વિતેલા વર્ષમાં રૂ. 56 કરોડની અપ્રમાણસર મિલકત શોધી કાઢતું એન્ટી કરપ્સન બ્યુરો !!

વર્ષ 2021માં એસીબી કુલ 173 ટ્રેપ કરી 287 લાંચિયા બાબુઓ સામે કાર્યવાહી કરી

 

અબતક, અમદાવાદ

ભ્રષ્ટાચારને લઇને સરકારી બાબુઓએ જાણે કે ના સુધારવાની હઠ પકડી હોય તેમ લાગી રહ્યું છે. વર્ષ 2021 માં એસીબીએ 173 કેસ કરીને 287 આરોપીઓ સામે કાર્યવાહી કરી છે. જ્યારે વર્ષ 2017થી 2021 સુધી એસીબીમાં 1207 કેસ નોંધાયા છે. રાજ્યનો વિકાસ તો થઈ રહ્યો છે પણ સાથે સાથે સરકારી વિભાગોમાં ભ્રષ્ટાચારે પણ તેટલી જ માઝા મૂકી છે. વર્ગ 1, વર્ગ 2, વર્ગ 3 કે વર્ગ 4 ના કર્મચારી હોય તમામ ભ્રષ્ટાચારમાં ડૂબેલા છે. એટલા માટે જ વર્ષ 2020માં 40 ટકા ક્ધવેક્શન રેટ હતો તેના કરતાં ચાલુ વર્ષે 43 ટકા થયો જેમાં 3 ટકા વધારો નોંધાયો છે. વર્ષ 2021 માં કુલ 173 કેસ કરવામાં આવ્યા. જેમાં ટ્રેપના 122 કેસ, ડિકોયના 16 કેસ, ડીએના 11 કેસ જ્યારે અન્ય 24 કેસ કરવામાં આવ્યા હતા. છેલ્લા પાંચ વર્ષના એસીબી એક કરેલ કેસની વિગતો પર નજર કરવામાં આવે આ પ્રમાણે છે.

વર્ષ 2017 થી 2021 સુધીમાં એસીબીએ કરેલા કેસો અંગે વાત કરવામાં આવે તો વર્ષ 2017 માં 148 કેસ 2018માં 332 કેસ, વર્ષ 2019માં 355 કેસ, 2020 માં 199 કેસ જ્યારે વર્ષ 2021માં 173 કેસ કરવામાં આવ્યા છે.

ભ્રષ્ટાચાર નાબુદી માટેની એસીબીની ટોલ ફ્રી હેલ્પલાઇન 1064 પર આવેલા ફોન દ્વારા વર્ષ 2020માં 20 જેટલા કેસ કરવામાં એસીબીની સફળતા મળી છે. જ્યારે 2021માં 116 ફરિયાદ મળેલી જેમાં 25 કેસ કરવામાં એસીબીને સફળતા મળી છે. જે ગત વર્ષ કરતા 20.69 ટકાવારી વધુ છે. જ્યારે અપ્રમાણસર મિલકતને લઈને પણ એસીબી એ સખ્ત કાર્યવાહી કરી છે. વર્ષ 2021માં 11 કેસ કરીને રૂપિયા 56 કરોડ 61 લાખની અપ્રમાણસર મિલકત શોધી કાઢી છે.

એસીબીએ કરેલ કાર્યવાહી પ્રમાણે ગૃહ વિભાગમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર હોય તેમ લાગી રહ્યું છે. જો વિભાગ પ્રમાણેની કાર્યવાહી પ્રમાણે નજર કરીએ તો ગૃહ વિભાગમાં 35 કેસ થયા છે અને 74 આરોપી પકડાયા છે. મહેસુલ વિભાગમાં 23 કેસ થયા છે અને 46 આરોપી પકડાયા છે. પંચાયત ગ્રામ ગૃહ નિર્માણમાં 20 કેસ અને 48 આરોપી પકડાયા છે.

રાજ્ય સરકારે એસીબીને આધુનિક બનાવવા 90.40 લાખ ફળવ્યા તેમજ આઈ.ટી. વિભાગને લગતા સાધનો ખરીદ કરવા માટે સરકારે 3 કરોડ ફાળવ્યા. સાથે જ એસીબી દ્વારા 7 કાયદાકીય સલાહકારની નિમણૂક કરી છે. અપ્રમાણસર મિલકતના એનાલિસિસ માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પેનલ સહિત વિવિધ પેનલની નિમણૂક પણ કરી છે.

વર્ગ 1ના બાબુઓથી માંડી વર્ગ 4 સુધીના કર્મચારીઓ ભ્રષ્ટાચારથી લથબથ

એસીબી એ 318 કેસમાં ચાર્જશીટ કરી તો 3939 અરજીનો નિકાલ કરેલ છે જે આંકડા આજદિન સુધીના ઇતિહાસમાં સૌથી વધારે ગણવામાં આવી રહ્યા છે. વર્ષ 2021 માં એસીબીએ 287 આરોપીઓ સામે કરેલ કાર્યવાહી પર નજર કરીએ તો વર્ગ 1ના 10 કર્મચારીઓ, વર્ગ 2 ના 25 કર્મચારીઓ, વર્ગ 3 ના 140 કર્મચારીઓ, વર્ગ 4 ના 9 કર્મચારીઓ અને ખાનગી 103 આરોપીઓ સામે કાર્યવાહી કરી છે. આ વર્ષે વર્ગ 3 ના સૌથી વધુ 140 આરોપીઓ પકડાયા છે.