કોરોનાની ગભરાહટમાં ‘ગીધડાઓને’ મોજ!!

હોસ્પિટલના નામે કબ્રસ્તાન ખુલવા માંડયા, મહામારીને તક સમજી કમાણી કરવા બેઠેલા કળયુગના રાક્ષસથી પણ બદતર

કોરોનાના કપરાકાળમાં રતાંધળાપણું પાળ પીટી રહ્યું છે, સરકાર જાગેને નક્કર પગલાં ભરે નહિતર લોકજુવાળ ફાટશે

કોરોનાની મહામારીને કારણે જે ગભરાહટ છે તેને ગીધડાઓને જાણે બખ્ખા જ કરી દીધા છે. આ મહામારી વચ્ચે પણ માનવતા ભૂલેલા ગીધડાઓ બેફામ કમાણી કરીને મોજ કરી રહ્યા છે. સામે દર્દીઓ કોરોનાથી પહેલા તો દુર્ઘટનામાં જીવ ગુમાવી રહ્યા છે. અત્યારની કોવિડ હોસ્પિટલો કબ્રસ્તાન બની ગઈ છે. અને મહામારીને તક સમજીને બેઠેલા કળયુગના રાક્ષસો સાથે જાણે હરીફાઈ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

કોરોનાની મહામારીએ વિશ્વભરને હચમચાવી દીધું છે. વિશ્વના વિકસિત દેશો કોરોના સામે હોંશભેર બાથ ભીડી રહ્યા છે. સામે આપણા દેશમાં કર્મનિષ્ઠો પોતાની ફરજ સુપેરે બજાવીને મહામારી સામેના જંગમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપી રહ્યા છે. પણ અમુક માત્ર કહેવાતા માનવીઓ આ મહામારીને તક સમજી બેઠા છે. અને કોરોનાના નામે વેપલો શરૂ કર્યો છે. સામે તંત્ર પણ મુક પ્રેક્ષકની ભૂમિકામાં તમાશો જોઈ રહ્યું છે. હવે ગીધડાઓ કોરોનાના દર્દીઓને આર્થિક રીતે તોડી પાડવાની સાથે હવે જાનથી પણ મારી નાખવામાં આવી રહ્યા છે. ખરેખર કોઈ બનાવ કે દુર્ઘટના પાછળ કોઈને કોઇ કારણ હોય જ છે. આ કારણના મૂળ સુધી ન પહોંચવાની તંત્રની ભૂંડી ટેવ પણ લોક આક્રોશનું કારણ બની રહી છે.

કોરોનાની મહામારીમાં ઘણાએ સેવાની સરવાણી વહાવી તો ઘણાએ પોતાનું હરામીપણું પણ બતાવ્યું. હકીકતે સરકાર આરોગ્ય સેવા પાછળ આટલા ફંડ ફાળવે છે તો ખાનગી સેવા લેવા દર્દીને જવું પડે તો તે ઘટના સરકારના ગાલ ઉપર તમાચા સમાન છે.

ખાનગી સેવા લોકો લેતા થયા છે. ચાલો તેની સામે કોઈ વાંધો ન ઉઠાવીએ. પણ લાખો રૂપિયા ખર્ચવા છતાં કોરોના જાય કે ન જાય તે પછીની વાત છે પણ દર્દીના જીવનની કોઈ ગેરેન્ટી રહેતી નથી. રાજ્યમાં છેલ્લા ૪ મહિનામાં ૪ મુખ્ય શહેરોમાં કોવિડ-૧૯ હોસ્પિટલમાં આગના બનાવો બન્યા છે. એક- બે બનાવ બન્યા બાદ પણ લાપરવાહી બરકરાર રહી. ઘટના બન્યા બાદ જાગવાનું કામ કરવામાં પણ હવે તંત્ર આળસ કરે છે.

ચોકે ચોકે ખડકાયેલી કોવિડ-૧૯ હોસ્પિટલો લાલબત્તી સમાન બની ગઈ છે. જેમાં શુ સુવિધાઓ છે.શુ વ્યવસ્થાઓ છે.તે કઈ જોવાતું નથી. બસ હોસ્પિટલના પાટિયા મારીને કોઈ બિલ્ડીંગમાં કોવિડ-૧૯ હોસ્પિટલ જાહેર કરી દેવામાં આવે છે. પછી દુર્ઘટનાઓ સર્જાઈ છે. અને દુર્ઘટનાઓ સર્જાયા પછી તેની પાછળ તપાસનો કાર્યક્રમ રાબેતા મુજબ ચલાવવામાં આવે છે. જેનું કોઈ નક્કર પરિણામ મળતું જ નથી. હવે જો સરકાર સમયસર નહિ જાગે તો લોકજુવાળ થશે તે નક્કી છે.