Abtak Media Google News

Table of Contents

 

59.47 ટકા મતદાન નોંધાયુ: કોઇ અનિચ્છનીય બનાવ ન બનતા તંત્રએ રાહતનો દમ લીધો

 

જુનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભાની બેઠકો માટે યોજાયેલ મતદાન માટે જિલ્લા વહીવટી તંત્રનું 82 % નું ટાર્ગેટ હતું. પરંતુ ક્યાંક અને ક્યાંક લગ્નની સિઝન સહિતની અનેક બાબતો મતદારોને નડી હતી અને 2017 ની ચૂંટણી કરતા 3.62 ટકા મતદાન ઓછું થતા જુનાગઢ જિલ્લાનું કુલ મતદાન 59.47 ટકા થયું હતું.ગઈકાલે જુનાગઢ જિલ્લાની જુનાગઢ, માણાવદર, કેશોદ, માંગરોળ અને વિસાવદર વિધાનસભાની શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન પ્રક્રિયા યોજાય હતી. સવારે 8 વાગ્યે શરૂ થયેલ મતદાન સાંજના પાંચ વાગ્યે પૂર્ણ થયું હતું. ત્યારે કોઈ જ અનિચ્છનીય ઘટના કે ચૂંટણી પ્રક્રિયામાં કોઈ પણ જાતની ખલેલ ન આવતા તંત્રએ રાહતનો દમ લીધો હતો.

જો કે તંત્રની અપેક્ષા મુજબ મતદાન થયું ન હતું, તંત્રએ આ વર્ષે 82 % મતદાન થાય તેવો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો હતો. અને તે માટે ખૂબ સારા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. પરંતુ એક તરફ લગ્નની સીઝન અને બીજી તરફ કોઈને કોઈ કારણોસર ગત વિધાનસભાની ચૂંટણી કરતા આ વર્ષે 3.62 ટકા મતદાન ઓછું થયું હતું અને માત્ર 59.47 ટકા મતદાન થવા પામ્યું હતું.જુનાગઢ જિલ્લાની પાંચ બેઠકોની મતદાન પ્રક્રિયામાં થયેલ મતદાનના આંકડા જોઈએ તો, જૂનાગઢની બેઠક ઉપર 55.82 %, માણાવદરની બેઠક માટે 61.16 %, માંગરોળની બેઠક માટે 63.38 %, વિસાવદરની બેઠક માટે 56.10 % અને કેશોદ ની બેઠક માટે 61.91 % જેટલું મતદાન થયું હતું.જુનાગઢ શહેર સહિત જિલ્લામાં ગઈકાલે સવારે 8 વાગ્યાથી શરૂ થયેલા મતદાન પ્રક્રિયાની શરૂઆતના બે કલાક દરમિયાન ખૂબ જ ધીમી રહેવા પામી હતી અને 8 થી 9 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. ત્યારબાદની બે કલાકોમાં પણ મતદાનના ખૂબ જ ધીમો રહ્યો હતો. બપોર સુધીમાં જુનાગઢ સહિત જિલ્લાની પાંચે બેઠકો મળી માંડ 34 % જેટલું મતદાન પહોંચ્યું હતું. જોકે ત્યાર પછી પણ ધીમા મતદાન બાદ છેલ્લી બે કલાકો દરમિયાન મતદાન થોડું તેજ બન્યું હતું. જેના કારણે જુનાગઢ જિલ્લાની પાંચ બેઠકો નું સરેરાશ મતદાન 59.47 % નોંધાયું હતું.

ભવનાથના સંતોએ કર્યું ધિંગુ મતદાન

ગઈકાલે વિધાનસભા માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી, ત્યારે ઐતિહાસિક નગરી જૂનાગઢના પવિત્ર ભવનાથ ક્ષેત્રના વરિષ્ઠ સંતો, મહંતોએ ભવનાથ મંદિર ખાતે એકત્રિત થઈ રેલી સ્વરૂપે મતદાન મથક પર પહોંચ્યા હતા. અને પોતાનું મતદાન કરી મતદારોને મતદાન કરવા અનુરોધ કર્યો હતો. આ સાથે જવાહર રોડ સ્થિત સ્વામીનારાયણ સુવર્ણ શિખર મંદિરના કોઠારી પીપી સ્વામી, નીલકંઠધામ ચોકલીના અમૃતસાગર સ્વામી, ધર્મકિશોર સ્વામી વગેરે સંતોએ પણ મતદાન કરી મતદાતાઓને સો ટકા મતદાન કરવા અપીલ કરી હતી.

જૂનાગઢના વ્યંઢળ સમાજે 100 ટકા મતદાન કર્યું
જૂનાગઢમાં ત્રીજી જાતિ એટલે કે વ્યંઢળ સમાજદ્વારા સો ટકા મતદાન કરવામાં આવ્યું હતું. આમ જો તો હાલમાં લગ્નની સીઝન છે અને વ્યંઢળ સમાજ પરંપરાગત રીતે લગ્ન પ્રસંગોમાં જતા હોય છે. પરંતુ ગઈકાલે જુનાગઢના વ્યંઢળ સમાજે મતદાનને પ્રથમ પ્રાધાન્ય આપ્યું હતું અને તમામે મત અધિકારનો ઉપયોગ કર્યો હતો. આ સાથે જણાવ્યું હતું કે, મતદાન કરવું એ રાષ્ટ્ર અને સમાજ પ્રત્યેની આપણી જવાબદારી છે અને તમામ લોકોએ મતદાન કરવું જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.