Abtak Media Google News

રાજકોટમાં એક દિવસમાં વધુ ૧૪ને કોરોના ભરખી ગયો : જામનગર જિલ્લામાં પણ ૧૨ના મોત

રાજકોટમાં બપોર પછી વધુ ૩૦ પોઝિટિવ કેસ સાથે કુલ આંક ૨૫૦૦, ગ્રામ્યમાં ૩૧ સંક્રમિત સાથે કુલ કેસ ૧૨૪૮

સૌરાષ્ટ્રભરમાં કોરોના બેકાબુ બની રહ્યો છે. પોઝિટિવ કેસની સંખ્યા સાથે મૃત્યુદર પણ નવી ટોચ પર નોંધાઈ રહ્યો છે. તેમાં પણ સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટ જિલ્લામાં કોરોના ફફડાટ મચાવી રહ્યો છે. આજ રોજ એક દિવસમાં રાજકોટ શહેરના ૬ સહિત કુલ ૧૪ દર્દીઓના કોરોનાએ ભોગ લીધો છે. અને વધુ ૩૦ પોઝિટિવ કેસની સાથે કુલ ૨૫૦૦ કોરોનાગ્રસ્ત પર આંક પહોંચ્યો છે. જામનગરમાં પણ ગઈ કાલે ૧૨ દર્દીઓએ કોરોના સારવારમાં દમ તોડ્યો છે. અને જિલ્લામાં વધુ ૭૪ પોઝિટિવ કેસ નોંધાયા છે.

સૌરાષ્ટ્રભરમાં કોરોના બેફામ વધી રહ્યો છે. આજ રોજ ફરી જુદા જુદા જિલ્લામાં ૩૨૮ પોઝિટિવ કેસ અને ૩૪ દર્દીઓના મોત નિપજ્યા છે. જેમાં સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટમાં કોરોનાનો પંજો વિકરાળ થતો જોવા મળી રહ્યો છે. એક દિવસમાં શહેરી વિસ્તારમાં  સારવાર લેતા  ૬ દર્દીઓને કોરોના ભરખી ગયો છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારના ૨, સોમનાથ જિલ્લાના ૨, મોરબી-જૂનાગઢ-સુરેન્દ્રનગર-પોરબંદરના સારવાર લઈ રહેલા દર્દીઓના રાજકોટની જુદી જુદી  હોસ્પિટલમાં મોત નિપજતા કુલ ૧૪ વ્યક્તિઓ કોરોના સામે જિંદગીની જંગ હારી ગયા છે. રાજકોટમાં મોતની સંખ્યા સાથે કોરોના સંક્રમિતના આંક પણ ટોચ પર નોંધાઈ રહ્યો છે. ગઈ કાલે બપોર પછી પણ વધુ ૩૦ પોઝિટિવ કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા ૨૫૦૦ પર પહોંચી છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ગઈ કાલે વધુ ૩૧ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ આંક ૧૨૪૮ પર પહોંચ્યો છે. ગઈ કાલે તંત્ર દ્વારા વધુ ૩૪૫૧ જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી શહેરના ૬૦, ગ્રામ્યના ૩૧ અને અન્ય જિલ્લાઓના ૧૧ પોઝિટિવ કેસ નોંધાયા છે.

રાજકોટ શહેરની જેમ ગોંડલ તાલુકામાં પણ દિન પ્રતિદિન કોરોના બેફામ બન્યો છે. ગઈ કાલે વધુ ૨૯ કોરોના સંક્રમિત કેસ અને બે દર્દીઓને કોરોના ભરખી ગયો છે. ગોંડલ તાલુકામાં કોરોનાના અત્યાર સુધી કુલ ૫૧૪ પોઝિટિવ કેસ નોંધાયા છે. અને ૩૭ દર્દીઓના મોત નિપજ્યાનું જાણવા મળ્યું છે.

સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં પણ કોરોના ખતરનાક સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. જેમાં જામનગર જિલ્લામાં ગઈ કાલે કોરોનામાં ૧૨ દર્દીઓના ભોગ લેવાયાનું જાણવા મળ્યું છે. અને વધુ ૭૪ પોઝિટિવ કેસ નોંધાયા છે. જામનગર જિલ્લામાં અત્યાર સુધી કોરોના સંક્રમિત કેસની સંખ્યા ૧૭૧૫ પર પહોંચી છે. જુનાગઢ જિલ્લામાં પણ કોરોના માથુ ઊંચકી રહ્યો છે. શહેરમાં ૧૩, કેશોદમાં ૩, ભેસાણમાં ૩, માણાવદરમાં ૨, માળિયા હાટીનામાં ૨ સહિત કુલ ૩૨ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. અમરેલી જિલ્લામાં એક દિવસમાં વધુ ૨૯ કોરોના પોઝિટિવ કેસ સાથે કુલ આંક ૯૮૯ પર પહોંચ્યો છે. મોરબી જિલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યું હોય તેમ ૨૦ લોકો વાયરસની ઝપટે ચડી ચુક્યા છે. ગીર સોમનાથ જિલ્લામાં વધુ ૧૫ કોરોનાગ્રસ્ત દર્દી નોંધાયા છે. દ્વારકા અને પોરબંદર જિલ્લામાં પણ કોરોના પંજો કસી રહ્યો હોય તેમ ક્રમશ: ૯ અને ૮ કોરોના સંક્રમિત જાહેર થયા છે.

રાજકોટમાં ૨૨ કોરોનાગ્રસ્ત દર્દીઓ વેન્ટિલેટર પર

અમદાવાદ બાદ સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં પણ કોરોના દહેશત ફેલાવી રહ્યો છે. શહેરની સિવિલ હોસ્પિટલમાં અને ખાનગી હોસ્પિટલમાં કોરોના કોવિડની સારવાર લઈ રહ્યા છે. જેમાં સિવિલ હોસ્પિટલમા ૩ અને ખાનગી હોસ્પિટલમાં ૧૯ દર્દીઓની સ્થિતિ કફોડી બનતા તેઓને વેન્ટિલેટર પર સારવાર આપવામાં આવી રહી છે. છેલ્લા સપ્તાહમાં ૨૨ દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામા આવ્યા છે. જે સૌથી વધુ વેન્ટિલેટર પર સારવાર લેનારા દર્દીઓની સંખ્યા નોંધાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.