા રોડ અને રેસકોર્સ રિંગ રોડ પર થતા ટ્રાફિકના દ્રશ્યોને દૂર કરવા માટે આ પ્રોજેકટ રૂ. 25 કરોડના ખર્ચે આમ્રપાલી અંડરબ્રિજ તૈયાર કરાયો હતો પણ ફક્ત ચાર મહિના પૂર્વે જ પ્રજા માટે ખુલ્લો મુકાયેલા અંડરબ્રિજની ત્રુટીઓના પોપડા સામે આવી રહ્યા છે.

રાજકોટ શહેરના રૈયા રોડ પર આમ્રપાલી ફાટકને કારણે અવાર નવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હતા જેની સીધી અસર રેસકોર્સ રિંગ રોડને પણ થતી હતી ત્યારે ટ્રાફિકજામના પ્રશ્નના કાયમી ઉકેલ માટે અંડરબ્રિજ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. રાજકોટ મહાનગરપાલિકા અને રેલવે વિભાગ દ્વારા સમગ્ર પ્રોજેકટ આગળ ધપાવવામાં આવ્યો હતો.

 

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિર્માણ કાર્ય માટે રૂ. 25 કરોડનું ભંડોળ મંજુર કરવામાં આવ્યું હતું જ્યારે રેલવે તંત્રએ બાંધકામની કામગીરી સંભાળી હતી. પ્રજાના પૈસે ઉભું કરાયેલું અંડરબ્રિજની પરિસ્થિતિ ફક્ત ચાર મહિનામાં કથળી રહી છે. અંડરબ્રિજમાં જે ડામરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેની ગુણવત્તાની ચકાસણી કરવામાં ક્યાંક તંત્ર ઉણું ઉતર્યું હોય તેવું લાગી રહ્યું છે પરિણામે ડામરરૂપી પોપડા ઉખડી રહ્યા છે અને તિરાડો પડવા લાગી છે. અંડરબ્રિજમાં અનેક જગ્યાએ ડામરના પોપડા ઉખડી રહ્યા છે, અનેક જગ્યાએ નાના-મોટા ખાડા પડવા લાગ્યા છે ત્યારે નિર્માણકાર્યમાં ગુણવત્તાને સાઈડલાઈન કરી દેવાયું હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

Whatsapp Image 2021 06 08 At 2.03.06 Pm 1

અધૂરામાં પૂરું અંડરબ્રિજના નિર્માણકાર્ય દરમિયાન આસપાસના રહેણાંક વિસ્તારના નળ કનેક્શન ખુલ્લા કરી દેવામાં આવ્યા હતા. ખોદકામમાં અગ્રેસર રહેનારી રાજકોટ મહાનગરપાલિકા જેમ તેમ થિંગડા મારીને હાથ ઊંચા કરી દેતી હોય તેમ નળ કનેક્શનોના ફરી જોડાણમાં આડેધડ કામગીરી કરી દેવામાં આવી હતી. પરિણામે હાલ નળ કનેક્શનમાંથી પાણીનું લીકેજ થઈને રોડ પર જમા થાય છે જેના કારણે નવનિર્મિત અંડરબ્રિજની બાજુમાં જ ગંદકી ભેગી થાય છે.

અધૂરામાં પૂરું આમ્રપાલી અંડરબ્રિજના નિર્માણ સમયે પાણીના નિકાલની કોઇ યોગ્ય વ્યવસ્થા પર જાણે ધ્યાને જ ન લેવાઇ હોય ગઇકાલની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પમ્પિંગ મશીનરી માટે વધુ રૂ. 35 લાખની જોગવાઈ કરવામાં આવી છે. એક બાજુ ચોમાસુ માથે છે, અંડરબ્રિજમાં પાણીના નિકાલની વ્યવસ્થા નથી અને હવે મનપા મોડી જાગી હોય તેમ  પાણીના નિકાલ માટે આયોજન હાથ ધરવા તૈયારી કરી રહી છે પરંતુ સવાલ એ ઉદ્ભવે છે કે, શું ફક્ત 10 દિવસના સમયગાળામાં કામગીરી પૂર્ણ કરી લેવાશે ?  કે પછી રાજકોટને અંડરબ્રિજના સ્વરૂપમાં ચોમાસા દરમિયાન વધુ એક સ્વિમિંગ પુલ મળશે?

ઉતાવળિયા વિકાસના પોપડા ખર્યા, યોગ્ય ચકાસણી થવી જરૂરી: પ્રદીપ ત્રિવેદી

Whatsapp Image 2021 06 08 At 2.03.06 Pm 2

રાજકોટ શહેર કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ પ્રદીપભાઈ ત્રિવેદીએ કહ્યું હતું કે, રૈયા રોડ પર બનેલો અંડરબ્રિજ પ્રમાણમાં સારો પ્રોજેકટ ગણી શકાય પરંતુ લોકાર્પણ કરવાની ઉતાવળમાં ગુણવતાની બાબત ક્યાંક અભેરાઈએ મુકાઈ ગઈ હોય તેમ બાંધકામ કરી દેવામાં આવ્યું. અગાઉ રાજકોટની પ્રજાએ ગોંડલ રોડ અને રેલનગર અંડરબ્રિજના દ્રશ્યો જોયા છે જેના પ્રમાણમાં આ બાંધકામ સારું થયું પણ મનપા અને રેલવે વિભાગ દ્વારા અંડરબ્રિજના બાંધકામમાં ઉપયોગમાં લેવાયેલા મટીરીયલની ગુણવતા અંગે જે ખરાઈ કરવાની જરૂરિયાત હતી તે ઉતાવળમાં ભુલાઈ ગઈ જેના પરિણામે ઉતાવળિયા વિકાસના પોપડા ઉખડવા મંડ્યા છે. આ મામલે તંત્ર દ્વારા યોગ્ય ચકાસણી કરવી પણ જરૂરી છે તેવું તેમણે ઉમેર્યું હતું.

લીકેજ થતાં આસપાસ ભરાતા પાણી: રહીશોને ભારે હાલાકી

Whatsapp Image 2021 06 08 At 2.03.06 Pm 3

અંડરબ્રિજના નિર્માણ સમયે લોકોના નળ કનેકશન ખુલ્લા કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ લોકાર્પણનો સમય નજીક આવી જતા આડેધડ કનેકશનોના જોડાણ કરીને દાટી દેવામાં આવ્યા હતા પરીણામે હાલ જ્યારે પણ પાણી છોડવામાં આવે ત્યારે લીકેજ થતા પાણી બહાર આવે છે અને અંડરબ્રિજની આસપાસ એકઠો થાય છે જેના કારણે ગંદકી થઈ રહી છે જેના કારણે આસપાસના રહીશોનવા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.  રહીશો રાજકોટ મનપાને આજીજી કરી રહ્યા છે કે, તાત્કાલિક આ બાબતે પગલાં લેવામાં આવે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.