વિધર્મી સાથે લગ્નના કિસ્સામાં આણંદ પોલીસે ફરિયાદ ન લેતા પિતા હાઈકોર્ટ પહોંચ્યા

દીકરીને લગ્નની લાલચ અને ધર્મ પરિવર્તન કરાયાની આશંકા સાથે કરાઈ હતી ફરિયાદ

લવ જેહાદ કેસ મુદ્દે હાઈકોર્ટમાં રજૂઆતની વધુ એક કેસ બન્યો છે. આ મામલે કોર્ટે જરુરી વહીવટી તંત્રો પાસે વિગતો રજૂ કરવા માટે જણાવ્યું છે. એક વ્યક્તિએ ગુજરાત ધર્મ પરિવર્તન સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમ 2021 અંતર્ગત ફરિયાદ પોલીસ દ્વારા સ્વીકારવામાં ના આવતા હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી.

અરજદાર મોહમ્મદ સૈયદની ફરિયાદ આણંદ પોલીસ દ્વારા સ્વીકારવામાં ના આવ્યા બાદ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. જેમાં મોહમ્મદ સૈયદે રજૂઆત કરી છે કે, આણંદ જિલ્લા પોલીસે તેમની ત્રણ મહિના જૂની ફરિયાદ નોંધી નથી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, તેમની દીકરીનું અપહરણ કરવામાં આવ્યું અને લગ્ન પછી તેને બળજબરી હિન્દુ ધર્મ અપનાવવા માટે કહેવામાં આવી રહ્યું છે. જસ્ટીસ ઈલેશ જે વોરાએ સહાયક સરકારી વકીલને 24 જૂન, 2021 ના રોજ ફરિયાદીએ આણંદના એસપીને કરેલી ફરિયાદના કેસમાં પોલીસ પાસે વિગતો મેળવવા જણાવ્યું છે.આ કેસની વધુ સુનાવણી હાઈકોર્ટ દ્વારા 27 ઓક્ટોબરના રોજ હાથ ધરવામાં આવશે.

અરજકર્તાએ જણાવ્યું કે, તેમની દીકરી 16 જૂન 2021 ના રોજ ગુમ થઈ ગઈ હતી, આ પછી તેમને જાણવા મળ્યું કે, યુવકે તેમની દીકરીને લગ્નની લાલચ આપી હતી અને “બળજબરીથી તેનો ધર્મ બદલવામાં આવ્યો”.

મોહમ્મદે પોતાની દીકરી વિધર્મી સાથે ગયાના કિસ્સામાં ગુજરાત ધર્મ પરિવર્તન સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમ 2021 હેઠળ ખંભાતના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેવા માટે જણાવ્યું હતું.

જોકે, પોલીસે આ કેસમાં ફરિયાદ નોંધવાના બદલે સ્ટેશન ડાયરીમાં માત્ર તેની એન્ટ્રી જ કરી હતી, એટલે કે પોલીસ દ્વારા આ કેસમાં એફઆઈઆર નોંધવામાં ના આવી હોવાનો મોહમ્મદ સૈયદનો આક્ષેપ છે. અરજકર્તાએ પોતાના ઘરમાં બનેલી ઘટના અંગે આણંદના એસપી અને કલેક્ટર બન્નેને રજૂઆત કરી હતી.ગુજરાત ધર્મ પરિવર્તન સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમ 2021 અંતર્ગત બળજબરીથી અથવા છેતરપિંડીથી ધાર્મિક પરિવર્તન કાયદાની વિરુદ્ધમાં છે. આ કાયદાને લઈને અનેક સવાલો અને પ્રશ્નો ઉઠ્યા બાદ તેના વિશે હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી. જેના આધારે ગુજરાત હાઈકોર્ટે કેટલીક જોગવાઈઓ પર રોક લગાવી છે.