અંતે પ્રેક્ટિસ મેચમાં રાહુલે ‘ઝલક’ દેખાડી!!

રાહુલે સદી ફટકારી ટેસ્ટ સિરીઝ માટે ટીમ સિલેકશનમાં સિલેક્ટર્સને મુંજવણમાં મુક્યા!!

ઇંગ્લેન્ડ સામે રમાનારી ટેસ્ટ સીરીઝ પૂર્વે રાહુલે સિલેક્ટ કાઉન્ટી ઇલેવમ રમતા સેન્ચ્યુરી ફટકારી હતી અને ભારતીય ટેસ્ટ ટીમમાં પોતાની દાવેદારી રજુ કરી હતી. પાંચમા નંબરે બેટિંગ કરતા રાહુલે ૧૦૧ રનની ઇનિંગ રમી હતી ઉપરાંત રવિન્દ્ર જાડેજાએ પણ ધારદાર ૭૫ રનની ઇનિંગ રમી હતી. આની સાથે જ ત્રણ દિવસીય મેચમાં ભારતે પ્રથમ દિવસે જ નવ વિકેટની નુકશાનીએ ૩૦૬ રન ઊભા કર્યા હતા. રાહુલે ૧૫૦ બોલમાં ૧૧ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૧૦૧ રન બનાવ્યા હતા ત્યાં જાડેજાએ ૧૪૬ બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૭૫ રન ફટકાર્યા હતા. જાડેજા અને રાહુલે પાંચમી વિકેટ માટે ૧૨૭ રનની ભાગીદારી કરી હતી. ભારતીય ટીમ આ મેચમાં વિરાટ કોહલી અને અજિંક્ય રહાણે વિના જ મેદાનમાં ઉતરી હતી.

જો કે, આ મેચમાં ભારતનું ટોપ ઓર્ડર બિલકુલ નિષ્ફળ સાબિત થયું હતું. કાર્યકારી કેપ્ટન રોહિત શર્મા ફક્ત નવ રન કરીને પેવેલિયન પરત ફર્યા હતા. ત્યારે મયંક અગ્રવાલ પણ કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો ન હતો. અગ્રવાલ ૨૮ રન બનાવી આઉટ થયો હતો. જ્યારે પુજારાએ ૨૧ રને વિકેટ ગુમાવી હતી. હનુમા વિહારીએ પણ ૨૪ રન કરી પેવેલીયન પરત ફરવું પડયું હતું. આ તમામ ખેલાડીઓમાં ફક્ત મયંક અગ્રવાલએ જ ઝડપથી રન કર્યા હતા.

કાઉન્ટી ટીમો માટે રમી રહેલા ભારતીય બોલર આવેશ ખાનની બોલિંગ પર અગ્રવાલે અમુક મોટા શોટ પણ લગાવ્યા હતા. જે બાદ લિંડન જેમ્સના બોલ પર અગ્રવાલ આઉટ થયો હતો. મેચના શરૂઆતમાં રોહિત સારા ફોર્મમાં દેખાઈ રહ્યો હતો પરંતુ શોર્ટ પિચ બોલ પર રોહિતે વિકેટ ગુમાવી હતી. ચેતેશ્વર પૂજારા તેના અંદાજમાં બેટિંગ કરી રહ્યો હતો પરંતુ ઓફ સ્પિનર જેક કાર્સનના બોલમાં બ્લોક કરવા જતાં ક્રિઝની બહાર નીકળી જતા સ્ટમપિંગનો શિકાર થયો હતો.

વિહારીએ પણ ક્રિઝ પર સારો સમય વિતાવ્યો હતો. ડાબોડી સ્પિનર નિયમ પેટરસનના બોલ પર મોટો શોટ લગાવવાની કોશિશમાં વિહારી કેચ આઉટ થયો હતો.

પ્રથમ દિવસની રમત કે.એલ. રાહુલ અને રવિન્દ્ર જાડેજાના નામે રહી. આ બંને ખેલાડીઓએ ખૂબ સારું પ્રદર્શન કર્યું. રાહુલે મેદાનમાં ચારેબાજુ શોટ લગાવ્યા અને ૧૫મી સદી પૂર્ણ કરી. દરમિયાન પેટરસન વાઈટના બોલ પર તેણે છગગો લગાવ્યો અને ત્યારબાદ ચોગ્ગો ફટકારી સદી પૂર્ણ કરી. આ સદીના આધારે રાહુલ ફક્ત ઓપનિંગ જ નહીં પરંતુ મિડલ ઓર્ડરમાં પણ રમવાની કુશળતા ધરાવે છે તેવું સાબિત કરી બતાવ્યું. રાહુલના પ્રદર્શનને કારણે હવે ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણે ઉપર પણ દબાણ આવશે અને સિલેક્ટર્સ ટીમ સિલેકશનમાં ચોક્કસ મૂંઝવણ અનુભવશે.