સુરતમાં બુલેટ ઉપર સ્ટંટ કરી રૌફ જમાવનાર બન્ને શખ્સોને બે હાથ જોડાવતી પોલીસ

રાત્રીના સમયે વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર શખ્સ સામે અમરોલી પોલીસે હાથ ધરી કડક કાર્યવાહી

અબતક, રાજકોટ : સુરતમાં કાયદાને ખુલ્લેઆમ પડકાર ફેંકતો વધુ એક વિડીયો વાયરલ થયો હતો. બુલેટ સવાર બે મિત્ર પૈકી ચાલકની ઉપર બીજા બેસી સિગારેટ પી રહ્યો છે અને બીજા હાથમાં રિવોલ્વર જેવું હથિયાર સાથે જોખમી સ્ટંટ કરી રહ્યો હતો. જેને પગલે દોડતી થયેલી અમરોલી પોલીસે બંને સ્ટંટબાજ મિત્રોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કોરોનાનું સક્રમણ પુનઃ વધી રહ્યું હોવાથી રાત્રે 11થી સવારે 5 વાગ્યા સુધી કરફ્યૂ લાદ્દવામાં આવ્યો છે. પરંતુ રાત્રી કરફ્યૂ વચ્ચે સોશ્યિલ મિડીયામાં એક વિડીયો વાયરલ થયો હતો. વિડીયોમાં બે મિત્રો બુલેટ બાઈક પર કરફ્યૂના સમયમાં લટાર મારવા નીકળે છે. બે પૈકી એક બાઇક ચલાવે છે અને બીજો તેના ખભા પર બેસી સિગારેટ પી રહ્યો છે અને બીજા હાથમાં રિવોલ્વર જેવું ઘાતક હથિયાર નજરે પડી રહ્યું છે.

જેને પગલે દોડતી થયેલી અમરોલી પોલીસે વિડીયો અમરોલી-સાયણ રોડનો હોવાનું અને ચાલક ભરત પ્રવીણ ગઢવી (રહે. અંબિકાનગર, ગુ.હા. બોર્ડ, અમરોલી) અને તેના ખભા પર બેસનાર નાગાજણ ઉર્ફે નીજ હરદાસ અડોદરા (રહે. હરિધામ એપાર્ટમેન્ટ, અમરોલી) હોવાનું શોધી કાઢી તેઓની ધરપકડ કરી છે.

શખ્સના હાથમાં ફટાકડી નહિ લાઈટર હતું!!

બંને શખ્સની પૂછપરછમાં વિડીયો 14 ડિસેમ્બરની રાત્રે ઉતાર્યો હોવાનું સામે આવ્યું હતું. અને આ વીડિયો 26 ડિસેમ્બરે સોશ્યિલ મિડીયામાં અપલોડ કર્યો હતો. જયારે હાથમાં નજરે પડી રહેલી રિવોલ્વર જેવું ઘાતક હથિયાર નહીં પરંતુ લાઇટર હોવાની તેઓએ કબૂલાત કરી હતી.

હર્ષ સંઘવીએ ટ્વીટ કર્યું, “અમે આવી ઘટનાને ગંભીરતાથી લઈએ છીએ”

સુરતની આ ઘટનાને લઈને એવા આક્ષેપો થઈ રહ્યા હતા કે ગૃહમંત્રી હર્ષ સંઘવીના શહેરમાં કાયદાઓનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. જો કે આ બન્ને શખ્સની પોલીસે ધરપકડ કર્યા બાદ હર્ષ સંઘવીએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે અમે બન્ને શખ્સોને પકડ્યા છે. અમે આવા ગુનાઓ પર ખૂબ જ ગંભીર છીએ.