Abtak Media Google News

યાજ્ઞિક રોડ પર સમી સાંજે બનેલી ઘટના : 10-10ની નોટ લેવાની લાલચ યુવાનને મોંઘી પડી : રોકડ સાથે લેપટોપ પણ ચોરાયું : છારા ગેંગની સંડોવણીની શંકા: પોલીસની સઘન તપાસ

રાજકોટના યાજ્ઞિક રોડ કારખાનેદારને તમારા રૂપિયા પડી ગયા તેમ જણાવી ગઠીયા ગેંગે યુવાનની નજર ચુકવી બી.એમ.ડબલ્યૂ કારમાંથી ત્રણ લાખની રોકડ, લેપટોપ, સાથેની બેગ ઉઠાવી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે ત્યારે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ જતા પોલીસે તેના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ ઘટના અંગેની જાણવા મળતી વિગત મુજબ કાલાવાડ રોડ સ્વામિનારાયણ મંદિર સામે હરીહર સોસાયટીમાં રહેતા પ્રજેશ કલ્પેશ દક્ષીણી (ઉ.24)એ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે મોરબીમાં પ્લાસ્ટીકનું કારખાનું ધરાવતા લોહાણા વેપારી પ્રજેશ ગઇકાલે સાંજે પોતાની બી.એમ.ડબલ્યૂ કાર લઇ યાજ્ઞિક રોડ માધવ કોમ્પલેક્સમાં આવેલ મિત્રની નવરંગ મોબાઇલ નામની દુકાને ગયો હતો. મિત્રને મળી સાંજના 6:30 અરસામાં પ્રજેશ દક્ષીણી પોતાની કારમાં બેસવા ગયો હતો ત્યારે એક અજાણ્યો શખ્સ તેમની પાસે આવી ભાઇ તમારા રૂપિયા પડી ગયા છે તેમ જણાવ્યું હતું.કારખાનેદાર યુવાને અજાણ્યા શખ્સની વાતચીતમાં આવી જઇ રોડ પર નજર કરતા રૂા.10-10ની નોટો રોડ પર પડી હતી જે લેવા જતા બીજીબાજુ ગઠીયાએ કારમાં પડેલ રૂા.3 લાખની રોકડ, લેપટોપ અને અગત્યના કાર્ડ સાથેની આખી બેગ ગઠીયા ગેંગ ઉઠાવી ગઇ હતી.

આ ઘટનાની પોલીસને જાણ થતા  એ-ડીવીઝન પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઇ તપાસ કરતા સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઇ ગઇ હતી જેમાં ત્રણ આરોપીઓ નજરે પડતા હોય પોલીસે ત્રણેય ગઠીયાની સઘન શોધખોળ હાથ ધરી છે.  યાજ્ઞિક રોડ પર બનેલી ઘટના બાદ કારખાનેદારનો થેલો કાલાવાડ રોડ પરથી રેઢો મળ્યો હતો જ્યારે ચોરીમાં છારા ગેંગની સંડોવણીની શંકાના આધારે પોલીસે બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન સહિતના સ્થળોએ વોંચ ગોઠવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.