સૌરાષ્ટ્રમાં ત્રીજી લહેરના આરંભે કોરોના થયો ભૂરાયો: 418 કેસ નોંધાયા

અડધો અડધ કેસ રાજકોટ જિલ્લામાં: ભાવનગર- જામનગરમાં પણ વકરતો વાયરસ

કોરોના વકરતા લોકલ ટ્રાન્સમિશનનો પ્રારંભ: આરોગ્ય અધિકારીઓની રજાઓ રદ

 

અબતક-રાજકોટ

સૌરાષ્ટ્રમાં ત્રીજી લહેરના આરંભે કોરોના જાણે ભૂરાયો થયો હોય તેમ પોઝિટિવ કેસની સંખ્યા ખૂબ ઝડપથી વધી રહ્યા છે. જેમાં ગઈ કાલે સૌરાષ્ટ્રમાં કુલ 418 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાં અડધો અડધ એટલે કે 224 કેસ માત્ર રાજકોટ જિલ્લામાં જ નોંધાતા લોકોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

ત્રીજી લહેરનાં આગમન સાથે રાજયમાં વીકરાળ સ્વરુપ કોરોનાએ ધારણ કર્યુ  છે. જેમાં   દેશ અને ગુજરાતમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશનનાં તબકકાનો પ્રારંભ થઇ ચુકયો છે. એક સપ્તાહ પુર્વે જે શહેર અને જીલ્લામાં કોરોનાનુ નામ નીશાન નહોતુ ત્યા પણ કોરોનાએ મજબુત પગ પેસરો કર્યો છે.  તેમજ  શહેરોમાં 3 થી 4 ગણો કેસમાં વધારો જોવા મળે છે. અમદાવાદ અને સુરત હોટ સ્પોટ બની રહયા છે. ત્યારે તંત્ર કોરોનાને  નીયંત્રણમાં મેળવવા ઉંધા માથે થઇ રહયુ છે. સાથે સાથે  આરોગ્યનાં તમામ અધીકારી અને કર્મચારીઓની તાત્કાલીક અસરથી રજાઓ રદ કરી ફરજ પર હાજર થવા આદેશ કરવામાં આવ્યો છે.

સૌરાષ્ટ્રમાં ગઈ કાલે કુલ 418 લોકોના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાં રાજકોટ શહેરમાં 183 અને ગ્રામ્યમાં 41 કેસ પોઝિટિવ આવ્યા છે. જ્યારે ભાવનગર અને જામનગર જિલ્લામાં પણ વકયર્સ વકરતો દેખાઈ રહ્યો છે. જેમાં ભાવનગર જિલ્લામાં 40 કેસ પોઝિટિવ નોંધાયા છે. તો જામનગરમાં પણ કેસમાં ઉછાળો નોંધાયો છે. જેમાં જામનગર શહેરમાં 30 અને ગ્રામ્ય વિસ્તારમાં 3 કેસ નોંધાયા છે.

જૂનાગઢ શહેરમાં કોરોનાનો વિસ્ફોટ થયો હોય તેમ એક જ દિવસમાં 30 કોરોના પોઝિટીવ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. આ સાથે જિલ્લામાં કુલ 32 કેસ નોંધાયા છે જ્યારે 16 દર્દીએ કોરોનાને મ્હાત આપતા તેને ડિસ્ચાર્જ કરાયા છે.

તો બીજી તરફ સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં પણ કોરોના કેસની સંખ્યા વધી રહી છે. જેમાં મોરબી અને દેવભૂમિ દ્વારકામાં વધુ 18-18 કેસ પોઝિટિવ આવ્યા છે. જ્યારે ઝાલાવાડ સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ 17લોકો કોરોના સંક્રમિત થયા છે. અમરેલી જિલ્લામાં વધુ 16 કેસ તો બીજી તરફ ગીર સોમનાથ જિલ્લામાં 15 કેસ પોઝિટિવ કેસ નોંધાયા છે. પોરબંદરમાં હજુ કોરોના પર કાબુ દેખાઈ રહ્યો છે જ્યાં છેલ્લા 24 કલાકમાં 5 લોકો કોરોનાની ઝપટે ચડ્યા છે.

રાજકોટ-મુંબઇની સવારની ફલાઇટ 14મી સુધી રદ કરાઇ

કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો હોય એર ઇન્ડિયા દ્વારા રાજકોટ-મુંબઇ વચ્ચે સવારથી ફલાઇટ 14મી જાન્યુઆરી સુધી રદ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. એર ઇન્ડિયાની ફલાઇટ રોજ સવારે 6.10 કલાકે રાજકોટ આવે ે અને 6.40 કલાકે મુંબઇ જવા માટે ફરી ઉડાન ભરે છે. કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો હોય તકેદારીના ભાગરુપે એર ઇન્ડિયા દ્વારા આગામી 14મી જાન્યુઆરી સુધી રાજકોટ-મુંબઇ વચ્ચેની સવારની ફલાઇટ રદ કરવામાં આવી છે જો કે સાંજની ફલાઇટ ચાલુ રાખવામાં આવી છે.

રાજકોટ શહેર અને ગ્રામ્યમાં  કોરોનાનો વિસ્ફોટ: રર4 કેસ

 રાજકોટ અને મોરબી  જીલ્લામાં આજે કોરોનાએ કહેર મચાવ્યો છે. રાજકોટ શહેર અને  ગ્રામ્યમાં રર4 નવા કેસ દર્દી નોંધાયા છે. રાજકોટ સીટીમાં 183 અને ગ્રામ્યમાં છેલ્લા ર4 કલાકમાં નવા 41 લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. જેમાં ધોરાજી તાલુકાનાં જમનાવાડ ,મોટી મારડ , સુપેડી, તોરણીયા ,ઝાંજમેર, મોટી પરબડી , ગોંડલ સીટીમાં, જામકંડોરણાનાં ચરેડ અને ધોરીધાર, જસદણનાં ખારચીયા અને આટકોટ, જેતપુર, લોધીકાનાં હરીપર પાળ અને ઉપલેટાનાં ભાયાવદરમાં નવા કેસ નોંધાયા છે.