ખારાઘોડાના રણમાં રણલોંકડીની સંખ્યા બે વર્ષમાં બમણી થઈ

રણલોંકડીએ ભૂખરા રંગનું, ગુચ્છાદાર પૂંછડીવાળુ તેમજ કદમા શિયાળ કરતા નાનુ અને દોડવામાં પાવરધું હોય છે

રણમાં દુર્લભ ઘુડખર, નિલગાય, વરૂ, નાવર, ઝરખ, રણબિલાડી અને કાળીયાર સહિતના પ્રાણીઓ વસવાટ કરે છે. જ્યારે ખારાઘોઢાના આ વેરાન રણમાં લુપ્ત થઇ રહેલી રણલોંકડીની સંખ્યા છેલ્લા બે વર્ષમાં બમણી થઇને 100થી પણ વધુ સંખ્યામાં હોવાનું વનવિભાગનું માનવુ છે. આ રણલોંકડી રણમાં સાંજના સમયે તીખા અને તીણા અવાજથી પોતાની ઉપસ્થિતી દર્શાવે છે. રણમાં વિશ્વમાં ક્યાંય ન જોવા મળતા દુર્લભ ઘુડખર સહિત અસંખ્ય સસ્તન પ્રાણીઓ વસવાટ કરે છે.

જેમાં રણમાં સામાન્ય રીતે સાદી લોંકડી અને રણલોંકડી એમ બે પ્રકારની લોંકડીઓ વસવાટ કરે છે. રણમાં આવેલા કુલ 74 પ્રકારના વિવિધ બેટોમાંથી પુમ્બ બેટ પર રણલોંકડીના 9 જીવંત દર મળી આવ્યા બાદ વનવિભાગના જણાવ્યાનુસાર અગાઉ રણમાં રણલોંકડીની સંખ્યા અંદાજે 40થી 50 સુધી હતી. જે છેલ્લા બે વર્ષમાં બમણીથી વધારે થતાં હાલમાં રણમાં અંદાજે 100થી 125 જેટલી દુર્લભ રણલોંકડી હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે.

રણલોંકડી એ ભુખરા રંગનું વાળવાળું અને ગુચ્છાદાર પૂંછડીવાળુ પ્રાણી છે. રણલોંકડી એ કદમાં શીયાળ કરતા નાનું અને દોડવામાં પાવરધુ હોય છે. એની લંબાઇ અને ઉંચાઇ 80 સેમી વજન 4 કિલો અને આયુષ્ય માત્ર 6 વર્ષનું હોય છે. તે સામાન્ય રીતે સુકા, પાંખા ઝાડીવાળા જંગલ તથા વીડમાં જોવા મળે છે. લોંકડી જમીનમાં દર બનાવીને રહે છે. દરમાં એકથી વધુ પ્રવેશદ્વાર હોય છે. આ પ્રાણી મોટેભાગે જોડીમાં જોવા મળે છે. સાંજના સમયે રણલોંકડી તીખા અને તીણા અવાજથી પોતાની ઉપસ્થિતી દર્શાવે છે. રાત્રે અને સાંજના સમયે વિશિષ્ઠ અવાજો કરી ખોરાકની શોધમાં નીકળી પડે છે.

રણમાં રણલોંકડીના બચ્ચાઓ જોવા મળ્યા

અગાઉ રણમાં અંદાજે 40થી 50ની સંખ્યામાં રણ લોંકડી હતી. રણમાં રણલોંકડીના અસંખ્ય બચ્ચાઓ જોવા મળ્યા છે. હાલમાં રણમાં અંદાજે 100થી વધુ રણલોંકડી હોવાનો અંદાજ છે. જ્યારે રણમાં આવેલા પુમ્બ બેટ પરતો રણલોંકડીના એક સાથે નવ જીવંત દર પણ જોવા મળ્યા હતા. આ સિવાય વેરાન રણમાં દુર્લભ કાળીયારનું ઝુંડ અને વરૂની પણ હાજરી જોવા મળી છે. અનિલભાઇ રાઠવા- રેન્જ ફોરેસ્ટ ઓફિસર- અભયારણ્ય વિભાગ- બજાણા