- આ ઉપકરણ માછલીને માછીમારોની જાળથી દૂર રાખશે
- 3,000થી 5,000 ની કિંમતમાં થશે ઉપલબ્ધ
છેલ્લા કેટલાક વર્ષોમાં ડોલ્ફિન સંરક્ષણ પ્રયાસોના સારા પરિણામો મળ્યા હોવાથી ગુજરાત ડોલ્ફિન માટે નવા ઘર તરીકે વિકસ્યું છે. ડોલ્ફિન ગુજરાતના દરિયાના પર્યાવરણીય સંતુલન જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, શિકારી નિયંત્રણ, ઇકોસિસ્ટમ એન્જિનિયર અને દરિયાઈ સ્વાસ્થ્યના સૂચક તરીકે સેવા આપે છે. તેઓ ડોલ્ફિન-નિરીક્ષણ પર્યટન દ્વારા સ્થાનિક અર્થતંત્રને ટેકો આપે છે, આવક અને રોજગારીનું સર્જન કરે છે, અને સ્વસ્થ માછલીઓની વસ્તી જાળવી રાખીને માછીમારી ઉદ્યોગમાં ફાળો આપે છે.
પરંતુ ડોલ્ફિન કિનારા પર આવી જતી હોવાના કારણે ઘણી વાર અન્ય માછલાઓની સાથે ડોલ્ફિન પણ માછીમારોની જાળમાં ફસાઈ જતી હોય છે. યુએસ નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશને ભારતને માછલી પકડતી વખતે આ દરિયાઈ સસ્તન પ્રાણીઓના સંરક્ષણ કરવા માટે પ્રોત્સાહન આપ્યું છે.
ડોલ્ફિનના સંરક્ષણ માટે ICAR CIFT (સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિશરીઝ ટેકનોલોજી) કોચીન ડોલ્ફિન પિંજર નામનું સ્વદેશી ઉપકરણ તૈયાર કરવાના અંતિમ તબક્કામાં છે.જે આ દરિયાઈ સસ્તન પ્રાણીઓને માછીમારીના સાધનોથી દૂર રાખે છે અને મહત્વપૂર્ણ દરિયાઈ પ્રાણીના સંરક્ષણમાં મદદ કરે છે. ડોલ્ફિન સંરક્ષણ માટે પિંજર વિશ્વભરમાં એક માન્ય ઉપકરણ છે. ભારતમાં ઉપયોગ માટે, તેને યુરોપ અને અન્ય દેશોમાંથી આયાત કરવું પડતું હતું. અને એક માછીમાર માટે તેની કિંમત લગભગ 15,000 રૂપિયા હતી.
ભારતમાં સરેરાશ માછીમારીના સાધનોના અસરકારક પરિણામો માટે 6 થી 10 આવા ઉપકરણોની જરૂર પડે છે. CIFTના વૈજ્ઞાનિક પ્રજીત કેકેએ જણાવ્યું હતું કે, “પિંજર એક નાનું ઉપકરણ છે જે ડોલ્ફિનને સંભળાય તેવી આવર્તન પર અવાજ ઉત્સર્જિત કરે છે. આ અવાજ તેમને હેરાન કરે છે અને તેઓ માછીમારીના સાધનોથી દૂર જાય છે.” પ્રજીતના મતે, કેન્દ્ર સરકારની વિવિધ સંસ્થાઓ દરિયાઈ સસ્તન પ્રાણીઓના સંરક્ષણ પર કામ કરી રહી છે, અને CIFTનો ઉદ્દેશ દરિયાઈ સસ્તન પ્રાણીઓની માછીમારી પ્રણાલીઓ સાથેની ક્રિયાપ્રતિક્રિયાઓનો અભ્યાસ કરવાનો છે.
ICAR-CIFT ના ડિરેક્ટર જ્યોર્જ નિનાને જણાવ્યું હતું કે, “અમે ઓછી કિંમતના સ્વદેશી પિંજર વિકસાવવા માટે એક પ્રોજેક્ટ હાથ ધર્યો છે. અમે ડિઝાઇનને અંતિમ સ્વરૂપ આપ્યું છે અને એક પ્રોટોટાઇપ વિકસાવવામાં આવ્યો છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશન ટેકનોલોજી, ચેન્નાઈએ કેટલાક પરીક્ષણો હાથ ધર્યા અને ફેરફારો સૂચવ્યા. અમે હવે આ ફેરફારોનો સમાવેશ કરી રહ્યા છીએ.”
વૈજ્ઞાનિકોના મતે, આ ઉપકરણ માછીમારોને 3,000 થી 5,000 રૂપિયાની વચ્ચે મળશે. ડિઝાઇનને અંતિમ સ્વરૂપ આપ્યા પછી, સંસ્થા માછીમારોને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે પણ તાલીમ આપશે. પ્રાજીત કે કે.એ ઉમેર્યું હતું કે આ ઉપકરણ માછીમારીની જાળ સાથે ડોલ્ફિનની ક્રિયાપ્રતિક્રિયાને કારણે માછીમારોને થતા નુકસાનને રોકવામાં પણ મદદ કરશે. માછીમારીની જાળ સાથે ડોલ્ફિનની ક્રિયાપ્રતિક્રિયાને કારણે , માછીમારોને ક્યારેક તેમના પકડેલા માછલીઓ છોડવા પડે છે અને તેમની જાળને પણ નુકસાન થાય છે.
જાગૃતિ વધતાં, આયાતી પિંજર દક્ષિણપશ્ચિમ કિનારાના માછીમારોમાં પહેલેથી જ લોકપ્રિય છે. વન વિભાગના તાજેતરના સર્વે મુજબ, સર ક્રીકથી ખંભાતના અખાત સુધીનો ગુજરાતનો કિનારો હવે 678 હિંદ મહાસાગરના હમ્પબેક ડોલ્ફિનનું ઘર છે.