નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે.. પુનડી કચ્છમાં એસપીએમ આરોગ્યધામના પ્રાંગણે કાલે યુવા શિબિર

અબતક, રાજકોટ

કચ્છ ક્ષેત્રના પુનડી ગામ સ્થિત એસપીએમ આરોગ્યધામ ખાતે ચાતુર્માસ અર્થે બિરાજી રહેલા રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ આદિ 42 સંત-સતીજીઓના સાંનિધ્યે વિશેષરૂપે વેસ્ટન કલ્ચરથી રંગાઈને પતન તરફ દોરાઈ રહેલા એમની જ રસ-રૂચિ અનુસારના ગમતા અનુષ્ઠાનો યોજીને આજના હજારો યુવાનોને લોજિક સાથેનું તથ્ય અને સત્ય સમજાવવા તેમજ અયોગ્યથી યોગ્ય દિશાનું માર્ગદર્શન આપવા રવિવાર તા.07/08/2022ના દિવસે “કલ્યાણ મિત્ર – જો હમે બનાએ સ્વમિત્ર” યુવા શિબિર, આ અનોખી શિબીર સાથે જ, સમગ્ર ચાતુર્માસ દરમિયાન પરમ ગુરુદેવના બ્રહ્મનાદે દર રવિવારે કરાવવામાં આવતી મહાપ્રભાવક શ્રી ઉવસગ્ગહરં સ્તોત્ર જપ સાધનાના ચતુર્થ ચરણની સાધના આ અવસરે કરાવવામાં આવશે.

વિશેષમાં આજના યંગસ્ટર્સના મનમાં ઉઠતી અનેક પ્રકારની જિજ્ઞાસાઓ, ઉત્કંઠાઓ અને પ્રશ્નોના ત્યારે જ પરમ ગુરુદેવ દ્વારા સચોટ અને યથાર્થ સમાધાન સાથેનો વિશિષ્ટ “ટોક શો” આ અવસરે યોજાશે.પ્રભુ ભક્તિ, કલ્યાણ મિત્ર સાથેની મિત્રતા અને સત્યનું પ્રાગટ્ય કરાવતાં ત્રિવેણી સંગમ સ્વરૂપ આ અવસરે દરેક ધર્મપ્રેમી ભાવિકો તેમજ યંગસ્ટર્સને પ્રત્યક્ષ કે લાઈવના માધ્યમે સવારે 9 કલાકે જોડાઈ જવા શ્રી એસપીએમ પરિવાર દ્વારા ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે.