- ઝાલાવાડ પંથકમાં સ્ટેટ મોનીટરીંગ સેલના ધામા
- રૂ.5.41 લાખની રોકડ સહિત કુલ રૂ.23.05 લાખનો મુદ્દામાલ કબ્જે : પાંચ શખ્સોની શોધખોળ
સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ઝાલાવાડ પંથકમાં ધામા નાખ્યા હોય તેમ એક બાદ એક દરોડા એસએમસી પાડી રહી છે. હજુ બે દિવસ પૂર્વે મુળી પોલીસ સ્ટેશનની હદમાં આવતા સાંગધ્રા ગામની સીમમાંથી દારૂની 42,300 બોટલ ઝડપી લીધા બાદ હવે સુરેન્દ્રનગર શહેરમાંથી ઘોડી પાસાની જુગાર ક્લબ ઝડપી લેવામાં આવી છે. ક્લબમાં નસીબ અજમાવવા ગયેલા રાજકોટના ત્રણ ખેલીઓ સહીત કુલ નવ શખ્સોની ધરપકડ કરી પાંચ લાખની રોકડ સહીત રૂ. 23.05 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે જયારે અન્ય પાંચ શખ્સોની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે.
સ્ટેટ મોનીટરીંગ સેલના વડા નિર્લિપ્ત રાય અને ડીવાયએસપી કે ટી કામરીયાની દારૂ-જુગારની બદ્દી ડામવા આપવામાં આવેલી સૂચના અનુસંધાને એસએમસીની જુદી જુદી ટીમો કાર્યરત હતી. દરમિયાન પીએસઆઈ એસ વી ગળચરની ટીમને બાતમી મળી હતી કે, સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ મથક હેઠળ આવેગ આંબેડકરનગર વિસ્તારમાં જુગારક્લબ ધમધમી રહી છે. જે બાતમીના આધારે એસએમસી ટીમ સુરેન્દ્રનગર દોડી ગઈ હતી.
એસએમસીની ટીમે સુરેન્દ્રનગરના આંબેડકરનગર વિસ્તારમાં મનસુખ ઉર્ફે ચકો રણછોડભાઈ ઉર્ફે બાબુભાઈ પરમારના રહેણાંક મકાનમાં દરોડો પાડતા જુગારધામના પાટલા માંડનાર મનસુખ ઉર્ફે ચકો હાજરમાં મળી આવ્યો હતો. આ ઉપરાંત આઠ ખેલીઓ પણ ઝડપાયા હતા. જેમાં સુરેન્દ્રનગરના અમિત કાનજીભાઈ રાઠોડ, રામા રાણાભાઈ ગમારા, વિશાલ વિનોદભાઈ મઢવી અને રમેશ જશવંતભાઈ રાઠોડ તેમજ રાજકોટના ચાર ખેલીઓ દિપક ધનજીભાઈ દાફડા (આંબેડકરનગર, રાજકોટ), ચંદુ કરશનભાઈ મહિડા (આંબેડકરનગર, રાજકોટ), કુલદીપસિંહ રણજીતસિંહ રાઠોડ(માધાપર ચોકડી,રાજકોટ) અને ભુપત દેવાભાઇ બોરીચા(ભગવતીપરા, રાજકોટ) એમ કુલ નવ શખ્સોંની રૂ. 5,41,320ની રોકડ તેમજ નવ મોબાઈલ, સાત વાહની સહીત રૂ. 23,05,590ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.
ઉપરાંત દરોડા દરમિયાન હાજર નહિ મળી આવેલ સુરેન્દ્રનગરના રાજુ ડાંગર, પ્રદીપ ઉર્ફે પદો કાનજીભાઈ સોલંકી અને કાના ખત્રી તેમજ જામનગરના તેજસિંહ અને ચોટીલાના રવિભાઈની શોધખોળ શરૂ કરવામાં આવી છે.